Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

'લિવ ઇન રિલેશનશીપ'માં ૨૧ વર્ષની પાયલને દગો મળ્યોઃ જયદિપ છોડીને ગાયબ થઇ ગયો

બહેનપણી મારફત ત્રણ વર્ષ પહેલા ઓળખાણ થઇ, પછી પ્રેમ થયો અને છેલ્લે કરાર કર્યા... : બંનેએ પરિવારજનોની સહમતિથી બે વર્ષ પહેલા કરાર કર્યા હતાં: કરાર પુરો થયે લગ્ન કરવાના હતાં: પણ પરણવાનું ટાણુ આવતાં પ્રેમી ભાગી ગયોઃ ગાંધીગ્રામના યુવાન અને તેના માતા વિરૂધ્ધ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૨: સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર કવાર્ટર નં. ૧૩૪માં રહેતી પાયલ રાજુભાઇ જોગીયાણી (ઉ.૨૧) નામની રાવળદેવ યુવતિ સાથે ગાંધીગ્રામ જીવંતિકાનગર-૨ના જયદિપ હરસુખભાઇ ભીમાણીએ લિવ ઇન રિલેશનશીપ કરાર કરી બે વર્ષ બાદ લગ્ન કરી લેવાની વાત કરી હોઇ હવે લગ્ન ન કરી રાજકોટ છોડી ભાગી જતાં ઠગાઇનો ગુનો નોંધાયો છે. જયદિપને તેના માતા અરૂણાબેન મદદરૂપ થયા હોઇ તેનું પણ આરોપીમાં નામ છે.

 

ગાંધીગ્રામ પોલીસે પાયલની ફરિયાદ પરથી જયદિપ અને અરૂપાબેન સામે આઇપીસી ૪૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ધોરણ-૧૦ સુધી ભણેલી છું. મારા પિતા હયાત નથી અને ભાઇ બહેન પણ નથી. મારા માતાનું નામ રંજનબેન છે. ત્રણેક વર્ષ પહેલા મારી બહેનપણી કે જે નાણાવટી ચોકમાં રહે છે તેના મારફત જયદિપ ભીમાણી સાથે મુલાકાત થઇ હતી. એ પછી અમે એક-બીજાના પરિચયમાં આવતાં પ્રેમ થઇ ગયો હતો. બાદમાં અમે બંનેએ માતા-પિતાની સહમતીથી સાથે રહેવાના કરાર ૨૩/૪/૧૬ના રોજ કર્યા હતાં. આ કરાર મુજબ અમારે બે વર્ષ બાદ રાજીખુશીથી લગ્ન કરવાના હતાં.

જયદિપના માતા અરૂણાબેન અને મારા મોટા બાપુ ભરતભાઇએ પણ સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કર્યુ હતું. જેમાં અરૂણાબેને લખાણ કરી આપેલુ કે પોતાના પુત્ર અને પાયલની ઉમર નાની હોઇ લગ્ન રજીસ્ટર થઇ શકે તેમ ન હોઇ પુખ્ત વયના થાય ત્યારે લગ્ન કરાવવાના રહેશે. આ કરાર પછી હું મારા માતાથી અલગ જયદિપ સાથે તેના ઘરે તેની પત્નિ તરીકે રહેતી હતી. આઠ મહિના હું ત્યાં રોકાઇ હતી. એ પછી અમે બંને અમારા વાલીથી અલગ રહેવા સોમનાથ સોસાયટીમાં ભાડાના મકાનમાં ગયા હતાં. છેલ્લે અમે સાધુ વાસવાણી રોડ કવાર્ટરમાં ભાડેથી રહેતાં હતાં. કરાર હવે પુરો થવાની તૈયારી હોઇ મેં જયદિપનેલગ્ન કરી લેવાનું કહેતાં તેણે જાત-જાતના બહાના બતાવવાનું શરૂ કરી દીધુ હતું. ૧૭/૨/૧૮ના રોજ તે તેના માતાના ઘરે ગયેલ અને ત્યાંથી પોતાનું બાઇક તથા કપડા લઇ ભાગી ગયો હતો.

આમ આ રીતે મારી સાથે છેતરપીંડી થતાં મેં મહિલા પોલીસ મથકમાં રજૂઆત કરી હતી. આમ છતાં જયદિપ પાછો ન આવતાં અને તેના માતાએ પણ કરાર મુજબ લગ્ન ન કરાવતાં બંને સામે છેતરપીંડીની ફરિયાદ કરી છે. તેમ અંતમાં પાયલે જણાવતાં પી.એસ.આઇ. વી. સી. પરમારે તપાસ હાથ ધરી છે. હાલ જયદિપના માતા અરૂણાબેનની પોલીસે પુછતાછ શરૂ કરી છે. જયદિપ હાથમાં આવ્યો નથી. (૧૪.૬) 

(12:53 pm IST)