Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

આઇ.પી. મિશન સ્કૂલ નજીક રિક્ષાચાલક દાઉદભાઇ રાઉમાને છરીના ઘા ઝીંકાયા

બાઇક પર નીકળેલા બે શખ્સે ટર્ન લેવા બાબતે ગાળો ભાંડી નાક-કપાળે ઘા ઝીંકી દીધા

રાજકોટ તા. ૧૨: વાહનને સાઇડ આપવા જેવી બાબતે બે શખ્સોએ કેસરી પુલ નજીક ભગવતીપરાના રિક્ષાચાલક સંધી યુવાનને છરીના ઘા ઝીંકી દેતાં સારવાર લેવી પડી હતી. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ ભગવતીપરા-૪માં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં દાઉદભાઇ મુસાભાઇ રાઉમા (સંધી) (ઉ.૪૧) સાંજે સવા પાંચેક વાગ્યે પોતાની રિક્ષા નં. જીજે૩ડબલ્યુ-૨૯૫૬માં હોસ્પિટલ ચોકથી મુસાફરને બેસાડી રણછોડનગરમાં મુકવા જઇ રહ્યા હતાં ત્યારે આઇ. પી. મિશન સ્કૂલ નજીક બાઇક પર બે શખ્સ નીકળતાં તેના ચાલકને જુની કલેકટર કચેરી તરફ જવું હોઇ તેણે એ તરફ વળાંક લેતાં દાઉદભાઇનું ધ્યાન ન હોઇ તેની રિક્ષા તેને અડતાં અડતાં રહી જતાં હોન્ડા ચાલક અને સાથેના શખ્સે ગાળો ભાંડતા તેને ગાળો દેવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ છરી કાઢી નાક અને કપાળ પર ઘા ઝીંકી બંને ભાગી ગયા હતાં.

લોહીલુહાણ હાલતમાં દાઉદભાઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. એસ. વી. સાખરાએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(9:45 am IST)