Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

વાહનના વીમાની નકલી પોલીસી ઉભી કરવાનું કૌંભાડઃ હરેશ લાવડીયાની ગોલમાલ ઉઘાડી પડી

૧૫૦ રીંગ રોડ પર રહેતાં હરેશે પોતાના જ પરિચીત સવજીભાઇને તેના ટ્રકની નકલી પોલીસી ધાબડી રૂ. ૩૦ હજાર કટકટાવી લીધા'તાઃ સવજીભાઇને શંકા જતાં ગો ડિજીટ જનરલ ઇન્સ્યુરન્સની ઓફિસે જઇ તપાસ કરાવતાં છેતરાયાની ખબર પડી : યુનિવર્સિટી પોલીસે વીમા કંપનીના લિગલ મેનેજરની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૧૨: આરટીઓમાં ભરવાના થતાં દંડની નકલી પહોંચો બનાવવાનું કોૈભાંડ અગાઉ સામે આવ્યું હતું. ત્યાં હવે એક શખ્સે વાહનની નકલી વીમા પોલીસી ઉભી કરી ટ્રક માલિકને આપી તેના રૂ. ૩૦ હજાર કટકટાવી લીધાનું ખુલ્યું છે. ખુદ ટ્રક માલિકને જ શંકા જતાં તેણે ગો ડિજીટ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની ઓફિસે જઇ તપાસ કરાવતાં ભોપાળુ છતુ થયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

યુનિવર્સિટી પોલીસે આ અંગે ૮૦ ફુટ રોડ પર માસ્તર સોસાયટી-૯ 'સ્મૃતિ' ખાતે રહેતાં અને રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આકૃતિ બીઝ હબ-૨૦૨માં આવેલી ગો ડિજીટ જનરલ ઇન્સ્યુરન્સ લિ.ની રાજકોટ બ્રાંચની ઓફિસમાં લિગલ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતાં નિકુંજ મહેશભાઇ શુકલ (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી હરેશ ઉકાભાઇ લાવડીયા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ પોતે ગો ડિજીટનો એજન્ટ નહિ હોવા છતાં ટ્રક નં. જીજે૦૩બીટી-૧૪૮૬ની ખોટી પોલીસી લેપટોપમાં સોફટવેરની મદદથી બનાવી તેમાં ખોટા વાહન નંબર, તારીખ, માલિકનું નામ લીખ ખોટી વિગતો ભરી આ નકલી પોલીસી સવજીભાઇ નામની વ્યકિતને આપી તેના પેટે રૂ. ૩૦ હજાર ફી વસુલી લઇ ચાંઉ કરી જઇ છેતરપીંડી કરવા સબબ ગુનો નોંધ્યો છે.

નિકુંજ શુકલએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ૨૭/૧૧/૧૯ના રોજ અમારી રૈયા એક્ષચેન્જ પાસેની ઓફિસે હતો ત્યારે બપોરે આશરે ત્રણેક વાગ્યે એક ભાઇ આવ્યા હતાં અને પોતાનું નામ સવજીભાઇ જણાવી ટ્રક નં. જીજે૦૩બીટી-૧૪૮૬ની પોલીસી સાચી છે કે ખોટી તેની ખરાઇ કરવી છે તેવું કહેતાં મેં તેની પાસેની પોલીસીની અમારા કોમ્પ્યુટર સિસ્ટમ મારફત ખરાઇ કરતાં તેમાં આ ટ્રકના નંબરને બદલે ટુવ્હીલર નં. જીજે૦૬એમએ-૩૯૦૭ની હોવાનું અને તે સ્વાતિ રિતેશ મિસ્ત્રીના નામની હોવાનું જણાયું હતું. સવજીભાઇએ આ પોલીસી લાલજીભાઇ આર. ત્રમાત્રાની હોવાથી સવજીભાઇને વિશેષ પુછતાં તેણે આ પોલીસી હરેશ ઉકાભાઇ લાવડીયા (ઉ.૩૭-રહે. ૪૦૧, માનસ એપાર્ટમેન્ટ, ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ)ને રૂ. ૩૦૦૦૦ ચુકવી તેની પાસેથી લીધાનું કહ્યું હતું.

અમે તપાસ કરતાં હરેશ લાવડીયા નામનો કોઇ વ્યકિત અમારી કંપનીનો એજન્ટ હોવાનું જણાયું નહોતું. એ પછી સવજીભાઇ હરેશ લાવડીયાને સાથે લઇને આવ્યા હતાં. હરેશને અમે પુછતાં તેણે પોતે દસ વર્ષથી વાહનના ઇન્સ્યુરન્સનું કામ કરતાં હોવાનું કબુલ્યું હતું અને તેની પાસે વિમા એજન્ટ તરીકેનો કોઇ કોડ નહિ હોવાનું પણ કહ્યું હતું. સવજીભાઇને પોતે ઓળખતો હોઇ જેથી ૨૭/૧૧/૧૯ના પાંચ દિવસ પહેલા તેના ટ્રકની પોલીસી લેપટોપમાંથી કન્વર્ટર મારફત બનાવી ખોટી ઉભી કરીને આપી દીધાનું કહ્યું હતું. તેણે ખોટા વાહન નંબર અને માલિકનું નામ ખોટુ લખી, તારીખો બદલાવી તેમજ બારકોડ ડિલીટ કરીનાંખી ખોટી પોલીસી ઉભી કરી દીધાનું પણ તેણે કબુલ્યું હતું.

એ પછી સવજીભાઇને શંકા ઉપજતાં તેણે ગો ડિજીટ કંપનીની ઓફિસે આવી તપાસ કરતાં તપાસમાં તેને તેના જ પરિચીત હરેશ લાવડીયાએ નકલી પોલીસી ધાબડી રૂ. ૩૦ હજાર કટકટાવી લીધાનું સામે આવ્યું હતું. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પી. એ. ગોહિલે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)