Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

એક ઈન્દ્રીયની ખામી વાળા પણ અટલા ખુશ રહેતા હોય તો,પાંચેય ઈન્દ્રીય આપેલ વ્યકિત શા માટે દુઃખી છે ?: પૂ.ધીરજમુનિ મ.સા.

વિરાણી બહેરા મૂંગા શાળા ખાતે પૂ.ધીરગુરૂદેવનું મનન્ય પ્રવચન

રાજકોટ,તા.૧૨: દિવ્યાંગ મૂક બધિર બાળકોને શિક્ષણ તથા તાલીમ આપતી ૫૫ વર્ષ જુની સંસ્થા શ્રી છ.શા. વિરાણી બહેરા મૂંગા શાળા ખાતે દિવ્યાંગ મૂક બિધર બાળકોને આશિર્વચન પાઠવવા પ્રખર જૈન તત્વચિંતક પૂજય ધીરજમુની મ.સા. સંસ્થા ખાતે પધાર્યા હતા. દિવ્યાંગ મૂક બધિરને શિક્ષણની સાથોસાથ જુદી  જુદી વ્યવસાયલક્ષી પ્રવૃતિઓ જેવી કે સિવણ, ચિત્રકલા, બ્યુટીપાર્લર, કમ્પ્યુટર, સ્પોર્ટસ અને હસ્તકલા વિગેરે વિભાગો નિહાળી પૂજય મહારાજ સાહેબ તથા સુશ્રાવકો ખૂબ જ પ્રભાવિત થયા.

પૂજય ધીરજમુની મહારાજ સાહેબએ તેમના આશિર્વચનમાં જણાવ્યું હતુ કે આ પ્રકારના દિવ્યાંગ મૂક બધિર બાળકોને એક ઈન્દ્રીયની ખામી છે છતાં કેટલાં ખુશ મિજાજમાં રહે છે. જયારે આપણે સૌને ઈશ્વરે પાંચેય ઈન્દ્રીયો આપેલ હોવા છતા કંઈક સમસ્યાથી દુઃખી હોઈએ છીએ. આ માટે જીવનમાં શું શું કરવુ જોઈએ ? તેની શીખ ખૂબ જ સરળ ભાષામાં આપી હતી. સ્વ.છગનલાલ શામજી વિરાણી પરિવારનો ખાસ ઉલ્લેખ કરી સંસ્થાના સ્થાપક પુરૂષોતમભાઈ ગાંધી તથા ડો.પી.વી.દોશી વિગેરેએ કરેલી અથાવ નિઃ સ્વાર્થ સેવાની નોંધ લીધી હતી.

વર્તમાન ટ્રસ્ટીમંડળના સંસ્થાના પ્રમુખશ્રી રજનીભાઈ બાવીશી, માનદમંત્રીશ્રી હસુભાઈ જોષી, આરતીબેન વોરા, પ્રશાંતભાઈ વોરા, પ્રફુલ્લભાઈ ગોહીલ,  ડો.દર્શિતાબેન શાહ, નરેન્દ્રભાઈ દવે, નિશિથભાઈ ત્રિવેદી વિગેરેની નિઃસ્વાર્થભાવની સેવાની કદરરૂપે મોટા સંઘ રાજકોટ દ્વારા પ્રશસ્તીપત્ર આપી સર્વેનું સન્માન કરવામાં આવ્યું. સંસ્થાની પાંચ દાયકાની કામગીરીનું વિડીયો કલીપ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલી દ્વારા આપવામાં આવ્યું.

આ પ્રસંગે સંસ્થાની બાલિકાઓએ ''સત્યમ શિવમ સુંદરમ''ની સુંદર કૃતિ પોતાના નિર્દોષભાવ સાથે રજુ કરી ઉપસ્થિત શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા.

(3:38 pm IST)