Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ખોખડદડના પુલ પાસે ચાર વાહન અથડાયાઃ અઢી કલાક ટ્રાફિકજામ-એકને ઇજા

ઢાળ ઉતરતી વખતે સ્પીડ બ્રેકર પાસે ટ્રકચાલકે ઓચિંતી બ્રેક મારતાં બસ ચાલક રિક્ષાને બચાવવા જતાં અકસ્માતઃ બસ પાછળ ટ્રક અને ડસ્ટર ઘુસી ગયાઃ સદ્દનસિબે જાનહાની અટકી

રાજકોટઃ આજીડેમ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જતાં રસ્તા પર  કિસાન ગોૈશાળા નજીક ખોખડદડ નદીના પુલ પાસે સવારે એક પાછળ એક ચાર વાહનો અથડાયતાં હતાં. જેના કારણે અઢી કલાક સુધી ટ્રાફિક જામ થઇ જતાં વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતાં.  જાણવા મળ્યા મુજબ પુલનો ઢાળ ઉતરતી વખતે એક ટ્રકના ચાલકે સ્પીડ બ્રેકર પાસે અચાનક જોરદાર બ્રેક મારતાં પાછળ ખાનગી બસ નં. જીજે૩બીટી-૭૨૧૫ હોઇ તેના ચાલકે આગળની રિક્ષાને બચાવવા અચાનક ડાબી બાજુ ટર્ન લીધો હતો. આમ છતાં રિક્ષાને ટક્કર લાગી જતાં રિક્ષા રોડ ડિવાઇડરમાં અથડાઇ હતી. એ પછી આ બસની પાછળ ખિલાસરી ભરેલો ટ્રક ટેલર નં. જીજે૧૨એટી-૭૨૯૮ ધડાકાભેર અથડાયું હતું. તેમજ આ ટ્રક ટેલર પાછળ ડસ્ટર નં. જીજે૦૧આરએફ-૩૫૮૨ ધડાકાભેર અથડાતાં બસ, ટ્રક, ડસ્ટરમાં ભારે નુકસાન થયું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતાં સામત મહાવીરભાઇ ચોૈહાણ (ઉ.૨૦)ને પગમાં ગંભીર ઇજા થતાં  સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતાંં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા, દિગ્વીજયસિંહ રાણા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતને પગલે  સતત અઢી કલાક સુધી  ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ભારે જહેમત ઉઠાવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં લેવડાવ્યા હતાં અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. તસ્વીરમાં અથડાયેલા વાહનો અને ઇજાગ્રસ્ત યુવાન અને ટ્રાફિકજામના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:38 pm IST)