Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

સમઢીયાળા ગામે કાઠી યુવાનની હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧રઃ બોટાદ તાલુકાના મોટાખેડા ગામે રહેતા કાઠી દરબાર યુવાન રણજીત ખાચરની હત્યા કરવા અંગે પકડાયેલા તેનાજ ગામના આરોપી પ્રતાપ ઉર્ફે મંગળું બાવકુભાઇ ખવડે ''ચાર્જશીટ'' બાદ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી વી. વી. પરમારે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી ગભરૂભાઇ ખાચરના પુત્ર રણજીતને આ કામના આરોપીઓ પૈકીના એક આરોપીની બેન સાથે પ્રેમ સંબંધ હોય તેનો ખાર રાખીને તા. ૧૦/૧૧/૧૮ના રોજ આરોપી પ્રતાપે મરનાર રણજીતનું અપહરણ કરીને કારમાં સમઢીયાળા ગામે લઇ ગયેલ જયાં અન્ય આરોપીઓ અનિરૂધ્ધ, રવિ, કાળું વિગેરેનો સાથ લઇને રણજીત ઉપર કુહાડી વડે હુમલો કરી ગળુ દબાવી દઇને હત્યા કરી હતી.

આ બનાવ અંગે મૃતકના પિતા ગભરૂભાઇ ખાચરે વિંછીયા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરતાં આરોપી પ્રતાપ ઉર્ફે મંગળું બાવકુ ખવડે જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ મહેશભાઇ જોષીએ રજુઆત કરેલ કે, આરોપી સામે પ્રથમ દર્શનીય ખુનનો ગંભીર ગુનો છે. ખુનના ગુનાને હળવાશથી ન લઇને આરોપીની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી પરમારે આરોપીની જામીન અરજીને નકાઢી કાઢી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. મહેશભાઇ જોષી રોકાયા હતાં.

(3:37 pm IST)