Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ગુરૂવારથી યુનિવર્સિટીની પરીક્ષાની મૌસમ : ૪૫ હજાર પરીક્ષાર્થીઓ

કાર્યક્ષેત્રની બહાર જઈ પબજી પર પ્રતિબંધ મૂકી દીધો પણ પરીક્ષા સુધારણા માટે નક્કર આયોજન નહિં : ઈડીએસીમાં પણ ભેદભાવ હોવાની ઉઠતી રાવ : કોલેજીયનોની સાથે નવનિયુકત કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણીની પરીક્ષા લેવાઈ જશે

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે રોજ એક નવો વિવાદ વકરી રહ્યો છે. ઉનાળાની મૌસમની સાથે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની મૌસમનો પ્રારંભ થઈ રહ્યો છે. તા.૧૪થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ તબક્કાની પરીક્ષામાં કુલ ૪૫,૫૫૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો વિદ્યાર્થીઓની સાથે નવનિયુકત કુલપતિ નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણીની પણ પરીક્ષા લેવાઈ જશે.

રાજકોટ પોલીસ કમિશ્નર શ્રીએ પબજી ગેમ ઉપર પ્રતિબંધ મૂકયો છે ત્યારે કાર્યક્ષેત્રનો અભાવ ધરાવતા કુલપતિ ડો.નીતિન પેથાણીએ પણ અલગ પ્રતિભા છલકાવતા હોય તેમ પબજી ગેમ ઉપર પ્રતિબંધ ઝીંકી દીધો છે. સંઘના પ્રબુદ્ધ અને પ્રિન્સીપાલ તેમજ પાઠ્યપુસ્તક મંડળમાં રહી ચૂકેલા નીતિન પેથાણીએ પબજીનો પ્રતિબંધ મૂકતા ભારે ગણગણાટ ઉઠ્યો છે. અધ્યાપક અને પ્રિન્સીપાલોએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે પરીક્ષા ચોરી તેમજ યુનિવર્સિટીને એ ગ્રેડ મળે તેવા નિર્ણયો લેવાને બદલે માત્ર પ્રસિદ્ધિ પુરતુ પબજીનો પ્રતિબંધ મૂકીને વિવાદ ઉભો કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તા.૧૪-૩-૨૦૧૯થી પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બીએ સેમેસ્ટર-૬ રેગ્યુલર ૯૨૦૧, બીએ સેમેસ્ટર-૬ એકસટર્નલ ૩૧૦૨, બીબીએ સેમેસ્ટર -૬ - ૨૬૧૧, બીસીએ સેમેસ્ટર-૬-૨૫૪૭, બીકોમ સેમેસ્ટર - ૬ રેગ્યુલર - ૧૫,૮૧૯, બીકોમ સેમેસ્ટર - ૬ એકસટર્નલ - ૧૧૬૩, બીએસસી સેમેસ્ટર-૬ - ૫૪૪૨, એલએલબી સેમેસ્ટર-૪ - ૧૮૫૬, એલએલબી સેમેસ્ટર - ૬ - ૨૦૩૪ મળી કુલ ૩૬ પરીક્ષાઓમાં ૪૫,૫૫૦ પરીક્ષાર્થીઓ કસોટી આપનાર છે.

પરીક્ષાના આયોજન માટે આજે સાંજે તમામ કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક યુનિવર્સિટી ખાતે મળનાર હોવાનું જાણવા મળે છે.

(3:36 pm IST)