Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

નારીએ સ્વતંત્રતા જોઇતી હોય તો એ માટેની આવડત પણ કેળવવી પડે : જાનકી રાવલ

પુરૂષ સમોવડા બનવાની દોડમાં સ્ત્રીએ પરિવારની જવાબદારી પણ નિભાવવાની હોય છે : અલ્કાબેન ભારદ્વાજ

રાજકોટ : ભૂદેવ સેવા સમિતિની મહિલા પાંખ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે બ્રહ્મસમાજની જુદા જુદા ક્ષેત્રે ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરનાર મહિલાઓને  સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ આ સમારોહમાં શિક્ષણ ક્ષેત્ર, નાટય કલાક્ષેત્ર, સામાજીક ક્ષેત્ર, બિઝનેશ ક્ષેત્ર, રમત ગમત ક્ષેત્ર, પત્રકારત્વ ક્ષેત્ર, એન.જી.ઓ. ક્ષેત્ર અને બ્રહ્મસમાજમાં ૫૦ વર્ષથી સેવા આપતા બહેનોને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી અલ્કાબેન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, વંદનાબેન ભારદ્વાજ, લીનાબેન શુકલ, કાશ્મીરાબેન નથવાણી, રક્ષાબેન ત્રિવેદી, કિર્તીબેન દવે, રક્ષાબેન જોશી, શ્રીમતી પન્નાબેન પંડયા ઉપસ્થિત રહેલ. મુખ્ય વકતા મોટીવેશ્નલ સ્પીકર જાનકીબેન રાવલે આ તકે જણાવેલ કે આજની નારીને કમાવવાની સ્વતંત્રતા જોઇએ છે. પણ સાથે વાપરવા માટેની આવડત પણ તેમણે કેળવવી પડશે. આ તકે શ્રીમતી અલ્કાબેન ભારદ્વાજે જણાવેલ કે સ્ત્રીઓએ પોતાના અસ્તીત્વ ભુલી પુરૂષ થવાની દોડ લગાડી છે. પણ સાથે બાળકો, વડીલોના પરિવારની કાળજી લેવાનું ચુકાય ન જાય તે પણ ધ્યાન રાખવુ જરૂર બની રહે છે. પુરૂષ સમોવડા બનવાની દોડ સાચી દિશામાં તો છેને તે ધ્યાન રાખવુ જોઇએ.  આજની નારીએ માતા રેણુકા અને જીજાબાઇ બનવુ પડશે અને બાળકોને સંસ્કૃતિના પાઠ ભણાવવા પડશે. તો જ ભગવાન પરશુરામ અને શિવાજી જેવા સંસ્કાર બાળકોમાં આવશે. ગુજરાતના સૌ પ્રથમ મહીલા હાસ્ય કલાકાર એવા ડો. અવનીબેન વ્યાસે પણ હાસ્યની છોળો ઉડાવી સૌને હળવા ફુલ કરી દીધા હતા. મેયર બીનાબેન આચાર્યએ આજના દિવસને સુવર્ણ અક્ષરે લખાયા બરાબર ગણાવી ભુદેવ સેવા સમિતિ મહીલા પાંખ દ્વારા બધા બહેનોને એક સ્ટેજ પર લાવવાના ભગીરથ કાર્યને બીરદાવ્યુ હતુ. કાર્યક્રમનું એન્કરીંગ દર્પણાબેન પંડિતે કરેલ. જયારે સંચાલન ભાર્ગવીબેન ભટ્ટે અને અંતમાં આભારવિધિ સમિતિના રક્ષાબેન ત્રિવેદીએ કરી હતી. સમગ્ર આયોજન માટે ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ના માર્ગદર્શન હેઠળ મહિલા પાંખના બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)