Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પૂ.મુનિરાજશ્રી જીવબંધુ વિજયજી તથા પૂ.દિવ્યયશ વિજયજી મહારાજને કાલે પંન્યાસ પદ પ્રદાન કરાશે

શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે આ.ભ.સંયમબોધિ સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં : ૩૬ જીવોને અભયદાન, ૩૬ પૂજારી- ધર્મમિત્રો અને ૩૬ શિક્ષકોનું સન્માન, ૩૬ સાધર્મિક પરિવારો તથા ૩૬ વિશિષ્ટ આરાધકોનું બહુમાન કરાશે

રાજકોટ તા.૧૨: વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ પ્રકારની કવોલિફિકેશન ધરાવનાર વ્યકિતને પ્રમોશન અને વિશિષ્ટ પોસ્ટ આપવામાં આવે છે. સાધુઓના વિશ્વમાં પણ આ રીતે યોગ્ય મહાત્માઓને વિશિષ્ટ પદવી આપવામાં આવેછે. અમુક વર્ષોની સાધના બાદ મહાત્માની જ્ઞાનશકિત તથા તેમની પુણ્ય શકિતને ધ્યાનમાં લઇ તેઓને ચોક્કસ ક્રમમાં પદવીઓ એનાયત કરવામાં આવે છે. જૈન સાધુ મહાત્માઓમાં જ્ઞાનનો મહિમા અનેરો છે. તેઓ આખી જીંદગી જ્ઞાનની સાધના પાછળ જ વીતાવી છે. એ ખાસ ઉલ્લેખપાત્ર છે કે આજે વિશ્વનો સૌથી વધુ મોટો પ્રાચીન જ્ઞાન વારસો જૈન સમાજ પાસે છે. હજારો વર્ષોથી ચાલ્યો આવતો તે જ્ઞાનવારસો જ્ઞાનના મોટાભાગના ક્ષેત્રનો આવરી લે છે. ભૂગોળ, રાજકારણ, ઇતિહાસ, પદાર્થ વિજ્ઞાન, કર્મ વિજ્ઞાન, અણુ વિજ્ઞાન, આત્મ વિજ્ઞાન, આધિભૌતિક વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં અનુપમ અને અનુઠું જ્ઞાન તે ગ્રંથોમાં પીરસવામાં આવ્યું છે. જૈન સાહિત્યમાં સૌથી વધુ પ્રાચીન અને મહત્વપૂર્ણ હોય તો તે છે આગમો! આગમોની વાણીએ સીધી પ્રભુ મહાવીરની વાણી કહેવાય છે. આ આગમો તેની જ્ઞાનગંભીરતાને કારણે આખા વિશ્વના તમામ વિદ્વાનોને આકર્ષિક કરી ચૂકયા છે. આ આગમોનો અભ્યાસ જૈન સાધુઓ ચોક્કસ તપ અને ક્રિયાની સાધના દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરીને જ કરી છે. યોગ્યતા પ્રાપ્ત ન થાય તો આ આગમો વાંચવાનો તેનો અભ્યાસ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી.

વિશિષ્ટ યોગ્યતા ધરાવનારા મહાત્માઓને લગ-લગાટ છ મહિનાની ઉગ્ર અને એકધારી તપશ્ચર્યાના  અંતે સૌથી મુખ્ય આગમ શ્રીભગવતી સૂત્રને ભણવાની રજા આપવામાં આવેછે. આવા આગમને ભણવું તે વિશિષ્ટ સૌભાગ્ય છે. આથી આ તકે તે મહાત્માને 'ગણી' પદવી એનાયત કરવામાં આવે છે. ત્યાર બાદ જો વિશિષ્ટ યોગ્યતા જણાય તો તે મહાત્માને તમામ આગમો બીજાને ભણાવવાનો અધિકાર આપવામાં આવે છે. આગમો બીજાને ભણાવવાનો અધિકાર એટલે જ પંન્યાસ પદ.

પૂજય પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજના બે શિષ્યરત્નો મુનિરાજ શ્રી જીવબંધુ વિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી દિવ્યયશ વિજયજી મહારાજ બન્નેને તેઓની વિશિષ્ટ યોગ્યતા જોઇ પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસુરીશ્વરજી મહારાજે ગણિ પંન્યાસ પદ પ્રદાન કરવાનો નિર્ણય કર્યો તેઓશ્રીના જ શુભાશિષથી કાલે ૧૩ને બુધવારના પવિત્ર દિવસે બન્ને મહાત્માઓને ગણિ પંન્યાસ પદ ઉપર આરૂઢ કરવામાં આવશે. આ અવસરે પૂજયપાદ કુશળ પ્રવચનકાર આચાર્ય ભગવંત શ્રી સંયમબોધિ સૂરીશ્વરજી મહારાજે પણ ઉપસ્થિત રહી સહુના આનંદની અભિવૃદ્ધિ કરી છે. સુયોગ્ય મહાત્માઓને જયારે સુયોગ્ય પદ મળે છે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. તે પદ દ્વારા મહાત્માઓનું ગૌરવ વધે થે, અને તે સુયોગ્ય મહાત્માઓ દ્વારા પદની ગરિમા વધે છે.

આવો ઉત્તમ અવસર શ્રી જાગનાથ શ્વે.મપ.જૈન સંઘના આંગણે આવતા જ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીના માર્ગદર્શન હેઠળ તેને અનોખી રીતે ઉજવવાનું નિર્ધારિત કર્યુ... આ અવસરે વિશાળ ધનરાશિના સદ્વ્યય દ્વારા કેટલાંક ઉત્તમ કર્યો કરવાનુ નક્કી કર્યુ. તેમાં ૩૬ જીવોને અભયદાન, ૩૬ પૂજારી વગેરે ધર્મમિત્રોનું સન્માન,૩૬ શિક્ષકોનું સન્માન, ૩૬ સાધર્મિક પરિવારોનું બહુમાન, ૩૬ વિશિષ્ટ આરાધકોનું બહુમાન આવા અનેક નવતર આયોજનો કરવામાં આવ્યા છે. આ એક સરસ પહેલ છે. અને આ કાર્યને સાકાર કરવાની ટહેલ દાતા પરિવારોએ ઉદારતાથી પૂરી કરી છે.

આ ભવ્ય ઉત્સવમાં સવારે ૯ થી ૧૨ દરમ્યાન પધારવા સર્વ ધર્મ પ્રેમીઓને આગ્રહભર્યુ સાદર આમંત્રણ જાગનાથ જૈન સંઘે પાઠવ્યું છે.

પૂજય મુનિરાજ શ્રી જીવબંધુ વિજયજી મહારાજનો ''પાવન પરિચય''   

કેરલ રાજયમાં આવેલા કોચીન શહેરમાં જન્મ ધારણ કરીને પિતા અરવિંદભાઇના કુળને અને માતા અંજનાબેનની કુક્ષિને શોભાવી.

નાનપણથી જ સહજ પણે ધાર્મિક રૂચિ હોવાને લીધે જીતેશકુમાર ધાર્મિક કાર્યક્રમોમાં અને સમાજ સેવાના કાર્યોમાં સદા અગ્રેસર રહેતા.

દક્ષિણ ભારતમાં ગુરૂદેવશ્રીની પધરામણી થતા કોયમ્બતુર મુકામે સૌ પ્રથમ ગુરૂદેવનો ભેટો થયો. અને વૈરાગ્યના સંસ્કારો જાગૃત થયા. સંયમ જીવનની તાલીમ લેવા માટે બેંગ્લોર-હુબલી વગરે અનેક ઠેકાણે ગુરૂદેવ પાસે રોકાવા આવ્યા. તેમજ માતા-પિતાની ભાવનાને માન આપીને વ્યાવહારિક ભણતરમાં પણ આગળ વધ્યા.

સંસારમાં સર્વપ્રકારની અનુકૂળતા વચ્ચે રહેવા છતા, અને કોમ્પ્યુટર એન્જીનિયરિંગની સફળ કારકિર્દીમાં જોડાયા હોવા છતાં અંતઃકરણ સંસારના પંથ માટે સંમત ન થયું.

'જીવનની સાચી સફળતા શેમાં?' એ પ્રશ્ન વિશે ઉડા આત્મમંથનના અંતે ૨૪ વર્ષની વિચારક અને પરિપકવ વયે સંયમ જીવન લેવાનો નિર્ધાર કર્યો.

ઇ.સ.૧૯૯૯માં પૂજ્યપાદ મહાસંયમી આચાર્યશ્રી જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે માતા પિતાની સહર્ષ સંમતિ પૂર્વક મુંબઇ-ઘાટકોપરમાં સંયમ જીવનની પ્રાપ્તિથઇ.

પૂજયપાદ તર્ક સમ્રાટ આચાર્ય શ્રી જયસુંદર સુરીશ્વરજી મહારાજે જીતેશકુમારમાંથી 'મૂનિ જીવબંધુ વિજય મહારાજ' એવું નામાભિધાન કર્યુ.

પોતાના ગુરૂદેવ પૂજય આચાર્ય શ્રી યશોવિજય સૂરિજીના ચરણોમાં તન-મન અને અંતઃકરણનું પણ સમર્પણ કરીને તેમના ચોથા શિષ્ય બન્યા.

દીક્ષા બાદ ગુરૂદેવની મનોકામનાને પોતાનો આદર્શ બનાવીને તેમજ એમના ઇશારાને આજ્ઞા સમજીને સંયમ જીવનમાં સર્વક્ષેત્રીય વિકાસ સાધ્યો, વીશ વર્ષના પર્યાયમાં ગુરૂદેવના સાંનિધ્યમાં રહીને આગમ ગ્રંથો, અધ્યાત્મ ગ્રંથો, કર્મગ્રંથો, યોગ ગ્રંથો અને ચર્ચા ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યુ.

અભ્યાસની સાથોસાથ તપશ્ચર્યાની ક્ષેત્રે પણ વર્ધમાન તપની ૮૯ ઓળી કરીને અંદાજીત ચારેક હજાર આયંબિલ તેમજ ઉપવાસ વગેરેની આરાધના કરી. તપ સિવાયના દિવસોમાં પણ પ્રાયઃ દિવસમાં એક જ ટંક આહાર લેવાની ટેકને આત્મસાત કરી.

પૂજ્ય મુનિરાજ શ્રી દિવ્યયશ વિજયજી મહારાજનો પાવન પરિચય

અંતિમ પૂર્વધર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ વગેરે અનેક રત્નો જે પાવન ભૂમિ ઉપર જનમ્યા છે, તે જ વેરાવળમાં સુશ્રાવક રમણિકભાઇ અને સુશ્રાવિકા કુસુમબહેનના ઘરે પોતાની પૂર્વ ભવની અધૂરી આરાધના પરિપૂર્ણ કરવા એક તેજસ્વી પુત્રરત્નએ જન્મ લીધો. માતા-પિતાએ ખુબ ઉલ્લાસપૂર્વક તે બાળકનું નૈમિષ નામ રાખ્યું.

બયપણથી જ નૈમિષને સતત પિતાનું અનુશાસન તેમજ માતાના ઝળહળતા સંસ્કારનો વારસો મળતો રહ્યો. જ્યાં સુધી દેરાસરમાં ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી સવારે મોઢામાં પાણીનું ટીપું પણ નહિ નાખવાનું એવી દ્રઢ ટેકને નાની ઉમરેથી જ ધારણ કરી હતી. નાનપણથી જ કંદમૂળ વગેરે અભક્ષ્ય વસ્તુ પણ કયારેય ચાખી નથી.. વ્યાવહારિક અભ્યાસમાં તો અત્યંત તેજસ્વી હતા જ, પણ સાથે ધાર્મિક અભ્યાસની પણ એટલી જ લગની હતી. પોતાનું ૧૨નું વર્ષ વેરાવળમાં પરિપૂર્ણ કરીને CAનો અભ્યાસ કરવા માતા-પિતાએ મુંબઇ શહેરમાં મહાવીર જૈન વિદ્યાલયમાં મોકલ્યા મુંબઇની મોહમયી નગરીમાં પણ પોતાના માતા-પિતાએ આપેલા સંસ્કારોને અકબંધ જાળવી રાખ્યા.

પોતાની ઉંમર ૮ વર્ષની હતી ત્યારે તેમના વડીલ ભાઇ (વર્તમાન આચાર્ય યશોવિજયસૂરિ મ.સા.) એ જૈન દીક્ષા લીધેલ. નૈમિષનો સાધુ ભગવંતો પ્રત્યેનો અહોભાવ અને ધર્મની જિજ્ઞાસા જોઇને તેમના ભાઇ મહારાજ તેમને યોગ્ય હિતશિક્ષા આપતા. નૈમિષ એ હિતશિક્ષાઓને માત્ર સાંભળતા નહિ પરંતુ યથાશકિત જીવનમાં ઊતારવાનો પણ પુરૂષાર્થ કરતા.

ઘરમાંથી વડીલ ભાઇની દીક્ષા થયા બાદ પોતાના બે બહેનોએ પણ દીક્ષા લીધી. પોતાના પૂર્વ ભવના સંસ્કાર, આ ભવના માતા-પિતાના સંસ્કાર અને અવાર નવાર મળતી ભાઇ મહારાજની હિતશિક્ષાએ નૈમિષની સૂતેલી ચેતનાને જાગૃત કરી દીધી, CAના Final વર્ષમાં હોવા છતાં પણ નૈમિષને ભાવ જાગ્યા કે હું પણ દીક્ષા લઇને મારા આત્માનું કલ્યાણ કરૃં. ૨૪ વર્ષની ભર યુવાનીમાં માતા-પિતાની હર્ષપૂર્વક સમ્મતિ સાથે નૈમિષે આ મોહમય સંસારનો ત્યાગ કરી દીધો. વેરાવળમાં સ્વગૃહઆંગણે જ અત્યંત ધામધૂમથી મહોત્સવર પૂર્વક દીક્ષા લઇને પોતાના જ ભાઇ મહારાજના શિષ્ય તરીકે મુનિરાજ શ્રી દિવ્યયશ વિજયજી બન્યા.

દીક્ષા લીધા બાગ મુનિરાજ શ્રી દિવ્યયશ વિ.મ.સા.એ આરાધનાની ધૂણી ધખાવવાનું કામ કર્યુ છે. દિક્ષાના શરૂઆતના જ વર્ષોથી ૮-૯ મહિના આયંબિલનું તપ, નવકારનો જપ, સ્વાધ્યાયનો ખપ, આ ત્રિવેણી સંગમમમાં પોતે ડૂબી ગયા. ૫ વર્ષ પુર્વે સિદ્ધિતપ કરેલ છે. તથા ૪૦૦૦ થી વધુ આયંબિલ કરીને વર્ધમાન તપની ૯૨મી ઓની સુધી પહોંચેલા છે અધ્યયન અને અધ્યાપનને તેમણે જીવનનો શ્વાસ બનાવેલ છે. જૈન દર્શનના આગમોનો અને ન્યાય વગેરે ગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. સાથે અભ્યંતર ગુણોની કેળવણી પણ ચાલુ રહી. 'સહાય કરે તે સાધુ'-આ સુત્રને પોતાના જીવનમાં વણીને રાહવર્તીઓને પ્રેરક અને પૂરક બનીને જીવે છે. સાધુ ગમે તેટલા નાના ભલે હોય અને કામ પણ ગમે તેવું નાનું ભલે હોય, પરંતુ તે કરતા કયારેય તેઓ નાનપ નથી અનુભવતા આ ખરેખર એમની મોટપ છે.

એમના જીવનમાં સંયમ ચુસ્તતાએ એમના સંયમપ્રેમનું પ્રતિબિબ છે. વરસાદમાં ગોચરી વહોરવા ન જઇને ઉપવાસ કરી લેવો એ એમના માટે સાહજિક છે. પ્રાચીન ભાષાનું એમનું જ્ઞાન પણ સુંદર છે. વર્ષો જુની હસ્તપ્રતોને ભારે ખંત અને ચીવટ પૂર્વક ઉકેલી ભારતીય સાંસ્કૃતિક વિરાસતના પુનરૂદ્વાર માટે નોંધપાત્ર ફાળો નિઃસ્વાર્થભાવે તેઓ આપી રહ્યા છો ભાષામાં મધુરતા અને હૃદયમાં પ્રેમ આ બે તત્વોના પ્રતાપે લોક પ્રિયતા પણ તેમણે મેળવી અને કેળવી છે.

(3:29 pm IST)