Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પેલેસ રોડના સોની વેપારી હરનીશ લોઢીયાના ૩૫ લાખના દાગીના સેલ્સમેન હરકિશન ઝીંઝુવાડીયા ચાંઉ કરી ગયો

આઠ વર્ષ સુધી નોકરી કરી વિશ્વાસ કેળવ્યો, છેલ્લે ઘરને તાળા મારી રફૂચક્કર : શેઠે દિવાળી તહેવાર પર ૧૦ હજાર એડવાન્સ આપ્યા એ પણ ગયાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૨: પેલેસ રોડ પર લક્ષ્મીનારાયણદેવ કોમ્પલેક્ષમાં દૂકાન નં. ૧૦૪માં શ્રીરામ ગોલ્ડ નામે સોનાના દાગીનાની દૂકાન ધરાવતાં કાલાવડ રોડ જાનકી પાર્કમાં રહેતાં સોની વેપારી હરનિશભાઇ જગન્નાથભાઇ લોઢીયા (ઉ.૪૪) સાથે તેની જ દૂકાનમાં અગાઉ સેલ્સમેન તરીકે ૧૦ હજારના પગારથી નોકરી કરતાં મોરબી રોડ અભીરામ પાર્કના હરકિશન પાનાચંદભાઇ ઝીંઝુવાડીયા નામના સોની શખ્સે રૂ. ૩૫ લાખની  ઠગાઇ કરતાં એ-ડિવીઝન પોલીસે તપાસ આદરી છે.

હરનીશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે તે અગાઉ સોની બજાર જુની ગધીવાડના બંસીધર કોમ્પલેક્ષમાં શ્રીરામ ગોલ્ડ નામે દૂકાન ચલાવતાં હતાં. હાલમાં પેલેસ રોડ પર દૂકાન શરૂ કરી છે. તેની દૂકાનમાં હરકિશન  ઝીંઝૂવાડીયા છેલ્લા આઠ વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. તે દૂકાનમાં નવા બનતા દાગીના વેપારીઓને બતાવી વેંચાણ કરતો અને ત્યાંથી પેમેન્ટ કરી દૂકાનમાં જમા કરાવતો હતો. કેટલાક વેપારીઓ તેણે પોતાની અંગત રીતે પણ શોધ્યા હતાં અને ત્યાં પણ દાગીના આપી સમયાંતરે પૈસા જમા કરાવી દેતો હતો. તેના પર પુરો વિશ્વાસ હોઇ જેથી બહારગામના ગ્રાહકોને પણ બાકીમાં દાગીના અપાતા હતાં.

દરમિયાન દિવાળીના તહેવાર પહેલા એક માસ સુધી ધંધાની જગ્યા ફેરવવાની હોઇ જેથી પોતે (હરનીશભાઇ) નિયમીત પોતાની ગધીવાડની પેઢી પર હાજર રહી શકતાં નહોતાં. છેલ્લે ૨૬/૧૦/૧૮ના રોજ હરકિશન મળેલો અને પોતે શ્રીનાથદ્વારા દર્શને જવાનો છે અને આવીને બાકી રહેલુ બધુ પેમેન્ટ આપી દેશે તેવી વાત કરી હતી. તેના પર પુરો વિશ્વાસ હોઇ તેને દિવાળીનો તહેવાર આવતો હોઇ પગારના ૧૦ હજાર એડવાન્સ પણ આપી દીધા હતાં.

પરંતુ બાદમાં ૨૮/૧૦ના રોજ તેને ફોન કરતાં તેના બંને ફોન બંધ હતાં. તેના મોરબી રોડના અભિરામ પાર્ક જે. કે. કોમ્પ્લેક્ષના ફલેટ નં. ૩૦૧-૩૦૨ ઉપર પણ તાળા જોવા મળ્યા હતાં. પડોશીઓને પુછતાં એવું જાણવા મળેલું કે હરકિશન તેના પરિવારજનોને લઇને નીકળી ગયેલ છે. દરમિયાન ૨૯/૧૦ના રોજ હરકિશને ફોન કરી થોડા દિવસમાં પૈસા ચુકવી દેશે તેવી વાત કરી હતી. પરંતુ બાદમાં દિવસો સુધી ફોન બંધ આવ્યો હતો. ત્યાર પછી સતત તેના ફોન બંધ આવે છે. તેણે પેઢીમાંથી રૂ. ૩૫ લાખના ૧૧૦૩ ગ્રામ સોનાના દાગીના લઇ બારોબાર વેંચી નાંખી અથવા પોતાની પાસે રાખી લઇ તેમજ ૧૦ હજાર પગારના એડવાન્સ લઇ જઇ નાશી જઇ ઠગાઇ કર્યાનું જણાતાં અંતે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં વેપારી હરનીશભાઇએ જણાવતાં પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. ડોડીયા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

(3:28 pm IST)