Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ન્યુ કેદારનાથમાં પડોશી સાસુ-વહુએ ડખ્ખો કરી ધમકી આપતાં ગીતાબેન ડવ ફિનાઇલ પી ગયા

ગીતાબેનના દિકરાએ નીમુબેન ડાંગરની ભત્રીજી સાથે લવમેરેજ કર્યા હોઇ તેનું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૧૨: કોઠારીયા રોડ પર ન્યુ કેદારનાથ સોસાયટી-૨માં રહેતાં આહિર મહિલાએ પડોશમાં રહેતાં પુત્રવધૂના સગા એવા સાસુ-વહૂના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં ભકિતનગર પોલીસે તેમની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

ન્યુ કેદારનાથમાં રહેતાં જયાબેન રાવતભાઇ ડવ (ઉ.૪૫) સાંજે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમારે હોસ્પિટલે પહોંચી પુછતાછ કરતાં જયાબેને જણાવ્યું હતું કે પોતાના પુત્ર નિરવે ચાર મહિના પહેલા પડોશમાં જ રહેતાં નિમુબેન દેસુરભાઇ ડાંગરની ભત્રીજી રાધીકા સાથે લવમેરેજ કર્યા છે. હાલમાં રાધીકાના માવતર પક્ષને પણ કંઇ વાંધો નથી. પરંતુ જ્યારથી નિરવે લગ્ન કર્યા છે ત્યારથી નિમુબેન સતત માથાકુટ કરે છે. ગઇકાલે સાંજે પણ પોતે ઘર પાસે બેઠા હતાં ત્યારે નિમુબેન અને તેની પુત્રવધૂ અલ્કા નિર્મળ ડાંગરે જેમતેમ બોલી ગાળો ભાંડતાં અને મારી નાંખવાની ધમકી આપતાં પોતાને માઠુ લાગી જતાં ફિનાઇલ પી લીધી હતી.

પોલીસે આ કથનને આધારે નિમુબેન અને અલ્કા સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. જયાબેનના પતિ રાવતભાઇ ગીગાભાઇ ડવના કહેવા મુજબ દિકરાએ લવમેરેજ કરતાં અગાઉ પણ આ લોકોએ માથાકુટ કરી મારા નાના દિકરા અને સાળા સાથે માથાકુટ કરી હુમલો કર્યો હતો. અમે ફરિયાદ પણ કરી હતી અને એ લોકોની ધરપકડ પણ થઇ હતી. આમ છતાં તે અવાર-નવાર અવું કહી હેરાન કરે છે કે પોલીસ કંઇ કરી ન શકે. પોતે ડ્રાઇવીંગ કરતાં મોટે ભાગે બહાર રહે છે. પાછળથી પત્નિ એકલા હોઇ ત્યારે જ નિમુબેન માથાકુટ કરે છે. પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે.

(3:27 pm IST)