Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

હિરામનનગરમાંથી દારૂની ૧૬૪ બોટલ-ચપલા સાથે રૂસ્તમ ઉર્ફ અબ્દુલ શેખને ગાંધીગ્રામ પોલીસે પકડ્યો

૨૫મીએ પુત્ર બાટલીઓ સાથે પકડાયો, હવે પિતાને પોલીસે ઝપટમાં લીધો : હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા અને ગોપાલભાઇ પાટીલની બાતમી

રાજકોટ તા. ૧૨: રૈયા રોડ હનુમાન મઢી પાછળ હિરામન નગર-૧માં રહેતાં રૂસ્તમ ઉર્ફ અબ્દુલ કાસમભાઇ શેખ (ઉ.૪૯)ને ગાંધીગ્રામ પોલીસે રૂ. ૨૬ હજારના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે. થોડા દિવસ પહેલા આ શખ્સના પુત્રને પોલીસે દારૂના કેસમાં પકડ્યા બાદ હવે ખુદ પિતા રૂસ્તમ ઝડપાયો છે.

ચૂંટણી અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાએ દારૂના કેસ શોધી કાઢવા સુચન કર્યુ હોઇ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા અને ગોપાલભાઇ પાટીલને બાતમી મળી હતી કે હિરામનનગરમાં રહેતાં રૂસ્તમ ઉર્ફ અબ્દુલ શેખે ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં બ્લેન્ડર સ્પ્રાઇડની ૬ બોટલ, સિગ્નેચરની ૮ બોટલ, પાર્ટી સ્પેશિયલની ૨૦ બોટલો, જીનીસ ફાઇન વ્હીસ્કીના ૮૨ ચપલા, રોયલ બ્લુ રિઝર્વ વ્હીસ્કીના ૪૮ ચપલા મળી કુલ ૨૬૦૦૦નો ૧૬૪ બોટલ-ચપલા દારૂ મળતાં કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ, કિશોરભાઇ ઘૂઘલ, હિતેન્દ્રસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ સહિતે આ કામગીરી કરી હતી. ઉલ્લેખનિય છે કે ગત ૨૫મીએ જ ગાંધીગ્રામ પોલીસે રૂસ્તમ ઉર્ફ અબ્દુલના પુત્ર અરબાઝ (ઉ.૨૦)ને રૂ. ૪૫૦૦ના ૧૫ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(3:26 pm IST)