Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

કાલે વાતાવરણમાં અસ્થિરતાઃ છાંટા છુટીની સંભાવનાઃ આગામી દિવસોમાં ગરમી વધશે

ગુરૂવાર સુધી વ્હેલી સવારે અને મોડી રાત્રીના ગુલાબી ઠંડીનો અહેસાસ થશેઃ ૧૬મીથી તાપમાન ઉચકાશેઃ સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં વધુ ગરમીનો અનુભવ થશેઃ બુધ-ગુરૂ ઝાકળની સંભાવના

રાજકોટઃ તા.૧૨, હાલમાં વ્હેલી સવારે અને મોડી રાત્રીના ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહયો છે ત્યારે આવતીકાલે વાતાવરણમાં  સામાન્ય અસ્થિરતા જોવા મળશે. છાંટાછુટીની સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. તેમ એક વેધરની ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

હાલ ગુલાબી ઠંડી ચાલુ છે તે તા.૧૪ સુધી જળવાશે. તા.૧૫માં ઠંડીમાં ઘટાડો થશે. અને બપોરનું તાપમાન પણ વધારા તરફ જશે. તા. ૧૬ થી ૧૯ દરમિયાન રાજયના વિસ્તારોમાં તાપમાન ઉંચુ જ રહેશે. જે વિસ્તાર પ્રમાણે ૩૪ ડીગ્રીથી ૩૭ ડીગ્રી વચ્ચે રહેશે.  સૌરાષ્ટ્ર કરતા ગુજરાતના ભાગોમાં તાપમાન વધુ રહેે તેવી શકયતા છે. ઠંડી ગાયબ થશે. અને ઉનાળો આગમનની છડી પોકારશે.

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં બુધ-ગુરૂમાં પવનો ઉતરપશ્ચિમી કે પશ્ચિમી રહેશે. સવારનો ભેજ પણ વધશે. ભેજ યુકત પવનથી કયાંક સામાન્ય ઝાકળ આવી શકે. તા.૧૪થી હાલ કરતા પવનનું જોર વધશે. પછીના દિવસોમાં પવન માઝા મુકશે. તા.૧૫થી મુખ્યત્વે પવનો ઉતર બાજુના રેહેશે.

આવતીકાલે રાજયના વિસ્તારમાં ઉપલા લેવલે હળવી અસ્થિરતા જોવા મળશે. એટલે વાદળો પણ છવાશે. અને અમુક વિસ્તારમાં સામાન્ય છાંટા છુટી જોવા મળે તેવી શકયતા છે. ત્યારબાદના દિવસો દરમિયાન એકાદ બે દિવસ છુટા છવાયા વાદળો છવાય તેવી શકયતા હોવાનું હવામાનની ખાનગી સંસ્થાએ જણાવ્યું હતુ.

આ વખતે ઉનાળામાં વરસાદ પડશે? બહુ ગરમી નહિ પડે

સ્કાયમેટ વેધરના જતીનસિંઘે ટવીટ્ કરતા કહયું છે કે આ વખતનો ઉનાળો પ્રમાણમાં માઇલ્ડ-હળવો રહેવા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનો અનુભવ થતો રહેશે.

(3:26 pm IST)