Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ઉનાળામાં રોજ પાણીઃ જરૂર પડે તો ન્યારીમાંથી આજીમાં નીર ઠલવાશેઃ પાનીની ખાત્રી

ન્યારી-૦૧ ડેમમાં હાલ જળસપાટી ૧૧ ફૂટઃ ન્યારીમાંથી દરરોજ ૪૫ એમ.એલ.ડીનો ઉપાડ

રાજકોટ,તા.૧૨: સૌની યોજના હેઠળ થોડા વખત પૂર્વે નર્મદાનાં નીર આજી-૧અને ન્યારી-૧સહિતનાં જળાશયમાં પહોંચાડવાથી શહેરની પીવાના પાણીની સમસ્યાને કાયમ માટે ભૂતકાળ બનાવી દીધો છે ત્યારે જરૂર પડશે તો એકસપ્રેસ ફીડર લાઇન મારફત ન્યારી થી આજીમાં પાણી ઠાલવામાં આવશે અને શહેરીજનોને ઉનાળામાં દરરોજ પાણી મળી રહેશે મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ ખાત્રી આપી હતી.

આ અંગે મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ પત્રકારો સાથે વાતચીત જણાવ્યુ હતુ કે, ગતસપ્તાહથી નર્મદાના નીર ન્યારી-૧ જળાશયમાં ઠાલવવા  રાજય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ મચ્છુ-૦૧ થી ન્યારી-૦૧ ડેમને પણ જોડવાની પાઈપલાઈનની કામગીરી હાથ ધરી દરરોજનું ૭ એમ.સી.એફ.ટી પાણી ન્યારી ડેમમાં ઠલવામાં આવી રહ્યુ છે. કુલ ૨૫ ફૂટની ઊંડાઈ ધરાવતા ન્યારી-૦૧ ડેમમાં હાલ જળસપાટી ૧૧ ફૂટ એટલે કે, તેમાં ૨૮૦ એમ.સી.એફ.ટી. પાણી છે

વધુમાં શ્રી પાનીએ જણાવ્યુ હતુ કે, નવા રાજકોટમાં પાણી વિતરણ માટે દરરોજ ૪૫ એમ.એલ.ડી પાણીનો જથ્થો ઉપાડવામાં આવે છે અને ઉનાળામાં વધુ પાણીની માંગની જરૂર પડશે તો એકસપ્રેસ ફીડર લાઇન મારફત ન્યારી થી આજીમાં પાણી ઠાલવામાં આવશે અને શહેરીજનોને દરરોજ ૨૦ મિનિટ પાણી મળી રહેશે તેવી ખાત્રી અંતમાં આપી હતી.(૨૮.૧)

(3:26 pm IST)