Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

બેંકોને જાણ કરી દેવાઇઃ મોટી રકમની લેવડ દેવડ થતી હોય તેવા ખાતાઓ અંગે દરરોજ રીપોર્ટ કરવો

મતદારયાદીમાં રપ માર્ચ સુધી લોકો નામો ઉમેરી શકશેઃ પ્રથમ વખત ગામડાઓમાં પોલીસનું અભિયાનઃ કલેકટર

ઉમેદવારી ખર્ચમાં વધારોઃ ૬૫ના ૭૦ લાખ કરાયાઃ મતદારયાદીમાં નામો કમી-સુધારણા-ફેરફારના ફોર્મ નહી ભરી શકાય : વધુ ૮ જાહેરનામા ૨૩ એપ્રિલે બહાર પડશેઃ અપંગો માટે ૭ તો મહિલાઓ માટે ૩૫ ખાસ સ્પે. મતદાન મથકો બનશે

રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ પત્રકાર પરિષદ સંબોધી હતી,બાજુમાં ડીડીઓ શ્રી રાણાવાસીયા, એડી.કલેકટર શ્રી પરિમલ પંડયા, ડીએસપી શ્રી બલરામ મીણા, ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૨: રાજકોટ લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આજે કલેકટરે વિસ્તૃત અને ભરચક પત્રકાર પરિષદને સંબોધતા મહત્વની વિગત જાહેર કરી હતી કે, હાલ શહેર-જિલ્લાનાં ૧૮ લાખ ૬૫ હજાર મતદાર છે, ગત ચૂંટણીની સરખામણીએ ૨ લાખ પર હજાર મતદારોનો વધારો થયો છે, હજુ મતદારયાદી અપડેશન થશે, પૂરવણી યાદી બહાર પાડીશું, અને ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૮ એપ્રિલથી ૧૦ દિવસ અગાઉ એટલે કે ૨૫ માર્ચ સુધી લોકો ફોર્મ નં.૬ એટલે કે નામો ઉમેરદવા માટેના ફોર્મ ભરી શકશે, જયારે નામો સુધારવા, કમી કે સ્થળાંતર અંગેના ફોર્મ નહી ભરી શકાય, ચૂંટણી પંચની ગાઇડ લાઇન મુજબ એ બાબત ફ્રીજ કરી દેવાઇ છે.

કલેકટર અને ડીએસપી શ્રી બલરામ મીણાએ પત્રકારોને જણાવ્યું હતું કે તોફાની તત્વો સહિતના લોકોની યાદી તૈયાર કરી લેવાઇ છે, તડીપર -પાસ માટે પણ કાર્યવાહી થશે, તેમજ આ વખતે પ્રથમ વખત પોલીસના જવાનો ગામડાઓમાં લોકોની વચ્ચે જશે, અને એવા તોફાની તત્વો અંગે પૂછપરછ કરી લોકોને નિર્ભય બનાવશે, પોલીસ ગામડે-ગામડે વીઝિટ કરશે.

કલેકટરે ઉમેર્યું હતું કે આ વખતે ઉમેદવારોના ખર્ચની મર્યાદા ચૂંટણીપંચે ૭૦ લાખ ફાઇનલ કરી છે, ૬૫ના ૭૦ લાખ થયા છે. તેમજ હાલ ૯ જાહેરનામા બહાર પડાયા છે, વધુ ૮ જાહેરનામા ૨૩ એપ્રિલે બહાર પડાશે.

કલેકટરે ઉમેર્યું હતું કે અપંગો માટે કુલ ૭ સેકટરમાં સ્પે. ૭ મતદાન મથકો ઉભા કરાશે, તો સખી એટલે કે મહિલાઓના ખાસ મતદાન મથકો ૭ વિધાનસભામાં ૩૫ ઉભા કરાશે.

કલેકટર ડો. રાહુલગુપ્તાએ જણાવ્યું હતું કે મતદાર જાગૃતિ માટે સ્વીપ ખાસ કાર્યક્રમ કરી રહી છે, આ માટેનું આખું શેડયુલ બનાવાયું છે.

આ વખતે પણ રાજકોટનો વન્ડરબોય અને વિશ્વ વિખ્યાત ટેસ્ટ ખેલાડી ચેતેશ્વર પૂજારા મતદાર જાગૃતિ સહિતની બાબતો અંગે ચૂંટણી પંચનો રોલ મોડલ જ રહેશે.

સંવેદનશીલ મતદાન મથકો અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, આવા તમામ મતદાન મથકોની યાદી તૈયાર થઇ ગઇ છે, આ યાદી અને અર્ધલશ્કરી દળો કેટલી કંપની આવશે ત અંગે હવે પછી વિગતો જાહેર કરાશે, હાલ સંવેદનશીલ-અતિસંવેદનશીલ તથા તોફાનગ્રસ્ત વિસ્તારોની યાદી ચૂંટણી પંચને મંજુરી માટે મોકલાઇ છે.

કલેકટરે ઉમેર્યું હતું કે પેઇડ ન્યૂઝ અંગે એક ખાસ મોનિટરિંગ કમિટી છે, તો વોટ્સએપ ઉપર થતો પ્રચાર માટે પણ ખાસ કમિટી -તકેદારી રાખશે, તેમજ સોશ્યલ મીડિયા ઉપર કોઇપણ ઉમેદવારની જાહેરાત અંગે અલગથી જ ભાવો નક્કી કરાયા છે.

કલેકટરે ઉમેર્યું હતું કે શહેર-જિલ્લામાં કુલ ૩૫ ચેક પોસ્ટ રહેશે, હાલ ૨૦ ચેક પોસ્ટ કાર્યરત કરાઇ છે, જયારે રાજકોટ શહેરમાં ૧૫ ચેક પોસ્ટ અલગથી કાર્યરત રહેશે, તેમજ રેલ્વે સ્ટેશન, એરપોર્ટ તથા બસ સ્ટેશન ઉપર ખાસ અલગથી ચેક પોસ્ટ રહેશે, ખર્ચ મોનિટરિંગ અંગે ડીડીઓને નોડલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપાઇ છે.

બેંકોમાં ખાતાઓમાં કેશની મોટી લેવડ દેવડ અંગે કલેકટરે ઉમેર્યું હતું કે, લીડ બેન્ક મેનેજરને સુચના અપાઇ છે કે, તમામ બેન્કો દરરોજ જે તે બેન્ક ખાતામાં થઇ રહેલ મોટા રોકડ વ્યવહાર અંગે કલેકટર તંત્રને ખાસ રીપોર્ટ કરે.

કલેકટરની પત્રકાર પરિષદમાં ડીડીઓશ્રી રાણાવાસીયા, એડી. કલેકટર શ્રી પપરિમલ પંડયા, ડીએસપી શ્રી બલરામ મીણા, ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલ ઉપરાંત માહિતી ખાતાના દર્શન ભટ્ટ તથા અન્યો ખાસ ઉપસ્થિત રહયા હતા.(૧.૧૫)

મતદાર જાગૃતિ માટે ખાસ પ્રોગ્રામ

ચેતેશ્વર પૂજારા ચૂંટણી પંચનો રોલ મોડલ યથાવત

આ વખતે ર લાખ પર હજાર મતદારોનો વધારો

 એરપોર્ટ-રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન ઉપર અલગથી ચેક પોસ્ટ

સંવેદનશીલ મતદાન મથકો તથા અર્ધલશ્કરીદળો અંગે હવે પછી વિગતો જાહેર કરાશે

સોશ્યલ મીડિયામાં પણ જાહેરાતના અલગથી ભાવો

ગુન્હેગારોની યાદી તૈયારઃ જિલ્લામાં કુલ ૩૫ જેટલી ચેક પોસ્ટ

(3:26 pm IST)