Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ધો.૧૦માં ગણિતનું પ્રશ્નપત્ર પાઠ્યપુસ્તક પ્રમાણે સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓ ખુશખુશાલ

એમસીકયુ અને સહેલા પાયથાગોરસ પ્રમેય અને સ્પર્શકની રચના અને વર્તુળની રાઈડરનો પ્રશ્ન પૂછાયો

રાજકોટ, તા. ૧૨ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો.૧૦ની પરીક્ષામાં આજે રોકડીયા ગુણનું ગણિત વિષયનું પ્રશ્નપત્ર પણ પાઠ્યપુસ્તક આધારીત સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓ રાજીના રેડ થઈ ગયા હતા.

સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો કેટલોક  સમૂહ ગણિત વિષયમાં મૂંઝવણ અનુભવતા હોય તો કેટલાક વિદ્યાર્થીઓ તો વધુમાં વધુ ગુણ મેળવતા હોય છે. સ્કોરીંગ ગણિત વિષયમાં આજે પ્રશ્નપત્ર પરીક્ષાર્થીઓને હાથમાં આવતા જ ચહેરા ઉપર આત્મવિશ્વાસ સાથેનું સ્મિત આવ્યુ હતું અને એમસીકયુના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારીત સહેલા નીકળ્યા હતા. માત્ર એક જ પ્રશ્ન ફેરવીને પૂછ્યો હતો.

જયારે પાર્ટ - બીમાં મોટાભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તક મુજબના જ રહ્યા હતા. પાયથાગોરસનો પ્રમેય અને સ્પર્શકની રચના પૂછાયેલ તો તેજસ્વી વિદ્યાર્થીઓની ક્ષમતા માપવા રાઈડરનો પ્રશ્ન પૂછાયો હતો.

પરીક્ષાનું પ્રશ્નપત્ર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરે પરીક્ષાખંડની બહાર દોડી આવતા હતા.

(3:24 pm IST)