Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

તંત્રની તાકીદ

વેરો નહી ભરો તો સીલ : કોઠારીયાના કારખાનેદારો - મોબાઇલ ટાવર સંચાલકોને છેલ્લી તક

મોબાઇલ ટાવરનો ૮ કરોડનો અને કોઠારિયાના કારખાનેદારોનો ૧૯ કરોડ વેરો વસુલવા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીનું કડક પગલુ

રાજકોટ તા. ૧૨ : ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ પૂર્ણ થવામાં હવે ૧૫ દિ' બાકી છે ત્યારે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ કોઠારિયાના કારખાનેદારો તેમજ મોબાઇલ ટાવર ધારકોનો બાકી વેરો વસુલવા કડક વલણ અપનાવવા કટીબધ્ધતા દાખવી છે.

આ અંગે મ્યુ. કમિશ્નર શ્રી પાનીએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં મકાન વેરા આવકનાં ૨૨૫ કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં ૧૯૯.૭ કરોડની આવક થઇ ગઇ છે.

હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં ૧૫ થી ૧૭ દિવસ બાકી છે ત્યારે હવે કોઠારિયા વિસ્તારના કારખાનેદારો કે જેઓને માંગણી મુજબ વેરા દરમાં ઘટાડો કરી દીધો છે છતાં વેરો ભરતા નથી. તેઓને અંદાજે ૧૯ કરોડનો બાકી વેરો વસુલવા તથા મોબાઇલ ટાવર ધારકો કે જેઓનો ૮ કરોડનો વેરો બાકી નિકળે છે તેઓનો બાકી વેરો વસુલવા મિલ્કત સીલ સુધીના કડક પગલા લેવાશે.

મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, કોઠારિયા - વાવડીનાં કારખાનેદારો સાથે આજે બેઠક યોજી બાકી વેરો ભરી દેવા છેલ્લી તાકિદ કરાઇ હતી અને વેરો નહી ભરનારા કારખાના સીલ કરવાની સુચના પણ આપી દીધી હતી.

તેવી જ રીતે મોબાઇલ ટાવર ધારકો પણ ૧૫ માર્ચ સુધીમાં બાકી વેરો નહી ભરે તો ટાવર સીલ કરવાની કડક તાકીદ આ તકે કમિશ્નરશ્રીએ કરી હતી.

(3:19 pm IST)