Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

સતત બીજા દિવસે પાણીનો દેકારોઃ વોર્ડ નં. ૭,૮માં મોડુ વિતરણ

ગઇકાલે તુટેલી પાઇપલાઇન મોડી રીપેર થતા આજે પણ સવારે પાણી નહી આવતા ગૃહીણીઓમાં જબરો દેકારોઃ સદર, જાગનાથ, અમીનમાર્ગ, વૈશાલીનગર, એરપોર્ટ રોડ સહીતના વિસ્તારોમાં બે કલાક મોડુ વિતરણ

સદર વિસ્તારમાં સતત બીજા દિવસે સવારે પાણી નહી મળતા મહીલાઓમા તંત્ર સામે રોષ ફેલાયો છે જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ર : શહેરનાં પંચવટી મેઇન રોડ ઉપર પાણી વિતરણની મુખ્ય પાઇપ લાઇન ગઇકાલે તુટી હતી. જેના કારણે ગઇકાલેે શહેરનાં ત્રણ વોર્ડમાં પાણી વિતરણ અટકી પડતાં આ વોર્ડનાં અનેક વિસ્તારોમાં પાણીનો જબ્બરો દેકારો બોલી ગયો હતો.

દરમિયાન પાઇપ લાઇન રીપેરીંગમાં મોડુ થતા આજે પણ આજ ત્રણેય વોર્ડમાં સવારે બે કલાક મોડુ પાણી વિતરણ થતા ગૃહીણીમાં દેકારો બોલી ગયો હતો આમ ઉપરા ઉપરી બે દિવસ પાણીના ધાંધીયાથી લોક રોષ ફેલાયો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહીતી મુજબ શહેરનાં ન્યારી ઝોન હેઠળ આવતાં વોર્ડ નં. ૭, ૮ અને ર નાં વિસ્તારોમાં પાણી વિતરણ માટેની મુખ્ય પાઇપ લાઇન ે પંચવટી મેઇન રોડ પર એકા એક તુટી ગઇ હતી. જેનાં કારણે ગઇકાલે  ઉપરોકત ત્રણેય વોર્ડનાં સદર, ભીલવાસ, જાગનાથ, વૈશાલીનગર, એરપોર્ટ રોડ, અમીન માર્ગ સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડી હતી.

દરમિયાન ઇજનેરી સુત્રોએ જણાવ્યું હતું કે 'ન્યારી ઝોનની આ પાઇપ લાઇન વર્ષો જુની હોઇ જર્જરીત છે તેનાં કારણે તુટી ગઇ હતી અને તેનું રીપેરીંગ શરૂ કરાયેલ જે ગઇ કાલે મોડુ રીપેરીંગ થતા આ પાણીની લાઇન આજે કરવામાં સમય લાગ્યો હતો પરિણામે આજે સતત બીજા દિવસે વોર્ડ નં. ૭,૮, રના સદર, ભીલવાસ, જાગનાથ, વૈશાલીનગર, એરપોર્ટ રોડ, અમીનમાર્ગના વિસ્તારોમાંં નિયત સમયથી બે કલાક મોડુ પાણી વિતરણ થયું હતું. આવતીકાલથી રાબેતા મુજબ પાણી વિતરણ થશે તેમ ઇજનેરે જણાવ્યુ હતું.

(3:18 pm IST)