Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પોરબંદર બેઠકમાં મેર અને આહીર મતદારો નિર્ણાયકઃ ભરત ગાજીપરાની મજબૂત દાવેદારી

કેશોદથી કારકીર્દિના શ્રીગણેશ, વિવિધ ક્ષેત્રે મહત્વનું યોગદાનઃ પોરબંદરના પૂર્વ પ્રભારીઃ પાટીદારો ઉપરાંત બન્ને જ્ઞાતિના ૪ લાખથી વધુ મત, મને મહત્તમ મત મળવાની શકયતાઃ ગાજીપરા

જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભરત ગાજીપરાએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે જૂનાગઢના એલ.જી. કાચા ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ટીકીટના દાવેદાર એડવોકેટ શ્રી ભરત ગાજીપરાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સાથેના સંપર્કો-સબંધોના સંભારણાની તસ્વીરી ઝલક

રાજકોટ, તા. ૧૨ :. સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં ખૂબ જાણીતા જૂનાગઢના શ્રી ભરત ગાજીપરાએ પોરબંદર લોકસભાની બેઠકમાં ભાજપ વતી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે. તેઓ ભૂતકાળમાં પોરબંદરના પાર્ટી પ્રભારી રહી ચૂકયા છે. પોતાની રાજકીય કારકીર્દિ અને ટીકીટ માટેની દાવેદારી સબંધે તેમણે અકિલાની મુલાકાત પ્રસંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. લેઉવા પટેલ પ્રભાવિત મનાતી પોરબંદર બેઠકમાં પાટીદારો ઉપરાંત મેર અને આહીર મતદારો નિર્ણાયક હોવાનું તેમનું તારણ છે.

પ્રશ્નઃ- તમે જિલ્લા પંચાયતમાં પ્રમુખ બન્યા તેનો કાંઇ અનુભવ કહો?

જવાબઃ ૧૯૯૫માં હું જિલ્લા પંચાયતમાં પ્રમુખ થયેલ ત્યારે જુનાગઢ જિલ્લો સૌરાષ્ટ્રમાં સૌથી મોટો જિલ્લો હતો, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લો જૂનાગઢના તાલુકા હતા. ૩૫ વર્ષની નાની ઉંમરે પાર્ટીએ આ જવાબદારી મને સોંપી હતી. રાજકીય દ્રષ્ટિએ ખુબ જ પ્રવાહી અને પ્રતિકુળ સ્થિતિ હતી. કારણ કે આ સમયગાળામાં ગુજરાતમાં પાંચ વર્ષમાં પાંચ મુખ્ય મંત્રીની ફેરબદલ થયેલ તેમજ દેશમાં પાંચ વર્ષમાં ૬ વડાપ્રધાનની ફેરબદલ થયેલ. તેમ છતાં વ્હીપ વિના પાંચ વર્ષ સ્થિરતાથી જિલ્લા પંચાયત ચલાવેલ અને નવા કરવેરા વિના જિલ્લા પંચાયતની સ્વભંડોળની આવક ૫૬૦% કરતા વધારેલ.

પ્રશ્નઃ- રાજકીય ઉપરાંત અન્ય ક્ષેત્રમાં તમારૂ યોગદાન શું?

જવાબઃ- કેશોદ ખાતેથી જાહેર જીવન શરૂ કર્યા બાદ તુરત જ કેશોદ ખાતે ભાજપના અન્ય મિત્રોના સહયોગથી વિદ્યાર્થી પરિષદ તેમજ યુવક મંડળની કેશોદ ખાતે કાયમી ઓફીસ બનાવેલ, તે આજપણ ચાલુ છે. ઉપરાંત આ સમય ગાળામાં કેશોદમાં દબાણ હટાવો જુંબેશ થતા કેશોદના બે હજારથી વધુ નાના રેકડી કેબીન ધારકોને ધંધા વિહોણા કોંગ્રેસના રાજમાં કરાયેલ તે સમયે સ્થાનિક ભાજપની ટીમ સાથે રેકડી કેબીન એશોશીએશન બનાવી ૨૭ દિવસ ખુબ મોટુ આંદોલન ચલાવી અને ટ્રાફિકને નુકશાન ન થાય તેવી બે હજારની આસપાસ રેકડી કેબીન, કાયમી સ્વરૂપે પુનઃ સ્થાપિત કરાયેલ જે પૈકીના આજે ૫૦૦ થી વધુ કેશોદમાં મોટા વેપારી છે.

પ્રશ્નઃ- તમોએ વકીલાત અને નારી સુરક્ષા ક્ષેત્રે પણ કામગીરી કરેલ છે તેની શું વિગત છે?

જવાબઃ- પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની પ્રમુખ પદ અને દોરવણીથી પરણિત દીકરીઓને દુઃખત્રાસ, સળગાવી દેવી વગેરે જેવી બાબતોમાં નિઃશુલ્ક કાનુની મદદ કરી સેકડો બહેનોને ન્યાય અપાવેલ અને આ સંબૈધે જરૂરી ખર્ચ માટે પ્રતિવર્ષ એક વિશેષ અંક નારી સુરક્ષા સમિતિનો બહાર પાડવામાં આવતો તેમજ વકીલાત ક્ષેત્રે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં દશકા ઉપરાંત ચૂંટાઇને વાઇસ ચેરમેન અને ચેરમેન તરીકે પ્રથમ અને યુવાન વયે જવાબદારી સંભાળેલ, આ સમય ગાળામાં વકીલોના હીતમાં વેલફેર એટલે કે મૃત્યુ બાદ સહાયની કોઇ નક્કર યોજના ન હતી. તેથી તે વખતના કાયદા મંત્રી સ્વ. અશોકભાઇ ભટ્ટના માર્ગદર્શનથી ગુજરાત વિધાનસભામાં વકીલોના હિતમાં મરણોતર સહાય માટે એડવોકેટ વેલફેર ફંડનું બિલ મારા સમય ગાળામાંપસાર કરાવેલ, શરૂઆતમાં ૫૦,૦૦૦/- મરણોતર સહાય હતી જે આજે ૫,૦૦,૦૦૦/- સુધી પહોંચેલ છે. મારા વાઇસ ચેરમેનના સમયગાળામાં રાજ્યના વીસથી વધુ જિલ્લામાં ફરી વકીલો પાસેથી યોગદાન મેળવી દેશની સૌથી આધુનિક બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સામે ઓફીસ બનાવેલ તેનું ઉદ્દઘાટન તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાયેલ ઉપરાંત મારા ચેરમેનના સમયગાળામાં  બાર કાઉન્શીલની આવક ૩૫૦% વધારેલ. તેના કારણે રાજયના તમામ ૨૨૫ તાલુકામાં રૂા ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં ગુજરાતી ભાષામાં કાયદાના પુસ્તકો રાજયના તમામ વકીલ મંડળોને નિઃશુલ્ક આપેલ,ઉપરાંત ઇલેકટ્રોનીક લો લાઇબ્રેરી પણ પ્રત્યેક જીલ્લામાં આપેલ.

પ્રશ્ન :  તમારી જીંદગીમાં જાહેર જીવનમાંએકાદ બે યાદગાર કામ શું ?

જવાબ : જીલ્લા પંચાયતના પ્રમુખ પદ દરમ્યાન પોરબંદર ખાતે જુનો રાજમહેલ જીલ્લા પંચાયતનું ગેસ્ટ હાઉસ હતું તે જર્જરીત હતુ, રામકૃષ્ણ મીશનના સંતો દ્વારા રજુઆત કરાયેલ કે સ્વામી વિવેકાનંદએ દેશમાં પરીભ્રમણ ધર્મ યાત્રા સ્વરૂપે કરેલ ત્યારે પ્રત્યેક જગ્યાએ એકાદ બે દિવસ રોકાયેલ, પોરબંદર જિલ્લા પંચાયતના અતિથી ગૃહમાં ૩૫ દિવસ  સ્વામી  વિવેકાનંદજી રોકાયેલ,રામકૃષ્ણ મીશન ને આ જગ્યા સોપવામાં આવે તો એક શ્રેષ્ઠ સેવા કેન્દ્ર જર્મીનીથી ટેકનોકેટ બોલાવી મુળ સ્થીતીમાં રીનોવેશન કરી એક સારૂ વિવેકાનંદ કેન્દ્ર બનાવવા માંગીએ છીઅ. ે મારી પુર્વે કોંગ્રેસની જીલ્લા પંચાયત હતી, ત્યાં પણ રાકૃષ્ણ મીશન દસ વર્ષ પ્રયત્ન કરેલ, કશુ પરીણામ ન આવેલ અને વહીવટી પ્રક્રીયા યુધ્ધના ધોરણે પુર્ણ કરી સાત દિવસમાં પોરબંદર અતીથી ગૃહ સ્વામી વિવેકાનંદ માટે સ્મૃતી કેન્દ્ર બનાવવા માટે રામકૃષ્ણ મીશનને સોપેલ અને જે તે સમયે કીરણ બેદી મારફત તેનું ઉદ્ઘાટન કરાવેલ. અને દેશને અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ મળેલ તેને પણ આ કેન્દ્રમાં ધ્યાન, સાધના કરેલ.

જિલ્લા પંચાયતના પ્રમુખ પદ દરમ્યાન ગીરનાર પગથીયા પર લાઈટની સુવિધા ન હોવાને કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડતી અને ગીરનાર પર્વત જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્ર બહાર રીઝર્વ ફોરેસ્ટમાં આવતો હોવા છતાં અથાગ મહેનત કરી જે તે સમયે કલેકટર સ્વ. માકડ અને જંગલ ખાતાના અધિકારીઓને ભારે પરીશ્રમ અને સહયોગથી અશકય એવું ગીરનાર પર ભવનાથથી અંબાજી સુધી ૨૫૦થી વધુ પોલ ઉપર ઈલેકટ્રીફીકેશન કરાવી યાત્રીકો માટે કાયમી સ્વરૂપે સુવિધા ભારે વહીવટી અંતરાઈ વચ્ચે બે મહિનામાં ટુંકાગાળામાં ઉભી કરી તે આજે પણ અંદરથી આનંદ આપે છે.

પ્રશ્નઃ તમારૂ નામ પોરબંદર લોકસભા ક્ષેત્ર માટે ચર્ચામાં છે તમારી શું તૈયારી છે ?

જવાબઃ પોરબંદર લોકસભામાં ૨૦૦૯થી મારૂ નામ ચર્ચામાં છે. ૨૦૦૯માં મારા એકના એક પુત્રનું ચૂંટણીના એક માસ પહેલા અવસાન થતા મેં દાવેદારી પરત ખેંચી લીધેલ. ૨૦૧૪માં વિશેષ પરિસ્થિતિમાં વિઠ્ઠલભાઈ રાદડીયાએ ભાજપમાં પ્રવેશ મેળવેલ એટલે દાવેદારી કરવાનો પ્રશ્ન હતો નહીં. પોરબંદર લોકસભા સીટ લેઉવા પટેલ મતદારો પ્રભાવિત છે પરંતુ આ સીટનું પરીણામ સવા બે લાખ મહેર જ્ઞાતિના મતદારો તેમજ એક લાખ નેંવુ હજાર આહીર જ્ઞાતીના મતદારો નિર્ણાયક છે. આ બન્ને જ્ઞાતિના આગેવાનો સાથે મારે ખૂબ નજીકનો નાતો છે. ચોક્કસ કારણ અને ભૂતકાળના રાજકીય બનાવોને કારણે અન્ય જે નામ ચર્ચામાં છે તેના કરતા આ બે જ્ઞાતિના મત મને વધુ મળવાની શકયતા છે. કેશોદ, માણાવદર, પોરબંદર, કુતિયાણા, વિધાનસભામા નજીકના ગામ સુધી વ્યકિતગત નાતો છે અને ધોરાજી, જેતપુર, ગોંડલમાં તાલુકા પંચાયતની સીટ સુધી સીધા સંપર્કો છે. ઉપરાંત પંચાયતના પટાવાળા, આંગણવાડી, ટપાલી અને હેલ્થના નાના કર્મચારીના પ્રશ્નો માટે સખત સક્રીયતા તે અન્ય ઉમેદવાર કરતા મારૂ વિશેષ જમા પાસુ છે.

પ્રશ્નઃ તમારી છાપ કુશળ, સંગઠક અને રાજકીય વિશ્લેષક તરીકેની છે તે અંગે કહેવા માંગો છો ?

જવાબઃ સૌરાષ્ટ્ર અને પોરબંદર લોકસભાની રાજકીય તાસીરથી પુરો પરીચીત છું. ચારથી વધુ વખત સમગ્ર પોરબંદર લોકસભા સીટની ચૂંટણીની વિવિધ જવાબદારી સંભાળેલ છે પક્ષના નાના મોટા આંતરીક, વૈચારીક મતભેદોથી જાણકાર છું, મારે લડવાનું થાય તો તમામ લોકોને કામે ચડાવી શકુ તેમ છું તેવા વ્યકિતગત સંબંધો પણ છે. ૧૯૯૫માં વિધાનસભાની ચૂંટણી પહેલા ઈન્ડીયા ટુડે દ્વારા ૩૦ પ્રશ્નો સાથે પોલીટીકલ કવીઝ આવેલ તેમાં ૨૯ સાચા જવાબ આપી ગુજરાતમાંથી એક માત્ર વિજેતા થયેલ અને આજતકના પ્રભુ ચાવડાના હાથે ઈનામ મેળવેલ હતું.

પોરબંદર બેઠક માટે ભરત ગાજીપરા સર્વ રીતે યોગ્ય ઉમેદવારઃ હેમાબેન

રાજકોટ, તા. ૧૨ :. સોરઠના ભાજપના જૂના અને જાણીતા અગ્રણી પૂર્વ આરોગ્ય મંત્રી શ્રીમતી હેમાબેન આચાર્યએ ભાજપની કેન્દ્રીય નેતાગીરીને પત્ર પાઠવી પોરબંદર સંસદની બેઠક માટે ઉમેદવાર તરીકે ભરત ગાજીપરાને સર્વ રીતે યોગ્ય ગણી ટીકીટ આપવા માંગણી કરી છે.

વર્ષો પહેલા ભરત ગાજીપરા જિલ્લા પંચાયતમાં કેશોદ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા તે વખતે ગુંડાઓ દ્વારા આહીર યુવાનને માર મારવાની પોલીસ ફરીયાદ લેવડાવવાનો આગ્રહ રાખનાર દિનેશ રૂપારેલિયાનું ખૂન થયેલ. ગાજીપરા પોતે પણ ઘાયલ થયા હતા. તે વખતે આહીર યુવાનને ન્યાય અપાવવા ગાજીપરાએ મહત્વનો ભાગ ભજવેલ. જવાબદારોને જન્મટીપની સજા કરાવી હતી. આ ઘટનાનો હેમાબેને પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે પંચાયતી રાજ ક્ષેત્ર, સામાજિક-શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્ર, સંઘ પરિવાર સાથેનો ભરત ગાજીપરાનો નાતો, પાટીદાર - મેર - આહીર મતદારો સાથેના સબંધ, વ્યકિતગત ક્ષમતા વગેરે બાબતોનો ઉલ્લેખ કરી તેમને ટીકીટ ફાળવવા રજૂઆત કરી છે.

(11:48 am IST)