Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

અડધા ભાવે ટ્રેકટરના નામે ઠગાઇમાં વધુ કેટલાક નામો ખુલવાની શકયતા

મહેસાણા, અમદાવાદ, મુંબઇ ગયેલી ટૂકડી રાજકોટ પરત આવવા રવાનાઃ કાલે રિમાન્ડ પુરા

રાજકોટ તા. ૧૨: અડધા ભાવે ટ્રેકટર આપવાના બહાને ખેડૂતો સાથે ઠગાઇ કરવાના ગુનામાં છ દિવસના રિમાન્ડ પર રહેલી બે મહિલા સહિત છ આરોપીઓ પૈકી પાંચને સાથે રાખી એસઓજીની ટૂકડી મહેસાણા, અમદાવાદ અને મુંબઇ તરફ તપાસમાં રવાના થઇ હતી. આ ટૂકડી હવે પાછી રાજકોટ આવી રહી છે. દરમિયાન આ ઠગાઇના ગુનામાં વધુ કેટલાક નામો સામે આવવાની શકયતા છે.

 આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ(ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સીલ)ના નામે સાધુ વાસવાણી રોડ પર ઓફિસ ખોલી ૪૬ જેટલા ખેડૂતો પાસેથી અઢી-અઢી લાખ મેળવી તેમાંથી ૧૨ લોકોને ટ્રેકટર આપી બીજાને નહિ આપી ઠગાઇ કરવામાં આવી હતી. આ ગુનામાં યુનિવર્સિટી પોલીસે છ આરોપીઓ વડોદરાના હરણી રોડ પર સુરમ્ય બંગલો નં. ૫૯માં રહેતાં વિવેક અરવિંદભાઇ દવે (ઉ.૪૨), મુંબઇ વિરાર વેસ્ટ તિરૂપતીનગર ફેઝ-૨ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતાં મુળ રાજસ્થાનના સંદિપ બેનીપ્રસાદ શર્મા (ઉ.૩૪), પાટણના ધીણોજ ગામના મુકુંદ મોહનભાઇ પરમાર (ઉ.૫૧), અમદાવાદ સરદારનગર સિંધી કોલોનીમાં રહેતાં મહેશ રમેશલાલ ભાટીયા (ઉ.૪૮), ગાંધીનગર સેકટર-૨૦ મકાન  નં. ૬૯/૪માં રહેતાં મુળ અનવરપુર (પાટણ)ની અરૂણા કાંતિભાઇ નાઇ (ઉ.૨૩) અને રાજકોટ કાલાવડ રોડ નિલ દા ઢાબા પાસે સદ્દગુરૂ કોલોનીમાં રહેતી મહેશ્વરી ઉર્ફ પ્રવિણા ગિરીશભાઇ અગ્નિહોત્રી (ઉ.૩૪)ને પકડી લીધા હતાં. આ છએય હાલ રિમાન્ડ પર હોઇ રાજકોટની યુવતિ સિવાયના પાંચને સાથે રાખી એસઓજીની ટીમ તપાસાર્થે મહેસાણા, મુંબઇ, અમદાવાદ, આણંદ તરફ તપાસમાં ગઇ હતી.

ટૂકડી હવે પરત રાજકોટ આવી રહી  છે. કોૈભાંડમાં વધુ નામો સામે આવી રહ્યા છે. પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં પી.એસ.આઇ. એચ. એમ. રાણા સહિતની ટૂકડી વિશેષ તપાસ કરે છે.

(3:39 pm IST)