Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ઉવસગ્ગહરં સાધનાભવન ખાતે ચૈત્રી ઓળી તપ- જપ સાથે ઉજવાશે

પૂ.મિનળબાઈ તથા પૂ.શ્રેયાંસીબાઈ મ.સ.ની નિશ્રામાં

રાજકોટ, તા.૧૨: રાષ્ટ્રસંત- યુગદિવાકર- પુણ્ફ સમ્રાટ પરમ પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત ૪, આફ્રિકા કોલોની સ્થિત શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ)ની ધન્ય ધરા પર ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ.શ્રી રતિલાલજી મ.સા. તથા ગાદીપતિ પૂ.શ્રી ગિરીશમુનિ મ.સા.ના કૃપાપાત્રી પૂ.મુકત- લીલમ- સન્મતિ ગુરુણીના સુશિષ્યા અને પૂજય ગુરૂદેવશ્રીના આજ્ઞાનુવર્તિ સરળ સ્વભાવી બા.બ્ર.પૂ.મિનળબાઈ મ. તથા જ્ઞાનાભ્યાસી બા.બ્ર.પૂ. શ્રેયાંસીબાઈ મ. સુખ- શાતામાં બિરાજી રહયા છે.

પૂજય ગુરૂદેવશ્રીની કૃપા અને પ્રેરણાથી પૂ.સતી વૃંદના પાવન સાનિધ્યમાં ચૈત્ર સુદ- ૭ને શુક્રવાર તા.૨૩થી પ્રારંભ થતી ચૈત્ર માસની આયંબિલની ઓળી- મહામંત્ર નવકાર પદની આરાધના સાથે ભવ્યતાથી ઉજવવામાં આવશે.

જેમાં ત્રણ સામાયિક સવારે ૯ થી૧૨, વ્યાખ્યાન સવારે ૯:૧૫ થી ૧૦:૧૫, સમુહ જાપ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦,  આયંબિલ વિધિ ૧૧:૩૦ થી ૧૨:૧૫, અમૃત આયંબિલ ૧૨:૧૫ થી ૧:૩૦, નવગ્રહના જાપ બપોરે ૪ થી ૫, પ્રતિક્રમણ સાંજે ૬:૪૫ થી ૮ યોજાશે.

નવગ્રહના જાપ દરમિયાન જપ આરાધકોએ ગ્રહના વર્ણ પ્રમાણે અનુક્રમે તા.૨૩ થી ૩૧ દરમિયાન સફેદ, કાળો (બ્લુ), લાલ, સફેદ, લાલ, લીલો, પીળો, કાળો (બ્લુ) તથા કાળો (બ્લુ) રંગના વસ્ત્રો પરિધાન કરવાના રહેશે. જેમને ઉપર મુજબ વર્ણના વસ્ત્ર પરિધાન કરવાની અનુકુળતા ન હોઈ તેઓ સફેદ વસ્ત્ર પરિધાન કરી શકશે. તેમજ આયંબિલના પચ્ચખાણ વ્યાખ્યાન દરમિયાન પૂ.મહાસતીજી પાસેથી ગ્રહણ કરવાના રહેશે.સાધના ભવનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઈ કોઠારી, સંઘ પ્રમુખ અલ્પેશભાઇ મોદી અને સહયોગીઓ તથા હેતલદીદી વિગેરે કાર્યકરો આયંબિલની ઓળી માટે જહેમત ઉઠાવી રહયા છે. સર્વે ધર્મપ્રેમી ભાઈઓ- બહેનોને તપ- જપ વિગેરે ધર્માનુષ્ઠાનમાં સામેલ થઈ કર્મનિર્જશ કરી પુણ્ય ઉપાર્જન કરવા યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)