Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

પાઠક સ્કૂલના છાત્રના પિતા હરેશ ભાલારા સામે શાળા વધુ એક ગુનો

અગાઉ તાલુકા પોલીસે અને હવે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૨: પાઠક સ્કૂલના સંચાલક દિલીપભાઇ બળવંતરાય પાઠક (ઉ.૫૫)ને આસ્થા રેસિડેન્સી પાછળ રહેતાં હરેશ ખીમજીભાઇ ભાલારાએ ૬/૩ના રોજ ફોન કરી સ્કૂલ ફી બાબતે મન ફાવે તેમ બોલી મારી નાંખવાની ધમકી આપતાં ગુનો તાલુકા પોલીસ મથકમાં નોંધાયો હતો. ત્યાં બીજો એક ગુનો પણ હરેશ ભાલારા તથા તેની સાથેની મહિલા સામે ગાંધીગ્રામ પોલીસે દાખલ કર્યો છે.

એક સ્કૂલ ધરાવતાં સંચાલકની ફરિયાદ પરથી હરેશ ભાલારા સામે આઇપીસી ૫૦૭, ૫૦૪ મુજબ ગાળોદઇ મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધાયો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે હું રાજકોટ જીલ્લા સ્વર્નિભર શાળા સંચાલક સમિતીમાં સામેલ છું. મંડળમાં ઉપપ્રમુખ તરીકે ડો. વી. કે. વાડોદરીયા, મહામંત્રી તરીકે અવધેશભાઇ કાનગડ અને સભ્ય તરીકે દિલીપભાઇ પાઠક તથા ભવ્યદિપસિંહ જેઠવા છે. ૮મીએ શાળા સંચાલકોની મિટીંગ હોઇ જેમાં હું પણ હાજર હતો. તે વખતે પાઠક સ્કૂલના સંચાલક દિલીપભાઇએ મને ફોન કરી જણાવેલ કે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના છાત્ર ધ્રુવ હરેશભાઇ ભાલારાની ફી એક વર્ષથી બાકી હોઇ તેના વાલી હરેશભાઇને ફોન કરી અવાર-નવાર જણાવવા છતાં તે ફી ભરતાં નથી અને મારી સાથે અભદ્ર ભાષા બોલી ગેરવર્તન કરે છે. તમે એક વખત હરેશભાઇનો ફોન પર સંપર્ક કરી તેને સમજાવો. તેમ કહેતાં મેં દિલીપભાઇ પાઠક પાસેથી નંબર લઇ હરેશભાઇને ફોન કરતાં કોઇ બહેને ફોન રિસીવ કર્યો હતો. બાદમાં હરેશભાઇ સાથે વાત કરાવતાં મેં તેને ધ્રુવની રિસિપ્ટ પાઠક સ્કૂલ ખાતેથી મેળવી લેવા સમજાવતાં અને વિનંતી કરતાં  તેણે મને તથા અન્ય શાળા સંચાલકો અને શિક્ષણ મંત્રી, સમાજના આગેવાનોને જેમ તેમ અભદ્ર ભાષામાં ફોન પર ગાળો દઇ સંચાલકને મારી નાંખવાની ધમકી આપી હતી. ફી બાબતની અમારી કોઇપણ વાતમાં તે સહમત થયેલ નહિ.

હરેશભાઇ સાથેની મહિલાએ પણ મારા સિવાય દિલીપભાઇ પાઠક, ભવ્યદિપસિંહ જેઠવા સહિતને પણ પાઠક સ્કૂલના છાત્ર ધ્રુવની શિક્ષણ ફી નહિ ભરવા બાબતે ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી અમે ફરિયાદ નોંધાવી છે. તેમ ફરિયાદમાં જણાવાતાં ગાંધીગ્રામના પી.એસ.આઇ. આર. જે. જાડેજાએ ગુનો નોંધ્યો છે. (૧૪.૮)

(12:55 pm IST)