Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

દલિત યુવતિને શંકાશિલ પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકી પતાવી દીધી

કેટરર્સમાં કામે જતી એટલે શંકા કરી સતત ત્રાસ ગુજારતોઃ એક મહિના પહેલા છૂટાછેડા લીધા એ ગમ્યું નહોતું: અવાર-નવાર ઘરે આવીને પણ ડખ્ખા કરી જતો'તો : નવા થોરાળા આંબેડકરનગરની દિપીકા ઉર્ફ દિપુ (ઉ.૨૮) નાની બહેન સાથે નાના મવા રોડ શાસ્ત્રીનગરના ગેઇટ સામે પાર્ટી પ્લોટમાં કેટરર્સના કામમાં હતી ત્યાંથી ફોન કરી પતિ અશ્વિન પરમારે બહાર બોલાવી પેટ અને વાંસામાં છરીના ઘા ઝીંકી દીધાઃ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પતિ અશ્વિન ઝડપાયો : દિપીકા (દિપુ)એ પોતાની જ જ્ઞાતિના અશ્વિન સાથે લવમેરેજ કર્યા'તા

જ્યાં દિપીકા (દિપુ)ને પૂર્વ પતિ અશ્વિન પરમારે છરીના ઘા ઝીંકયા એ પાર્ટી પ્લોટનો ગેઇટ, દિપીકાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને નીચેની તસ્વીરમાં હત્યા નિપજાવનાર અશ્વિન ડાયાભાઇ પરમારનો ફાઇલ ફોટો, દિપીકાના માવતરનું ઘર અને વિગતો જણાવતાં તેણીના ભાઇ અતુલ તથા બહેન પાયલ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. નવા થોરાળા આંબેડકરનગર-૨માં માતા-પિતા સાથે રહેતી દલિત ત્યકતાને રાત્રે નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરાના ગેઇટ સામે આવેલા જે. એસ. પાર્ટી પ્લોટમાં કેટરર્સના કામમાં હતી ત્યારે થોરાળા વિજયનગરમાં રહેતાં તેના પૂર્વ પતિએ તેને ફોન કરી વાત કરવાના બહાને બહાર બોલાવી છરીના ઘા ઝીંકી દેતાં પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પતિના શંકાશીલ સ્વભાવ અને સતત ત્રાસથી કંટાળીને તેણીએ એક મહિના પહેલા જ છૂટાછેડા આપી દીધા હતાં. પરંતુ પૂર્વ પતિ ફરીથી તેણીને સાથે આવી જવા કહેતો હતો, તેણી ના પાડતી હોઇ રોષે ભરાઇ હત્યા નિપજાવ્યાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યારા પતિને ઝડપી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ એક મહિના પહેલા પતિ અશ્વિન પરમાર સાથે છૂટાછેડા લઇ હાલમાં થોરાળાના આંબેડકરનગર-૨માં માતા લક્ષ્મીબેન અને પિતા રમેશભાઇ મુળજીભાઇ સોલંકી તથા ભાઇ, બહેન સહિતના પરિવાર સાથે  રહેતી દિપીકા (દિપુ) (ઉ.૨૯)રવિવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે નાના મવા મેઇન રોડ શાસ્ત્રનીગરના ગેઇટ સામે આવેલા જે. એસ. પાર્ટી પ્લોટમાં કેટરર્સ સંચાલક શબુબેન સાથે કામ કરવા ગઇ હોઇ થોરાળા વિજયનગરમાં રહેતાં તેના પૂર્વ પતિ અશ્વિન ડાયાભાઇ પરમારે ત્યાં પહોંચી તેણીને ફોન કરીને બહાર વાત કરવા માટે બોલાવતાં દિપીકા નાની બહેન આસ્થા (ઉ.૧૦)ને સાથે લઇ કેટરર્સ સંચાલિકા શબુબેનને 'હમણા આવું, બહાર અશ્વિન વાત કરવા બોલાવે છે' તેમ કહી બહાર નીકળતાં જ પૂર્વ પતિ અશ્વિને તેને પેટ-વાંસામાં છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો.

દેકારો થતાં શબુબેન સહિતના લોકો બહાર દોડી આવતાં દિપીકા લોહીલુહાણ જોવા મળતાં તેને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાત્રે બે વાગ્યે તેણીએ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં દિપીકાના માતા, પિતા, ભાઇ અતુલ ઉર્ફ લાલો, ભાઇનો મિત્ર મયુર, નાની બહેન પાયલ સહિતના લોકો સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં.  પોલીસને જાણ થતાં એડી. ડીસીપી હર્ષદ મહેતા, તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારા, હર્ષદસિંહ, નગીનભાઇ, પ્રવિણભાઇ,પદુભા, ભાવેશભાઇ પરમાર, જયંતિભાઇ, અજીતસિંહ જાડેજા, અરજણભાઇ, હિતેષભાઇ જોગડા, રિતેષભાઇ ફેફર સહિતનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો.

પોલીસે હત્યાનો ભોગ બનનાર દિપીકાબેનના માતા લક્ષ્મીબેન રમેશભાઇ સોલંકી (ઉ.૫૦)ની ફરિયાદ પરથી અશ્વિન ડાયાભાઇ પરમાર (રહે. વિજયનગર થોરાળા) સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે. લક્ષ્મીબેને જણાવ્યું હતું કે મારે સંતાનમાં ત્રણ દિકરી દિપીકા (દિપુ), પાયલ, આસ્થા અને એક દિકરો અતુલ છે. દિપીકાએ ત્રણ વર્ષ પહેલા અશ્વિન સાથે લવમેરેજ કર્યા હતાં. તેને સંતાનમાં એક પુત્રી રિધ્ધી (ઉ.૧) છે. મારી દિકરી દિપીકા કેટરર્સમાં કામ કરતી હોઇ તે કારણે અશ્વિન તેના પર સતત ખોટી શંકા વ્હેમ કરી ત્રાસ ગુજારતો હતો. આ કારણે તેણી કંટાળી ગઇ હતી અને એક મહિના પહેલા છૂટાછેડા લઇ લીધા હતાં.

રવિવારે બપોરે ત્રણેક વાગ્યે દિપીકા   કેટરર્સમાં કામે ગઇ હતી. રાતરે પોણા બારેક વાગ્યે કેટરર્સવાળા શબુબેને મને ફોન કરીને કહેલ કે તમારી દિકરી દિપીકાને તેના પતિ અશ્વિને અમારા કામ પર આવી બહાર બોલાવી છરીના ઘા મારી દીધા છે, તમે હોસ્પિટલે આવો. આ વાત સાંભળી હું, મારા પતિ, પુત્ર, પુત્રી તાત્કાલીક સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં. જ્યાં દિપીકા સારવાર હેઠળ હતી. તેના પેટ-વાંસામાં ઇજાના નિશાન હતાં.

શબુબેને જણાવેલ કે હું તથા દિપીકા તથા બીજા લોકો કેટરર્સના કામમાં હતાં ત્યારે અશ્વિનના સતત ફોન આવતાં હતાં. તમારી દિકરી આ કારણે ટેન્શનમાં હતી. પછી તેણે ફોન રિસીવ કર્યો હતો અને અશ્વિન બહાર બોલાવે છે તેમ વાત કરી નાની બહેન આસ્થાને સાથે લઇને ગઇ હતી. થોડીવાર બાદ જોરથી ચીસ સંભળાતા અમે બહાર દોડી જતાં દિપીકા લોહીલુહાણ પડી હતી. તેણે અશ્વિને પોતાને મારી દીધાનું કહેતાં અમે તુરત જ રિક્ષા મારફત હોસ્પિટલે લાવ્યા હતાં. આ વાત શબુબેને અમને જણાવી હતી. સારવારમાં મારી દિકરીનું મોત નિપજ્યું હતું.

છરીના ઘા ઝીંકયા બાદ ભાગી છૂટેલા  અશ્વિને સવારે સાળા લાલાના મિત્ર મયુરને ફોન કરી દિપુ જીવે છે કે મરી ગઇ? તેમ પુછતાં મયુરે તું અત્યારે કયાં છો? તેમ પુછતાં તેણે જીલ્લા ગાર્ડન તરફ હોવાનું કહેતાં પોલીસમેન હિતેષભાઇ જોગડા, રિતેષભાઇ ફેફર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તેને સકંજામાં લીધો હતો. પી.આઇ. વી.એસ. વણઝારા, પી.એસ.આઇ. ડામોર સહિતની ટીમએ વિશેષ પુછતાછ હાથ ધરી છે. છૂટાછેડા આપીને જતી રહી હોવાથી અને પાછી આવતી ન હોઇ જેથી મારી નાંખ્યાનું રટણ અશ્વિને કર્યુ હતું. આરોપીની ઓળખ પરેડ અને રિમાન્ડની તજવીજ હાથ ધરાઇ છે. 

અતુલ અને પાયલે કહ્યું-મારી બહેન જ્યાં મળે ત્યાં અશ્વિન ગાળો દેતો

. હત્યાનો ભોગ બનેલી દિપીકા (દિપુ)ના ભાઇ અતુલ ઉર્ફ લાલો અને બહેન પાયલે જણાવ્યું હતું કે અશ્વિન સતત અમારી બહેનને દારૂ પી મારકુટ કરતો હતો. જે કારણે અમારી બહેન વારંવાર રિસામણે આવી જતી હતી. પાછળથી અશ્વિન હવે કંઇ નહિ કરું તેમ કહી અમારી બહેનને પાછી તેડી જતો હતો. છૂટાછેડા બાદ પણ તે અવાર-નવાર અમારી ઘરે આવી માથાકુટ કરી જતો અને ઘર પર પથ્થરા ફેંકી જતો હતો. તેમજ અમારી બહેન રસ્તામાં જ્યાં મળે ત્યાં ગાળો દઇ હેરાન કરતો હતો.

અશ્વિને સાળા લાલાના મિત્ર મયુરને વહેલી સવારે ફોન કરીને કહ્યું-મેં દિપુને છરીના ઘા મારી દીધા છે, એ જીવે છે કે મરી ગઇ? તપાસ કરીને જણાવ તો...

. નાના મવા રોડ શાસ્ત્રીનગરના ગેઇટ પાસે આવેલા જે. એસ. પાર્ટી પ્લોટમાં કેટરર્સના કામે ગયેલી પૂર્વ પત્નિ દિપીકા (દિપુ)ને અશ્વિન પરમારે ફોન કરી બહાર બોલાવી હતી અને છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. એ પછી વહેલી સવારે મૃતક દિપીકાના માતા લક્ષ્મીબેન, પિતા રમેશભાઇ, ભાઇ અતુલ ઉર્ફ લાલો, અતુલનો મિત્ર મયુર સતાપરા સહિતના હોસ્પિટલે હતાં ત્યારે સવારે પાંચેક વાગ્યે અશ્વિને સાળા લાલાના મિત્ર મયુરને મોબાઇલ ફોન કરી કહ્યું હતું કે-મેં દિપુને રાત્રે છરીના ઘા મારી દીધા છે, એ જીવે છે કે મરી ગઇ? તપાસ કરીને જણાવ તો...તેમ કહેતાં મયુરે પોતે તો ઘરે સુતો છે, કંઇ ખબર નથી તેવી ખોટી વાત કરી  અશ્વિનને તે કયાં છે? તેમ પુછતાં તેણે પોતાનું લોકેશન જણાવતાં તેના આધારે તાલુકા પોલીસે પગેરૂ દબાવ્યું હતું અને અશ્વિનને દબોચી લીધો હતો.

છૂટાછેડા વખતે દિપીકાએ એકની એક દિકરીના સમ ખાઇને પતિ અશ્વિનને કહ્યું હતું કે આજ પછી તને કયારેય નહિ બોલાવું...ત્યારથી તે રોષે ભરાયો હતો

. હત્યાનો ભોગ બનેલી દિપીકા ઉર્ફ દિપુએ પોતાના ઘર નજીક વિજયનગરમાં રહેતાં પોતાની જ જ્ઞાતિના અશ્વિન ડાયાભાઇ પરમાર સાથે લવમેરેજ કર્યા હતાં. પણ તે સતત ખોટી શંકાઓ કરી તેમજ દારૂ પી મારકુટ કરતો હોઇ કંટાળીને ગયા મહિને જ દિપીકાએ તેની સાથે છૂટાછેડા લીધા હતાં. તે વખતે દિપીકાએ પોતાની એકની એક દિકરી રિધ્ધીના સમ ખાઇને પતિને કહ્યું હતું કે આજ પછી હું તને કયારેક નહિ બોલાવું. આ કારણે અશ્વિન સતત રોષે ભરાયો હતો અને ફરીથી પોતાની ઘરે આવી જવાનું કહી દિપીકા જ્યાં ભેગી થાય ત્યાં માથાકુટ કરતો હતો. તેના ઘર પર પથ્થરમારો પણ કરી જતો હતો. ગઇકાલે તેણે દિપીકા કેટરર્સમાં કામે ગઇ હોવાની માહિતી કોઇપણ રીતે મેળવી લીધા બાદ તેણીને ફોન કરીને જે.એસ. પાર્ટી પ્લોટમાંથી બહાર બોલાવી છરીના ઘા ઝીંકી દીધા હતાં અને ભાગી ગયો હતો. જો કે મોડેથી તેને પોલીસે સકંજામાં લઇ લીધો હતો.

દિપીકાએ અશ્વિનનો ફોન રિસીવ ન કર્યો હોત તો કદાચ જીવ બચી જાત!

દિપીકા ઉર્ફ દિપુને તેની ૧૦ વર્ષની બહેન સામે જ છરીના ઘા ઝીંકાયા

. પૂર્વ પત્નિ દિપીકા કેટરર્સમાં હોવાની ખબર પડતાં અશ્વિન ત્યાં પહોંચ્યો હતો અને ફોન જોડ્યા હતાં. દિપીકાએ ફોન રિસીવ કરવાનું ટાળતાં અશ્વિને વારંવાર ફોન કરતાં અંતે તેણીએ ફોન રિસીવ કર્યો હતો. અશ્વિને એક વાર મળવું છે, વાત કરવી છે...તેમ કહેતાં દિપીકા પોતાની ૧૦ વર્ષની બહેન આસ્થાને લઇને કેટરર્સ સંચાલક શબુબેનને 'અશ્વિન આવ્યો છે, હમણા આવું' તેમ કહીને બહાર નીકળી હતી. ત્યારે અશ્વિને ૧૧ વર્ષની સાળીની નજર સામે જ પૂર્વ પત્નિને ઘા ઝીંકી દીધા હતાં. અચાનક દેકારો થતાં શબુબેન સહિતના લોકો બહાર દોડી ગયા હતાં ત્યારે દિપીકા લોહીલુહાણ જોવા મળી હતી અને અશ્વિન છરીથી હુમલો કરી ભાગી ગયાનું તેણીએ જણાવ્યું હતું. જો તેણે ફોન રિસીવ ન કર્યો હોત તો કદાચ આ ઘટના બની ન હોત.

તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ. વણઝારા, પી.એસ.આઇ. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, અરજણભાઇ, હિરેનભાઇ સહિતનો સ્ટાફ જોઇ શકાય છે

(3:37 pm IST)