Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટ -બેંગ્લોર ડેઇલી ફલાઇટ ૨૦મીથી શરૂ

મુંબઇ અને દિલ્હીની ટ્રીપો મે માસમાં દોડતી કરાશે : ચેમ્બર ઓફ કોમર્સની રજુઆત લેખે

રાજકોટ,તા. ૧૨: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ -સૌરાષ્ટ્રના મેસાફરોને એરલાઇન્સ સુવિધા અંતર્ગત પડતી મુશ્કેલી અને સમસ્યાના ભાગરૂપે એરપોર્ટ ઓથોરીટીને કરાયેલ વિવિધ પ્રશ્નોની રજુઆતોના નિરાકરણ તથા તેના એકશન ટેકન રીપોર્ટ અંગે મીટીંગ યોજવામાં આવેલ. જેમાં રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરાહ, પી.એ.ટુ. એરપોર્ટ ડાયરેકટર સંજય ભુવા તથા મેનેજર (એટીસી) એશ્વર્યા આસેશ પાંડે ઉપસ્થિત રહેલ.

મિટીંગના પ્રારંભે રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી ૬૫ વર્ષ જુની મહાજન સંસ્થાની કામગીરી, સફળતાઓ અને તેની સાથે જોડાયેલ સભ્યો તથા વિવિધ એસોસીએશનની જાણકારી આપેલ. સાથો સાથ અગાઉ મળેલ એરપોર્ટ સલાહકાર સમિતિની બે મીટીંગમાં રાજકોટ મેમ્બર દ્વારા વિવિધ પ્રશ્નો રજુ કરેલ હતા. જેમાં ખાસ હાલના હૈયાત એરપોર્ટના રન -વેની લંબાઇ વધી ગયેલ હોય ત્યારે રાજકોટ -મુંબઇ તથા રાજકોટ દિલ્હી માટે ઇન્ડીગો એરલાઇન્સ ફલાઇટ શરૂ કરવા માટે તૈયાર છે તો તેને તાત્કાલીક મંજુરી આપી વહેલી તકે શરૂ કરાવવી. ડાયરેકટર રાજકોટથી જ પાર્સલ મોકલી શકાય તે માટે તાત્કાલીક એર કાર્ગોની સુવિધા શરૂ કરવી. તેમજ રાજકોટ -બેંગ્લોર માટેની પણ ડેઇલી ફલાઇટ શરૂ કરવી વિગેરે પ્રશ્નો ધ્યાને મુકવામાં આવેલ.

મિટીંગમાં ખાસ ઉપસ્થિત એરપોર્ટ ડાયરેકટરશ્રી દિગંતા બોરાહએ રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોના પ્રત્યુતરમાં રાજકોટ -મુંબઇ તથા રાજકોટ -દિલ્હી માટે ઇન્ડિગોની ફલાઇટ આગામી મે મહિનામાં શરૂ થઇ જશે. તેમજ પાર્સલ મોકલવા માટે એરકાર્ગોની સુવિધા પણ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઇ જશે તેવી ખાત્રી આપેલ. રાજકોટ -બેંગ્લોર માટેની ડેઇલી ફલાઇટ તા. ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે તેમ જણાવેલ.

મીટીંગનું સંચાલન તથા ઉપસ્થિત અધિકારીઓનો આભાર ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઇ બારસીયાએ વ્યકત કરેલ.

(4:40 pm IST)