Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આ સંસાર ઇકો જેવુ છે, જેવું કરીએ તેવું પાછું મળે : રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

મુમુક્ષુ આત્માઓના સંસાર જીવનના અંતિમ આત્મરક્ષા બંધન યોજાયું રવિવારે દીક્ષા દિવસ

રાજકોટ, તા. ૧ર : અલિપ્તતાના શણગાર સાથે સંયમમાં વિજયી બનવાના પાવન બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે, બાવીસમાં જિનરાય નેમનાથ પ્રભુના દિવ્ય સાક્ષાત્કાર કરાવી રહેલાં ગરવા ગિરનારની છાયામાં શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે નવ નવ આત્માઓની અનુમોદના કરતાં સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી  નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે મુમુક્ષુઓ ફેનિલકુમાર અજમેરા, શ્રેયમબેન ખંધાર, એકતાબેન ગોસલીયા, નિરાલીબેન ખંધાર, અલ્પાબેન અજમેરા, આયુષીબેન મહેતા,  નિધિબેન મડીયા,  મિશ્વાબેન ગોડા તેમજ દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના પંદર પંદર દિવસથી ચાલી રહેલાં અવસરોમાં વી જૈન વન જૈન સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને સંયમ ધર્મ પ્રત્યે અભિવંદિત બન્યાં હતાં. આનંદ-ઉલ્લાસ પૂર્વક નેમ દરબારમાં મુમુક્ષુઓના ભવ્ય સ્વાગત વધામણા કરવામાં આવ્યાં હતાં.

ઉપસ્થિત સહુને હૃદયસ્પર્શી વાણીમાં પ્રતિબોધિત કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, લાગણીઓ, અપેક્ષાઓ, રાગ-દ્વેષ, જેલસીથી ભર્યા ભર્યા આ સંસારમાં બહારથી કદાચ લીપસ્ટીકનો શણગાર સજાતો હોય પરંતુ અંદરથી પરસ્પર એકબીજાને સ્ટીક મરાતી હોય છે. એવા આ સંસારનું સુખ તે માત્રને માત્ર અરિસામાં દેખાતાં મુખની જેવું હોય છે. જેમ વાસ્તવિકતામાં અરિસામાં મુખ હોતું જ નથી એમ સંસારમાં સુખ જેવું કશું કાંઈ હોતું જ નથી. સંસારમાં જો સુખ હોત તો એક પણ વ્યકિત કદી દુૅંખી ન હોત. દીક્ષા મહોત્સવ તે માત્ર મહોત્સવ નથી હોતો પરંતુ દીક્ષાર્થીઓની પરિક્ષાનો અવસર હોય છે. જગત આખું જયારે દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓની જય જયકાર ગુંજવતું હોય ત્યારે, તે જયકારમાં જે ભળી જાય છે, પ્રસન્ન બને છે તેનો સંયમ પરાજય પામતો હોય છે અને જે નથી ભળતાં તેનો સંયમ વિજય પામતો હોય છે. જગતનો જય જયકાર, આ માન-સન્માન અને આ મહોત્સવની ભવ્યતા તે બધું જ ટેમ્પરરી હોય છે આ વાત જેને અંતરમાંથી સમજાય છે તે પોતાના સંયમમાં વિજયી બનતાં હોય છે. નિંદા સમયે તો દરેક વ્યકિત સહજ જાગી જતાં હોય છે પરંતુ, પ્રસન્નતા સમયે જાગતું રહેવું તે જ સંયમ હોય છે. આ સંસાર ઇગો છે. જે કરીએ, જેવું કરીએ તે અને તેવું જ પાછું મળતું હોય છે. માટે જ, જે પોતાના સુખને પોતે જ માણે છે એને કોઈ તરફથી સુખની પ્રાપ્તિ નથી થતી પરંતુ જે બીજાના સુખના કારણ બનતાં હોય છે એના માટે સહુ સુખનું કારણ બની જતાં હોય છે.

આ અવસરે મુમુક્ષુઓ ફેનિલકુમાર, આયુષીબેન, નિધિબેન અને  મિશ્વાબેન દ્વારા કરવામાં આવેલાં સંસાર જીવનના અંતિમ આત્મરક્ષા બંધનના દૃશ્યોની ભાવુકતા તેમજ માતા-પિતાના ચરણપૂજન અને પ્રદક્ષિણા વંદનાના સંવેદનશીલ દૃશ્યો સાથે સંસારને અલવિદા કરતાં હજારો નયન અહોભાવથી અનિમેષ બની ગયાં હતાં.

પૂજય શ્રી જય-વિજયાજી મહાસતીજી-બા સ્વામી પ્રત્યે અનન્ય શ્રધ્ધા-ભકિત ધરાવતાં અજયભાઈ શેઠ પ્રેરિત પ્રેરણા મેગેઝીનનું દીક્ષાર્થીઓના માતા-પિતાના હસ્તે આ અવસરે વિમોચન કરવામાં આવ્યું હતું.

આવતીકાલ તા. ૧૩ શનિવારે ૮.૩૦ કલાકે મુમુક્ષુઓનો વિદાય ઉત્સવ તેમજ માતા-પિતા ઉપકાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪  રવિવાર સવારના ૦૮.૩૦ કલાકે નવ નવ આત્માઓના ભવતારક એવા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓને દીક્ષાના દાન અર્પણ કરવામાં આવશે.

(4:38 pm IST)