Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

બહેનો સહિત તમામ પાસે ફરજીયાત વોટ્સએપ કરાવી નંબરો મેળવી પ્રવેશ આપવા પાછળનો હેતુ શું?

અંજલીબેન, જીલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નર સુધી આ વાત પહોંચી રહી છે...

રાજકોટ : શહેરના કાલાવડ રોડ અને આસપાસના વિસ્તારમાં આવેલ એકિઝબિશન જેવા મેળાવડામાં પ્રવેશ માટે મહિલાઓ અને દિકરીઓ સહિતના ફોન નંબર ધરાર લેવાતા હોવાની બૂમ ઉઠી છે. તમારે જો પ્રવેશ જોઈતો હોય તો વોટ્સએપ ઉપર ફરજીયાત મેસેજ મૂકવાનું કહેવામાં આવે છે.

જો આવા કાર્યક્રમોમાં કોઈ નઠારા તત્વોના હાથમાં આ નંબર આવી જાય તો પૂરો દુરૂપયોગ થઈ શકે તેવી સંભાવના છે. અંજલીબેન અને જીલ્લા કલેકટર તેમજ શહેર પોલીસ કમિશ્નર સુધી આ વાત પહોંચાડવામાં આવી રહી હોવાનું બહાર આવ્યુ છે.

કેટલીક બહેનોએ તો રજૂઆત પણ કરી હતી કે અમારા નંબર શા માટે લ્યો છો, વોટ્સએપ શા માટે કરાવો છો? જો તમારે ઓળખ જ જોઈતી હોય તો આધાર કાર્ડ જોઈ શકો છો. ધરાર વોટ્સએપ નંબર આપવાના મીનીંગને તરેહ તરેહની વાતો થઈ રહી છે. એવો પણ કચવાટ પ્રવર્તતો હતો કે કેટલીક બહેનો અહિં પ્રવેશ મેળવવાને બદલે પરત ફરી જવાનું પસંદ કર્યુ હતું.

બહારના પ્રાંતોમાંથી આ કાર્યક્રમ કોઈ લઈને આવ્યાનું મનાય છે. ભવિષ્યમાં રાજકોટની બહેનોના ફોન નંબરનો દુરૂપયોગ ન થાય તેવી સત્તાવાળાઓ કાળજી લ્યે અને ધરાર મોબાઈલ નંબરો લેવાની પ્રથા બંધ કરાવે તેવી પણ લોકલાગણી પ્રવર્તી રહ્યાનું જાણવા મળે છે. આ સ્થળે કોવિડના કોઈ જ નીતિ નિયમ નજરે જોવા મળતા ન હતા. સોશ્યલ ડિસ્ટન્સ કે ફરજીયાત માસ્ક પહેરવાનું પણ પાલન થતુ જોવા મળતુ ન હતું. આ નિયમ પાછળ કોવિડનું કારણ આગળ ધરવામાં આવતુ હતું. જો કે રાજયમાં સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. સત્તાવાળાઓ આકરા પગલા લ્યે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

(4:38 pm IST)