Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વિરપુર પંથકના જમીન કૌભાંડના લેન્ડ ગ્રેબીંગના કેસમાં નિખિલ દોંગાના સાગ્રીત ધીરૂ ગમારાની જામીન અરજી નામંજુર

આ પ્રકારનો ગુનો કરતાં આરોપી સમાજ માટે હાનીકારક છેઃ સરકારી વકીલ સંજય વોરા

રાજકોટ, તા., ૧૨ : વિરપુરના રેવન્યુ સર્વે ૫૮૦-પૈકી ૯૦ વિદ્યાની કુલ જમીનો માહેથી ૭૫ વિઘા જમીન ખરીદ  કરી સમગ્ર ૯૦ વિઘા જમીન ઉપર ઘુસણખોરીથી કબ્જો જમાવી જમીન ઘુસણખોરીના કાયદા હેઠળ  આજીવન સજાને પાત્ર ગુન્હો કરેલ હોય સેશન્સ અદાલતે આરોપી ધીરૂભાઈ બચુભાઈ  ગમારાની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે.    આ કેસની હકીકત એવા પ્રકારની છે કે વિરપુરના રેવન્યુ સર્વે નં. ૫૮૦ ની ૯૦ વિઘા જમીન  ફરીયાદી ગજેન્દ્રભાઈ શિવાભાઈ સાંગાણી અને તેના કુટુંબીઓની માલિકીની આવેલ હતી. આ  જમીનો પૈકી ફરીયાદી અને તેના કુટુંબીઓએ આરોપી રમેશ સીંધવ, કમલેશ સીંધવ અને નરેશ  સીંધવને ૭૫ વિઘા ખેતીની જમીનો રૂપીયા સાત કરોડમાં ખરીદ કરેલ હતી આ અવેજની રકમ  માહેની આરોપીઓએ ફરીયાદીને ફકત રૂપીયા એક કરોડ છેતાલીસ લાખ ચુકવી વેચાણ દસ્તાવેજ  સાથે કબ્જો મેળવી લીધેલ હતો. બાકીની રકમ ચુકવવાનો આરોપીઓએ ઈન્કાર કરેલ હતો. આ  ઉપરાંત ફરીયાદીની બાકીની ૧૫ વિઘા જમીનો ઉપર પણ ત્રણેય આરોપીઓએ ધીરૂભાઈ બચુભાઈ  ગમારાની મદદગારીથી કબ્જો મેળવી લીધેલ હતો. આ રીતે ફરીયાદીએ આ બાબતે તકરાર કરતાં  ચારેય આરોપીઓએ ફરીયાદીને માર મારી જાનથી મારીનાખવાની ધમકી આપી ભગાડી દીધેલ  હતા. આ અંગે ફરીયાદીએ ફરીયાદ કર્યા બાદ જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર  બાગમારે તપાસ હાથ ધરી આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરેલ હતું.    ચાર્જશીટ બાદની જામીન અરજીની સુનાવણી દરમ્યાન અરજદાર આરોપી ધીરૂભાઈ  બચુભાઈ ગમારા વતી રજુઆત કરવામાં આવેલ હતી કે, આ અરજદાર આરોપીએ ફકત ઢીકાપાટુનો  માર માર્યાનો આક્ષેપ છે જે અંગે મહતમ સજાની જોગવાઈ ફકત સાત વર્ષની છે તેથી આ  અરજદારને જામીન આપવા જોઈએ. શ્રી સરકાર તરફે રજુઆત કરતા સ્પે.પી.પી. શ્રી એસ. કે. વોરાએ જણાવેલ હતું કે કાયદાની જોગવાઈ મુજબ ઘુસણખોરીમાં મદદગારી કરનાર આરોપીને પણ  કાયદો ઘુસણખોર ગણે છે તેથી આવા મદદગારી કરનાર આરોપી માટે સજાની જોગવાઈ ઓછી  નથી. વધુમાં રજુઆત કરવામાં આવેલ કે, હાલના આરોપીએ અન્ય ત્રણેય આરોપીઓને વ્યવસાયીક  ધોરણે ગુંડાગીરીની સવલત પુરી પાડેલ છે તેથી આ પ્રકારના આરોપી સમાજ માટે ખુબજ હાનીકારક  છે. આ આરોપીએ જમીન લે-વેચમાં કોઈપણ પ્રકારનું યોગદાન આપેલ ન હોવા છતાં ફકત  વ્યવસાયીક ધોરણે ગુંડાગીરી કરી ફરીયાદીને ગંભીર ઈજા પહોંચાડેલ છે તેથી આ આરોપીને પણ  આજીવન કેદની સજા થવાપાત્ર છે. આ તમામ રજુઆતો ધ્યાનમાં લઈ ઘુસણખોરી વિરુઘ્ધના કાયદા  હેઠળ નિમાયેલ સ્પે. કોર્ટના જજે આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે.    આ કામમાં શ્રી સરકાર તરફે સ્પે.પી.પી. તરીકે શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

(4:38 pm IST)