Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કરવેરા અંગેની જટીલ પ્રક્રીયાઓ સુલજાવવા મશીનરી ડીલર્સ એસો. દ્વારા પ્રિ-મેમોરેન્ડમ

રાજકોટ તા. ૧૨ : રાજયનું નવુ અંદાજપત્ર રજુ થવા જઇ રહ્યુ છે. ત્યારે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનના પ્રમુખ મનસુખભાઇ પટેલ, માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલે વેપાર ઉદ્યોગને સ્પર્ષતા કરવેરા અને જટીલ વહીવટી પ્રક્રિયાઓ સંદર્ભે નાણામંત્રી નીતિનભાઇ પટેલને પ્રિ-બજેટ મેમોરેન્ડમરૂપે રજુઆત કરી છે.

ખાસ કરીને રાજકોટ મશીનરી ઉદ્યોગમાં ડીઝલ એન્જીનના પાર્ટસમાં વેટ પ ટકાને બદલે ૧૨.૫ ટકા થઇ ગયો છે તે અસહ્ય હોય રી-કન્સીડર કરી ૪ ટકા કરી આપવા, જીએસટીના નવા નિયમમાં લમસમ ખરીદી વેચાણ બાબતમાં આંતર રાજય ખરીદી કરવાની છુટ અપાઇ છે પરંતુ આંતરરાજય વેચાણ માટે છુટ અપાઇ નથી. આ બાબતે પણ વિચારણા કરવા તેમજ વેટ એસેસમેન્ટ ઓર્ડર અને જીએસટી ઓર્ડર ઘણા સમયથી આવતા ન હોય કઇ સાલનું એસેસમેન્ટ છે તે નકકી કરવામાં વેપારીઓને મુંજવણ રહેતી હોય વર્ષોવર્ષનું એસેસમેન્ટ આપવા, ચોપડા સાચવવાની જોગવાઇ ૬ વર્ષની હતી તે ઘટાડી ત્રણ વર્ષ કરી નાખેલ છે. હજુ વધારાના ત્રણ વર્ષ જોગવાઇ લંબાવી આપવા માંગણી મુકવામાં આવી છે.

જીએસટીમાં આર્થિક ગુનો કરનારને ૬ માસની જેલની સજાની જોગવાઇ છે તેનો દુરૂપયોગ થવાની શકયતાઓ રહેલી હોય ફેરવિચારણા કરવા તેમજ જીએસટી સામે અન્ય ટેક્ષ મર્જ કરી આપવાની વાત હતી. ત્યારે આ સમજુતી પ્રમાણે પ્રોફેશનલ ટેક્ષને જીએસટીમાં મર્જ કરી આપવા સહીત ૧૮ જેટલા સુચનો રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ના પ્રમુખ મનસુખભાઇ કે. પટેલ અને મંત્રી અશ્વિનકુમાર સી. પટેલે કરેલ છે.

(3:48 pm IST)