Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમારો સગાઈ પ્રસંગ બગાડતા વાત વણસી હતીઃ બનેવીની હત્યામાં પકડાયેલા બે સાળાની કબુલાતઃ સાતની ધરપકડ

થોરાળા પોલીસે હત્યાનો ભોગ બનનાર સલીમ અજમેરીના બે સાળા વિજય ઉર્ફે વીજલો, સાજન તથા તેની સાથેના અનીલ ઉર્ફે બચુ, સંજય, કેવલ, અશ્વિન ઉર્ફે અની અને દિનેશ ઉર્ફે કાળીયાની ધરપકડ

તસ્વીરમાં ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ. રાઠોડ અને થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.એમ. હડીયા અને તેની ટીમ તથા નીચે આરોપીઓ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ :. ખોખડદળ નદીકાંઠે સંસ્કાર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતા અને છૂટક કામ કરતા સલીમભાઈ દાઉદભાઈ અજમેરી નામના યુવાનની તેના જ બે સાળા સહિત સાત શખ્સોએ કરેલી હત્યામાં થોરાળા પોલીસે બે સાળા સહિત સાત શખ્સોને પકડી લીધા છે. ભોગ બનનાર સલીમભાઈએ સગાઈ પ્રસંગ બગાડતા વાત વણસતા બનેવીનું ઢીમ ઢાળી દીધુ હોવાની બે સગા સાળાએ કબુલાત આપી હતી.

મળતી વિગત મુજબ ખોખડદળ નદીના પૂલ પાસે રહેતા સલીમભાઈ દાઉદભાઈ અજમેરી (ઉ.વ.૩૨)ને ત્રણ દિવસ પહેલા પત્ની મીરા કહ્યા વગર તેના ભાઈની દીકરીના સગાઈના પ્રસંગમાં જતા તે બાબતે બોલાચાલી થયા બાદ સલીમભાઈન ેતેના સાળા સાથે થયેલા ઝઘડા બાબતનો ખાર રાખી સલીમભાઈ અજમેરીની તેના બે સગા સાળા વિજય અને સાજન તથા સંજય ઉમેશભાઈ, કેવલ ભરતભાઈ, અશ્વિન સુરેશભાઈ, લાંબા વાળવાળો શખ્સ અને સંજયનો ભાઈ સહિત સાત શખ્સોએ તલવાર, ધારીયા, છરી, કુહાડા, ધોકા, પાઈપના ઘા ઝીંકી બનેવી સલીમભાઈ અજમેરીની હત્યા કરી હતી. આ બનાવ અંગે થોરાળા પોલીસે ભોગ બનનાર સલીમભાઈના પુત્ર બીલાલ ઉર્ફે જીશાન અજમેરીની ફરીયાદ પરથી સાત શખ્સો વિરૂદ્ધ હત્યા અને રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઈ જી.એમ. હડીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ.એલ. રાઠોડની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઈ જી.એમ. હડીયા, પીએસઆઈ જી.એસ. ગઢવી, રાઈટર અજીતભાઈ, કેલ્વીનભાઈ સાગર, હેડ કોન્સ. ભુપતભાઈ વાસાણી, આનંદભાઈ પરમાર, શૈલેષભાઈ ભીસડીયા, વિજયભાઈ મેતા, યુવરાજસિંહ રાણા, જયદીપભાઈ ધોળકીયા, નરસંગભાઈ ગઢવી, રમેશભાઈ માલકીયા, સહદેવસિંહ જાડેજા અને દિવ્યેશભાઈ ઉપરા સહિતે હત્યાનો ભોગ બનનાર સલીમભાઈના સાળા વિજય ઉર્ફે વિજલો પ્રભાતભાઈ સોલંકી (ઉ.વ. ૩૮), સાજન પ્રભાતભાઈ સોલંકી (ઉ.વ. ૩૨) (રહે. બન્ને કોઠારીયા રોડ શાંતિનગર મફતીયાપરા) અને અનીલ ઉર્ફે બચુ પ્રભાતભાઈ સોલંકી (ઉ.વ.૩૦) (રહે. શાંતીનગર મફતીયાપરા), સંજય ઉમેશભાઈ રાઠોડ (ઉ.વ. ૨૭) (રહે. કોઠારીયા રોડ વચ્છરાજનગર શેરી નં. ૧), કેવલ ભરતભાઈ કાવીઠીયા (ઉ.વ. ૨૦) (રહે. કોઠારિયા રોડ વચ્છરાજનગર શેરી નં. ૧), અશ્વિન ઉર્ફે અની સુરેશભાઈ સોલંકી (ઉ.વ.૨૧) (રહે. કોઠારીયા રોડ વચ્છરાજનગર શેરી નં. ૧) અને દિનેશ ઉર્ફે કાળીયો કિશનભાઈ સોલંકી (ઉ.વ.૧૯) (રહે. કોઠારિયા ચોકડી પાસે વિનોદનગર આવાસ યોજના કવાર્ટર)ને પકડી લીધા હતા.આ બનાવમાં પોલીસે તમામની પૂછપરછ કરતા ભોગ બનનાર સલીમભાઈએ મીરા સાથે લગ્ન કર્યા બાદ પત્ની મીરાને માવતરે જવા દેતા ન હતા. ત્રણ દિવસ પહેલા પત્ની મીરાના ભાઈ વિજય ઉર્ફે વિજલો સોલંકીની દીકરીની સગાઈ હોય તેથી પત્નિ મીરા કહ્યા વગર સગાઈ પ્રસંગમાં જતા સલીમભાઈને ખબર પડતા સલીમભાઈએ સાળા વિજયના ઘરે આવી ગાળો આપી હતી અને પ્રસંગમાં મહેમદાબાદથી મહેમાનો આવ્યા હોય, તેથી ચાલુ પ્રસંગમાં તોડફોડ કરી ડખ્ખો કર્યો હતો. આથી દીકરીનો સગાઈ પ્રસંગ બગડતા વાત વણસતા બે સગા સાળા વિજય અને સાજન સહિત સાત શખ્સોએ બનેવી સલીમભાઈનું ઢીમ ઢાળી દીધુ હોવાની કબુલાત આપી હતી.પકડાયેલા વિજય ઉર્ફે વીજલો પ્રભાતભાઈ સોલંકી અગાઉ બે હત્યા, બળાત્કાર, હત્યાની કોશિષ, મારામારી, ધમકી અને દારૂ સહિત ૧૭ જેટલા ગુનામાં પકડાઈ ચૂકયા છે. તેમજ ભોગ બનનાર વિરૂદ્ધ પણ દારૂના ૧૧ જેટલા ગુના હોવાનું જાણવા મળ્યુ છે.

આ અંગે પોલીસે સાતેય શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)