Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મઘરવાડાની લક્ષ્મીને મરી જવા મજબૂર કરનાર પતિ રજની રાઠોડ વિરૂધ્ધ ગુનો

પરમ દિવસે પરિણિતાએ ગળાફાંસો ખાઇ લેતાં પિતાએ હત્યાનો આક્ષેપ કર્યો હતોઃ કુવાડવા પોલીસે પતિ વિરૂધ્ધ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૨: મઘરવાડામાં લક્ષ્મીબેન રજનીભાઇ રાઠોડ (ઉ.૨૭)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પિતાએ હત્યાનો આક્ષેપ કર્યો હતો. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ કુવાડવા પોલીસે મૃતકના પતિ રજની વિરૂધ્ધ તેણીને ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યો છે. નાની નાની વાતે તે સતત ત્રાસ આપતો હોવાનો અને માવતરે પણ આવવા દેતો ન હોવાનો તેમજ વારંવાર લક્ષ્મી રિસામણે આવી સમાધાન કરી પરત સાસરે જતી તો રજની ફરીથી ત્રાસ આપતો હોવાનો આરોપ મુકાયો છે.

આ બનવામાં કુવાડવા રોડ પોલીસે બેડલા ગામે રહેતાં આપઘાત કરનાર લક્ષ્મીબેનના પિતા રાણાભાઇ વાલાભાઇ પરમાર (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી તેના જમાઇ રજની ભલાભાઇ રાઠોડ વિરૂધ્ધ આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક) મુજબ ત્રાસ આપી મરી જવા મજબૂર કરવાનો ગુનો નોંધ્યો છે.

રાણાભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેત મજુરી કરુ છું. સંતાનમાં મારે એક પુત્ર અને પાંચ પુત્રી છે. જેમાં લક્ષ્મીના લગ્ન આઠેક વર્ષ પહેલા મઘરવાડાના રજની ભલાભાઇ રાઠોડ સાથે જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ થયા હતાં. લક્ષ્મીને સંતાનમાં  બે પુત્રી મીરા (ઉ.૭) અને ગોપી (ઉ.૫) છે. મારી દિકરી લક્ષ્મીને તેનો પતિ રજની અવાર-નવાર નાની નાની વાતે ત્રાસ આપતો હતો અને અમારા ઘરે આટો મારવા પણ આવવા દેતો નહોતો. અમારા કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય તો પણ મોકલતો નહિ. બે વર્ષ પહેલા મારા દિકરા હેમતના લગ્નમાં પણ પણ દિકરીને મારકુટ કરીને મોકલી હતી. પોતે લગ્નમાં આવ્યો નહોતો. પ્રસંગ પછી દિકરી પરત સાસરે જતી રહી હતી.આજથી દોઢેક વર્ષ પહેલા ફરીથી મારી દિકરીને મારકુટ થતાં તે ત્રણ ચાર મહિના રિસામણે રોકાઇ હતી. ત્યારે તેણીએ પતિ વિરૂધ્ધ મહિલા પોલીસમાં અરજી પણ કરી હતી.

સમજાવટ બાદ સમાધાન થતાં લક્ષ્મી ફરી સાસરે ગઇ હતી. થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું હતું. ત્યાર પછી ફરીથી જમાઇ ત્રાસ આપી મારકુટ કરવા માંડ્યો હતો. લોકડાઉનમાં મારી દિકરી દયા અને કાજલના લગ્ન હતાં ત્યારે પણ લક્ષ્મી સાથે તેના પતિ રજનીએ ઝઘડો કર્યો હતો. ત્યારે પણ તેણે લક્ષ્મીને લગ્નમાં મોકલી હતી, પોતે આવ્યો નહોતો. એ પછી દિકરીને તેડવા ન આવતાં રિસામણે રાખી હતી. બે મહિના પહેલા સમજાવટથી ફરી લક્ષ્મી ત્યાં ગઇ હતી. મઘરવાડામાંતે નીચેના માળે પતિ સંતાનો સાથે અલગ રહેતી હતી. પરંતુ રજનીએ ત્રાસ ચાલુ જ રાખ્યો હતો. પણ અમે અમારી દિકરીનું ઘર ન ભાંગે એ માટે જમાઇ રજનીને કઈ કહેતા નહોતાં. છેલ્લે ૧૦/૨ના રજની અમારા ઘરે આવેલો અને  તમારી દિકરીને તેડી જજો તેમ કહેતાં મેં તેને કહેલ કે સાંજે આવીશ, વાંક હોય તો તેને પણ સમજાવીશ.તેમ કહ્યું હતું. એ પછી સાંજે સાડા પાંચેક વાગ્યે રજનીએ ફોન કરી કહેલું કે તમારી દિકરીએ ગળાફાંસો ખાઇ લીધો છે. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.

આમ જમાઇ રજનીના સતત ત્રાસને કારણે મારી દિકરી લક્ષ્મી મરી જવા મજબૂર થઇ હતી. તેમ રાણાભાઇએ ફરિયાદમાં જણાવતાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએઅસાઇ મેઘલાતર, હિતેષભાઇ સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ કરી હતી.

(3:19 pm IST)