Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઘરેથી નીકળી ગયેલા માનસિક અસ્વસ્થ પુત્રનું ભકિતનગર પોલીસે માતા સાથે મિલન કરાવ્યું

૩૩ વર્ષનો નિતિન કપડવંજ-સોમનાથની બસમાં બેસી ગયો હોઇ ગોંડલ પોલીસનો સંપર્ક કરી ગોમટા ચોકડીએથી રાજકોટ લવાયો

રાજકોટઃ ભકિતનગર પોલીસે વધુ એક વખત પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કર્યુ છે. એક વૃધ્ધા ગત સાંજે પોલીસ સ્ટેશને આવ્યા હતાં અને પોતાનો ૩૩ વર્ષનો માનસિક અસ્વસ્થ પુત્ર નિતિન ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થયાની વાત કરી હતી. આથી પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા, એએસઆઇ સાવજુભા જાડેજા, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, કોન્સ. મયુરભાઇ ઠાકર, હેડકોન્સ. નિકુલસિંહ જાડેજા સહિતની ટીમ કામે લાગી હતી. નિતિન પાસે ફોન હોઇ પોલીસે નંબર જોડતાં તેણે ફોન રિસીવ કર્યો નહોતો. ઘણા પ્રયાસો પછી કોઇ બીજી વ્યકિતએ ફોન ઉપાડ્યો હતો અને જેનો આ ફોન છે એ ભાઇ કપડવંજ-સોમનાથની બસમાં બેઠા હોવાનું અને બસ થોડીવારમાં ગોંડલ પહોંચશે તેમ કહેતાં કોન્સ. મયુરભાઇએ તુરત જ ગોંડલ તાલુકા પોલીસના કોન્સ. વિજયભાઇ ગોહેલનો સંપર્ક કરતાં તેઓ ગોમટા ચેક પોસ્ટ પર પહોંચ્યા હતાં અને બસ ઉભી રખાવી નિતિનને વિશ્વાસમાં લઇ ભકિતનગર પોલીસને જાણ કરતી અહિથી સ્ટાફ મોબાઇલ મારફત ગોમટા ચેકપોસ્ટ પહોંચ્યો હતો. પુત્રનું માતા સાથે મિલન કરાવાતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

(3:18 pm IST)