Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભાજપ માટે સત્તા એ સમાજસેવાનું સાધન : ગોવિંદભાઈ

વોર્ડ નં.૭ના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું અંજલીબેનના હસ્તે ઉદ્દઘાટન : રાજકોટ ફાટક મુકત- પ્રદુષણ મુકત બની રહ્યું છેઃ ધનસુખ ભંડેરી

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૭ના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલીબહેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનોએ વોર્ડ નં. ૭ની ભાજપની પેનલ ડો.નેહલ ચીમનભાઇ શુકલ, દેવાંગ માંકડ, શ્રીમતી વર્ષાબહેન પાંધી તથા શ્રીમતી જયશ્રીબહેન ચાવડાને જંગી બહુમતિથી જીતાડવા માટે લોકોને અનુરોધ કર્યો હતો.

મહાસતિજી ચોક, યાજ્ઞિક રોડ પર  યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં શ્રીમતિ અંજલીબહેન રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપે દરેક વોર્ડમાં સમતોલ વિકાસ કર્યો છે. વિકાસની રાજનીતિથી ભાજપ આગળ વધી રહ્યો છે અને વધશે. ગુજરાતના શહેરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ છેલ્લાં વર્ષોમાં મળી છે. રાજકોટ તો ૪૫ વર્ષથી ભાજપનો ગઢ રહ્યું છે. અહીંની બહેનો,ગૃહિણીઓએ વર્ષો સુધી પાણીના બેડાં લઇને લાઇનમાં ઊભા રહેવું પડતું એ હવે ભૂતકાળ બન્યું છે. વોર્ડ નં. ૭ વેપારક્ષેત્રનો પણ વિસ્તાર છે અને રહેણાંક વિસ્તાર પણ અહીં છે. રસ્તા, ગટર, સ્ટ્રીટલાઇટ પાણીની સુવિધા અહીં તમામ વિસ્તારમાં છે. આ વોર્ડની શિક્ષિત પેનલ વિકાસયાત્રાને આગળ વધારશે રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલે  કહ્યું કે સત્તા ભાજપ માટે સમાજસેવા અને રાષ્ટ્ર નિર્માણનું સાધન છે,સાધ્ય નથી. આ એ પક્ષ છે જેના વરીષ્ઠ નેતા સ્વ.અટલજીએ સ્વાભિમાન માટે સત્તા ત્ગાયી દીધી હતી. આ પક્ષ નીતિમત્તા, સંસ્કારિતાનો પક્ષ છે.ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ, પુર્વ મેયર શ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે વોર્ડ નં. ૭ જ નહીં આખા રાજકોટમાં અને આખા ગુજરાતમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. રાજકોટની જ વાત કરીએ તો અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવી રહ્યું છે તો સરસ બસપોર્ટ પણ તૈયાર થઇને ઉપયોગમાં લેવાઇ કહ્યું છે. અદ્યતન હોસ્પિટલ બની છે અને ગુજરાતની પ્રથમ એઇમ્સ આવી રહી છે. શહેરની આસપાસ નવા રીંગરોડ બની રહ્યા છે તો શહેરની અંદર પણ નવા પુલ બની રહ્યા છે. રાજકોટ ફાટક મુકત બની રહ્યું છે અને પ્રદુષણ મુકત પણ બની રહ્યું છે. ગુજરાતના શહેરોને રહેવા લાયક, જોવા લાયક બનાવાયાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશ અને ગુજરાત પ્રગતિ કરી રહ્યાં છે ત્યારે રાજકોટનો વિકાસ પણ ભાજપના શાસનમાં જ અવિરત રહેશે એવો વિશ્વાસ મતદારોને છે.

વોર્ડ નં. ૭ના ઉમેદવાર ડો.નેહલ શુકલ, દેવાંગ માંકડ, શ્રીમતી વર્ષાબહેન પાંધી, શ્રીમતી જયશ્રીબહેન ચાવડાને જીતાડવા આગેવાનોએ અનુરોધ કર્યો હતો. કાર્યાલયના ઉદઘાટનમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી, પ્રદેશ અગ્રણી શ્રી નિતિન ભારદ્વાજ,ડો.કમલેશ જોશીપુરા, પ્રદેશ ભાજપના મંત્રી શ્રીમતી બીનાબહેન આચાર્ય, જૈન સમાજના અગ્રણી શ્રી જ્યોતીન્દ્ર મહેતા, હરેશ વોરા, મિલનભાઇ મીઠાણી, જયેન્દ્રભાઇ મહેતા, નિલેશ કામદાર, રઘુવંશી સમાજના અગ્રણી શ્રી કાશ્મિરા નથવાણી, રાજુભાઇ પોબારુ, હસુભાઇ ભગદેવ, સોની સમાજના અગ્રણી ચમનભાઇ લોઢિયા, રજપૂત સમાજના અગ્રણી જયેશભાઇ પરમાર,ધીરૂભાઇ ડોડિયા, બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઇ હિરાણી, હિરાભાઇ ઘાવરી ઉપસ્થિત રહ્યા હતા.

(3:15 pm IST)