Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અનેક વોર્ડમાં હજુ ઉમેદવારોના મોઢા લોકોએ જોયા નથી !! : મતદાનમાં શું થશે ?

ચૂંટણીને આડે હવે ૯ દી : પ્રચાર માટે માત્ર ૮ દિ' ચોખ્ખા છે ત્યારે... : કોંગ્રેસ અને ભાજપના નવા ચહેરાઓમાં કેટલાક નેતા કાર્યકરો પણ નથી ઓળખતા : 'આપ'ના બધા ઉમેદવારો ફ્રેશર છે

રાજકોટ તા. ૧૨ : મ.ન.પા.ની સામાન્ય ચૂંટણીઓ ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર છે ત્યારે હવે મતદાન આડે હવે ૯ દિવસ અને પ્રચાર માટે માત્ર ૮ દિવસ ચોખ્ખા બચ્યા છે. આમ છતાં હજુ સુધી ભાજપ - કોંગ્રેસ - આપ સહિતના મોટાભાગના ઉમેદવારોના નામો - ચહેરાઓથી મતદારો અજાણ છે. દરેક વોર્ડમાં સામાન્ય મતદારો એક જ વાત કરી રહ્યા છે. કોણ ચૂંટણી લડે છે, તે જાણ નથી ?

આ વખતે ભાજપ અને કોંગ્રેસે ૬૦%ની વધુ ઉમેદવારો તદ્દન નવા જ મુકયા છે. કેટલાક વોર્ડમાંથી પક્ષના કાર્યકરો પણ પોતાના ઉમેદવારને સૌ પ્રથમ વખત જોઇ રહ્યા છે. એટલે કે તેઓ પોતાના ઉમેદવારને પૂરા ઓળખતા પણ નથી ત્યારે સામાન્ય નાગરિકો ન જ ઓળખે તે સ્વાભાવિક છે.  આ સંજોગોમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

એટલું જ નહી ભાજપ - કોંગ્રેસ બંને પક્ષોમાં અનેક વોર્ડ એવા પણ છે કે જ્યાં બીજા વોર્ડમાં રહેતા ઉમેદવારને આયાત કરીને ચૂંટણી લડાવાઇ રહી છે. જેના કારણે મતદારો આવા મતદારોને નથી ઓળખતા અને કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળે છે.

આમ, આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષોના નવા અને અજાણ્યા ઉમેદવારોને ચૂંટણી લડાવીને ૮ દિવસના ટુંકાગાળામાં ચૂંટણી પ્રચાર કરવાનો વખત આવ્યો છે તેને કારણે મતદાન ઉપર મોટી અસર થવાની ભીતી છે.

આ ઉપરાંત આ વખતે 'આમ આદમી પાર્ટી'ત્રીજા મોરચા તરીકે લડે છે. તેના તમામ ઉમેદવારો રાજનીતિથી અજાણ છે અને તદ્દન નવાજ છે.

આમ, આ વખતની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવારોને લોકો ઓળખતા જ નથી ત્યારે મતદાન વખતે મતદારો પણ ગોટે ચડશે અને ચૂંટણીના પરિણામો ઉપર પણ તેની અસર જોવા મળશે તે નિશ્ચિત છે.

પ્રચારમાં રોડ રાઇટીંગની બાદબાકી સોશ્યલ મિડીયાનો પ્રભાવ વધ્યો

રાજકોટ : આ વખતે ટુંકાગાળામાં જ નક્કી થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરંપરાગત 'રોડ રાઇટીંગ' જેવી પરંપરાગત પ્રચાર પધ્ધતિની બાદબાકી જોવા મળી રહી છે. મોટાભાગના પક્ષો સોશ્યલ મિડીયા થકી પોતાનો પ્રચાર કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે

(3:15 pm IST)