Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઉમર નાની, ધ્યેય ખુબ મોટુઃ દિકરો જે કરી શકે એ દિકરી પણ કરી શકે એ સાબિત કરવા હું મુંબઇ ગઇ હતીઃક્રિષ્ના

કરાટે ચેમ્પિયન ૧૬II વર્ષની ક્રિષ્નાને સુરત-મુંબઇમાં એકલી જોઇ કેટલાકે નજર બગાડીઃ તેને બરાબરનો 'પરચો' દીધો : ઘરેથી ૫૦૦ રૂપિયા લઇને નીકળી'તીઃ સુરત પહોંચી ત્યારે માત્ર ૬ રૂપિયા વધ્યા'તાઃ પાણી પીવાના પણ પૈસા ન હોઇ સોનાની બુટી વેંચવા મજબૂર થઇઃ એ પછી મુંબઇ અંધેરીના સ્ટુડિયોમાં પહોંચી, પણ હાલ ત્યાં ઓડિશન નહિ શુટીંગ ચાલુ હોઇ સ્ટુડિયો સંચાલકે શાંતિથી સાંભળી જમાડી અને ઘરે પહોંચે તેવી વ્યવસ્થા કરી : ૮મીએ બૂક લેવા મવડી ચોકડીએ ગયા બાદ ગૂમ થયેલી છાત્રાને તાલુકા પોલીસ મુંબઇથી શોધી લાવીઃ ક્રિષ્ના કહે છે-કોઇ શું કહે છે તેની સાથે મારે લેવા દેવા નથી, હું ગોલ સુધી પહોંચીને જ રહીશ, મારી સાથે 'હું' છું ને

રાજકોટ તા. ૧૧: 'હા, હું મારી જાતે જ મુંબઇ ગઇ હતી, કારણ કે મારે એકટ્રેસ બનવા ઓડિશન આપવું હતું. હું એ સાબિત કરવા ઇચ્છું છું કે પરિવારનો દિકરો જે કંઇ કરી શકે એ એક દિકરી પણ કરી જ શકે, કોઇ મને સહકાર આપે કે ન આપે મને તેની સાથે કંઇ લેવા દેવા નથી, પણ હું મારા ગોલ સુધી પહોંચીને જ રહીશ, કારણ કે મારી સાથે હું પોતે છું ને!'...આ વાત કહી છે ૧૬ાા વર્ષની ક્રિષ્ના મનોજભાઇ રામાણીએ. મવડી ગોવર્ધન ચોક સેટેલાઇટ પાર્કમાં રહેતી ક્રિષ્ના ૮મીએ ઘરેથી મવડી ચોકડીએ બૂક લેવા જવાનું કહીને રૂ. ૫૦૦ લઇને નીકળ્યા પછી ગૂમ થઇ હતી. શોધખોળ પછી પણ પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવતાં સગીર ગુમ થવાના કિસ્સામાં પોલીસે તુરત જ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. તપાસનો દોર મુંબઇ સુધી લંબાયો હતો અને અંતે ક્રિષ્ના હેમખેમ મળી ગઇ હતી. ક્રિષ્નાએ કહ્યું હતું કે હું મારી જાતે જ ગઇ હતી, કોઇ મને લઇ ગયું નહોતું. હું તમામ રીતે સક્ષમ છું. એકલી ભાળીને નજર બગાડનારાઓને પણ મેં પરચો આપી દીધો હતો.

ક્રિષ્ના ગૂમ થતાં વાત તાલુકા પોલીસ સુધી પહોંચતા સગીર ગૂમ થવાના કિસ્સામાં તુરત જ એફઆઇઆર દાખલ કરવાનો નિયમ હોઇ પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ મોરવાડીયા અને સ્ટાફે તુરત જ ક્રિષ્નાના પિતા કારખાનેદાર મનોજભાઇ ગોરધનભાઇ રામાણીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે  અને બાળાના સગા સંબંધીઓએ પોતપોતાની રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરત, મુંબઇ સહિતના શહેરો સુધી દોડધામ શરૂ થઇ હતી. દરમિયાન ક્રિષ્ના અંધેરીમાં આવેલા એક ફિલ્મ સ્ટુડિયો ખાતે હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસ મથકના કર્મચારીઓ અને બાળાના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતાં અને તેણીને હેમખેમ પરત લાવ્યા હતાં.

કડવીબાઇ કન્યા વિરાણી સ્કૂલમાં ધોરણ-૧૧માં ભણતી અને એનસીસી કેડેટ એવી ક્રિષ્નાએ પોતે જ સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા કહ્યું હતું કે-મારું કોઇ અપહરણ કરી ગયું નહોતું, હું મારી જાતે જ મુંબઇ ગઇ હતી. મારે એ સાબિત કરવું છે કે સમાજમાં પરિવારમાં દિકરા જે કરી શકે એ કોઇપણ દિકરી પણ કરી શકે. પરંતુ દિકરી પોતાની રીતે પોતાના ગોલ સુધી પહોંચવા સક્ષમ હોવી જોઇએ. હું કરાટે ચેમ્પીયન છું, યોગા ચેમ્પીયન છું, કોઇ મારી સાથે ખોટુ કરી ન શકે, ખરાબ નજર કરે તો પણ હું તેની સામે લડી શકું તેમ છું. હું ૮મીએ ઘરેથી રૂ. ૫૦૦ લઇને નીકળી હતી. આધારકાર્ડ ન હોવાથી ટ્રેનમાં ટિકીટ ન મળે આથી બસમાં બેસી સુરત પહોંચી હતી. ત્યાં ગયા પછી પૈસા ખુટી ગયા હતાં. પાણીની બોટલ લેવી હતી પરંતુ માત્ર ૬ રૂપિયા જ બચ્યા હતાં. છેલ્લે મજબૂર થઇ મારે સોનાની બુટી વેંચવી પડી હતી.

એ પછી હું વાપી થઇ મુંબઇ જવા રવાના થઇ હતી. પણ ઉંઘ આવી જતાં માલેગાંવ પહોંચી ગઇ હતી. એ પછી બસ મારફત મુંબઇ જઇ અંધેરી સ્ટેશન સુધી ટ્રેનમાં ગઇ હતી. ત્યાંથી ચાલતા ચાલતાં પુછતા પુછતાં ફિલ્મ સ્ટુડિયો તરફ રવાના થઇ હતી. પણ સ્ટુડિયો ન મળતાં એક રિક્ષા ભાડે કરી હતી અને અંતે ત્યાં પહોંચી હતી. મેં વિનંતી કરતાં મને એન્ટ્રી અપાઇ હતી. પણ સંચાલકે હાલમાં શુટીંગ ચાલુ હોઇ એક મહિના પછી ઓડિશન હોવાનું કહ્યું હતુ. હું છેક રાજકોટથી આવી હોવાનું જાણી તેણે મને જમાડી હતી અને સમજાવી હતી. તેમજ ઓડિશન શરૂ થશે એ પછી બોલાવશે તેમ કહ્યું હતું. ત્યારબાદ મારા ઘરે ફોન કરતાં હું પરિવાર સુધી પહોંચી હતી.

ક્રિષ્નાએ એમ પણ કહ્યું હતું કે મને એકલી ભાળીને સુરત, મુંબઇમાં કેટલાકે નજર બગાડી હતી. પરંતુ હું કરાટે ચેમ્પિયન હોવાથી એવા શખ્સોને બરાબરનો પરચો મેં આપી દીધો હતો. હું કોઇને એમ નથી કહેતી કે તમે પણ આ રીતે પરિવારની જાણ બહાર નીકળી જજો. કારણ કે બધા મારા જેવા સક્ષમ ન પણ હોય, હું જે મુશિબતો સામે લડી શકુ તેની સામે ન પણ લડી શકતાં હોય. પણ એટલુ ચોક્કસ કહીશ કે દિકરા જે કરી શકે એ દિકરીઓ પણ કરી જ શકે. બસ આ વાત સાબિત કરવા હું નીકળી ગઇ હતી.

ક્રિષ્નાએ પોતાની બૂકમાં એક નોંધ પણ લખી છે. તેમાં લખ્યું છે કે-મારે ૧૦મું પુરૂ થાય પછી સાયન્સ જ લેવું છે, કારણ કે મને સાયન્સમાં જ રૂચી છે. કોઇ શું કહે છે તેનાથી કંઇ લેવા દેવા નથી. હું ગોલ સુધી તો પહોંચીને જ રહીશ, મારી સાથે હું છું ને!

ક્રિષ્ના બે બહેન એક ભાઇમાં બીજા નંબરે છે. તેના પિતા મનોજભાઇએ કહ્યું હતું કે મારી આ દિકરી સિંહણ જેવી છે. અમે તેને તેના લક્ષ્ય સુધી પહોંચવા તમામ સહકાર આપીશું. અમારી દિકરી માટે અમને ગોૈરવ છે. એ કોઇ ખોટો રસ્તો ન જ અપનાવે તેની અમને પુરેપુરી ખાત્રી છે. તેણે સાબિત કર્યુ છે કે તે તેના ધ્યેય સુધી પહોંચવા સક્ષમ છે.

અહિ પ્રસ્તુત તમામ વિગતો ક્રિષ્નાએ અને તેના પિતા મનોજભાઇ રામાણીએ  જ આપી હતી અને પ્રસિધ્ધ કરવા સંમતિ પણ આપી હતી.

(3:14 pm IST)