Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ખાસ સોફટવેરની મદદથી અકસ્માતો ઘટાડવા પોલીસ કમિશનર અગ્રવાલની આગેવાનીમાં પ્રક્રિયા શરૂ થઇ

૩૨માં રાષ્ટ્રીય રોડ સેફટી માસની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પ અને લોકજાગૃતિ અર્થે સેમિનાર : ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અંગે રોડ સેફટી મિટિંગ યોજાઈ

 રાજકોટ તા.૧૨:  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને આયોજિત રોડ સેફટી મિટિંગમા ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરાયો હતો.

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન માટે સિગ્નલ ટાઈમિંગ, નો પાર્કિંગ ઝોન સહીત વિવિધ સાઈન બોર્ડ, પાર્કિંગ ઝોન સ્થળો સહિતના મુદ્દે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને રાજકોટ શહેર અને હાઇવે પર અકસ્માત સંભવ ઝોન નક્કી કરી આ વિસ્તારમાં શકય તેટલા અકસ્માતો ઘટે તે માટે જરૂરી  સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર પટ્ટા, એલી.ઈ. ડી. લાઇટ સહીતના જરૂરી પગલાં લેવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ આર.એન્ડ.બી. વિભાગને સૂચિત કરાયા હતા.

અકસ્માતો અંગે ખાસ સોફટવેરની મદદથી અકસ્માતની પેટર્નના એનાલિસીસ દ્વારા અકસ્માતનો સમય, સ્થળ, પ્રકાર, ચાલકની ઉમર સહીતની માહિતીના આધારે અકસ્માત ઘટાડવા માટે  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની આગેવાનીમાં પ્રક્રિયા હાથ ધરાઇ છે.

     હાલ રોડ સેફટી માસ ચાલી રહ્યો હોઈ ટ્રાફીક પોલીસ, આર.ટી.ઓ, મહાનગરપાલિકા, શિક્ષણ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગો સંયુકત રીતે જોડાઈ રોડ સેફટી, ટ્રાફિક નિયમો, આરોગ્ય ચકાસણી સહિતના કાર્યક્રમો  હાથ ધરવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને  એસ.ટી. ના ડ્રાઈવર માટે હેલ્થ ચેકઅપ, સલામતી તેમજ નવા ટ્રાફિકના નિયમો અંગે માહિતી, આઇ.ઓ.સી. ડેપો ખાતે ભયજનક માલસામાનનું વહન કરતા ડ્રાઇવરોને સલામત ડ્રાયવિંગની તાલીમ, હેલ્થ ચેકઅપ,  લાઇસન્સ અંગે માર્ગદર્શન, પદ્મકુંવરબા હોસ્પિટલના સહયોગથી ડુંગળી માર્કેટ ગ્રાઉન્ડ, મોરબી રોડ  ખાતે આંખ તેમજ એન.સી.ડી.ચેકઅપ કેમ્પ,  બોલબાલા ટ્રસ્ટના સહયોગથી વર્કિંગ મહિલાઓને ટ્રાફિક જાગૃતિ સેમિનાર, ડ્રાયવિંગ સ્કૂલ એસોસિએશનના સભ્યો માટે પ્રશિક્ષણ અંગે સૂચન, લાઇસન્સ પ્રક્રિયા સહિતની બાબતો અંગે સેમિનારના આયોજનો કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટ સહીત વધુ અવાજ કરતા વાહનો વિરુદ્ઘ કામગીરી, સોશિયલ મીડિયાના માધ્યમથી અકસ્માત અને ટ્રાફિક અંગે જાગૃતિ અર્થે વિવિધ પોસ્ટ દ્વારા માર્ગદર્શન સહિતની અનેક કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકનોસેવી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા ડિજિટલ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી નિયમન સરળ બને તે માટે ડિજિટલ ઈ-મેમો, પોલીસ નિયમન માટે ઈ-ડેસ્ક બોર્ડ, અકસ્માત ઘટાડવા માટે ખાસ સોફટવેરની મદદથી એનાલિસિસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.              

       રોડ સેફટી મિટિંગમાં જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ટ્રાફિક બી. એ. ચાવડા, આર.ટી.ઓ અધિકારી શ્રી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:12 pm IST)