Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઘંટેશ્વર પાસે વર્ધમાનનગરમાં ૯ દિવસ રેઢા પડેલા નિવૃત ડેપ્યુટી એન્જિનિયરના બંગલોમાંથી ૧૭.૨૯ લાખની ચોરી

સોના ચાંદીના દાગીના સાથે ૧૦ દિ' પહેલા જ મકાન વેંચ્યું તેના આવેલા ૧૫,૨૫,૦૦૦ રોકડા પણ ગયા : ચોર બારીની ગ્રીલ તોડી અંદર ઘુસ્યોઃ ઉપર-નીચે બંને માળે કબાટો તોડી હાથફેરોઃ યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો : નરેન્દ્રકુમાર ગુપ્તા ૨ ફેબ્રુઆરીએ ઘર બંધ કરી મધ્યપ્રદેશ પુત્રને તેડવા ગયાઃ પરમ દિવસે પરત રાજકોટ આવ્યા ત્યારે ચોરી થયાની ખબર પડી : સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા શકમંદો અંગે તપાસ

જ્યાં ચોરી થઇ તે બંગલો, તોડી નાંખવામાં આવેલા કબાટો અને વેરવિખેર ચીજવસ્તુઓ (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે આવેલી વર્ધમાન નગર સોસાયટીમાં રહેતાં ઇજનેર કચેરીના નિવૃત ડેપ્યુટી એન્જિનિયરના નવ દિવસ બંધ અને રેઢા રહેલા બંગલોમાં બારીની ગ્રીલ તોડી અંદર ઘુસી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૧૫ લાખ ૨૫ હજાર મળી કુલ રૂ. ૧૯,૨૯,૦૦૦ની માલમત્તા ચોરી જતાં  ચકચાર જાગી છે. જે રોકડ ચોરાઇ ગઇ એ આ નિવૃત અધિકારીએ માધાપર ચોકડીએ મકાન વેંચ્યું હોઇ તેની હતી. ૧/૨ના રોજ આ રકમ ઘરમાં આવી હતી. બેંક બંધ હોઇ ઘરમાં જ રાખી મુકી હતી અને એ દરમિયાન નિવૃત અધિકારી મધ્યપ્રદેશ દિકરાને તેડવા જવા નીકળી ગયા હતાં ને તસ્કરોને મોટો દલ્લો મળી ગયો હતો.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે વર્ધમાન નગર બંગલો નં. ૪માં રહેતાં ઇજનેરી કચેરીના નિવૃત ડેપ્યુટી એન્જિનિયર નરેન્દ્રકુમાર સિતારામભાઇ ગુપ્તા (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

નરેન્દ્રકુમાર ગુપ્તાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ નિવૃત જીવન ગાળુ છું.  રાજકુમાર કોલેજ સામે આવેલી આર એન્ડ બી ઇજનેર કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નિવૃત થયો છું. મારા પત્નિનું નામ સરોજબેન છે. સંતાનમાં એક પુત્ર નિખીલ ગુપ્તા નોકરી માટે પરિક્ષાની તૈયારી કરે છે. દિકરી સાસરે છે. હું જુલાઇ ૨૦૧૮થી અહિ રહુ છું. ગત દિવાળીએ અમો પરિવારજનો મધ્યપ્રદેશ ખરગોન અમારા વતનમાં ગયા હતાં. એ પછી હું રાજકોટ આવ્યો હતો. દિકરો અને પત્નિ વતનમાં રોકાયા હતાં. ત્યારબાદ મારા પત્નિ મારી દિકરીના ઘરે આણંદ ગયા હતં. હું એકલો દિવાળી પછી રાજકોટના ઘરમાં રહેતો હતો.

મારા પત્નિના સોના ચાંદીના દાગીના કબાટમાં રાખ્યા હતાં. તેમજ અમારું માધાપરમાં આવેલુ મકાન વેંચ્યું હોઇ તેના રૂ. ૧૫,૨૫,૦૦૦ પણ તા. ૧/૨/૨૧ના રોજ આવ્યા હોઇ જેથી આ રકમ મેં ઘરના નીચેના બેડરૂમના કબાટમાં રાખી હતી. તા. ૧/૨ના રાતે મને મારા દિકરા નિખીલે ફોન કરી જાણ કરી હતી કે મારે વતનમાંથી રાજકોટ આવવું છે તો મને તેડી જાવ. ત્યારે મેં મારા દિકરાને કહેલું કે માધાપરનું

મકાન વેંચ્યું છે તેના રૂપિયા આવ્યા છે. જે કાલે બેંકમાં જમા થશે નહિ અને હું હાલ આ રૂપિયા કબાટમાં મુકી દઉ છું. પરત રાજકોટ આવીને આપણે રકમ બેંકમાં જમા કરાવી દઇશું.

આ રીતે પુત્ર સાથે વાત થયા બાદ હું ૨/૨ના જાર. ખરગોન મધ્યપ્રદેશ મારી કાર લઇને ગયો હતો. તા. ૨/૨ના સાંજે આણંદ મારી દિકરીના ઘરે પત્નિ રોકાયા હોઇ તેમને મળવા ગયો હતો. ત્યાં રાત્રી રોકાણ કરી તા. ૩ના સવારે વતનમાં જવા નીકળ્યો હતો અને સાંજે ત્યાં પહોંચ્યો હતો. એ પછી હું ત્યાં રોકાયો હોત. બાદમાં હું તથા પુત્ર અને તેમની પત્નિ આયુષીબેન તા. ૧૦/૨ના રોજ સવારે સાતેક વાગ્યે અમારી કાર લઇને રાજકોટ આવવા નીકળ્યા હતાં. સાંજે સાતેક વાગ્યે રાજકોટ પહોંચ્યા હતાં.

અહિ આવીને જોતાં મેઇન દરવાજાનું લોક ખુલેલુ હતું. અંદર જઇ લાઇટ ચાલુ કરતાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. બેડરૂમમાં કબાટના લોક તૂટેલા હતાં. કબાટમાં તપાસ કરતાં ૨૦ ગ્રામનું મંગલસુત્ર રૂ. ૬૦ હજાર, એક ગ્રામના છ દાણા રૂ. ૧૮ હજાર, ૯ ગ્રામની સોનાની વીટી રૂ. ૨૭ હજાર, ચાંદીનો ૫૦૦ ગ્રામનો કટકો રૂ. ૨૦ હજાર, ચાંદીના ઝાંઝરા ૮ નંગ રૂ. ૨૪ હજાર, ચાંદીના વિછીયા ૮ નંગ રૂ. ૪ હજાર, રોકડા રૂ. ૧૫,૨૭,૦૦૦ જોવા મળ્યા નહોતાં.

ઉપર દિકરાના બેડરૂમમાં જતાં ત્યાં પણ બધુ વેરવિખેર દેખાયું હતું. તેના કબાટમાંથી સોનાનું પેન્ડન્ટ રૂ. ૧૫ હજારનું, ચાંદીના વિછીયા રૂ. ૬ હજારના જોવા મળ્યા નહોતાં. તેમજ નીચેના રૂમમાં સાઇડમાં બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી હતી. આ ગ્રીલ તોડી ચોર અંદર ઘુસી ચોરી કરી ગયાનું જણાતાં અમે પોલીસને જાણ કરી હતી.

તા. ૨/૨ના સવારના ૯થી ૧૦/૨ના સાંજના સાત સુધી મારું ઘર બંધ હોઇ એ દરમિયાન આ ચોરી થઇ હતી. તેમ વધુમાં નરેન્દ્રકુમાર ગુપ્તાએ જણાવતાં પીઆઇ એ. એ.એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સોસાયટીમાં સીસીટીવી કેમેરા પોલીસે ચેક કર્યા છે. જેમાં અમુક શકમંદો આટાફેરા કરતાં દેખાયા હોઇ તે તરફ તપાસનો દોર લંબાવાયો છે. પોલીસે ડોગસ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખીને પણ તપાસ કરી હતી.

(3:03 pm IST)