Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોંગ્રેસ-આપના વચનોની હવા કાઢી નાખતા ઉદય કાનગડ

આ બંને પક્ષે ઢંઢેરામાં જાહેર કરેલી યોજનાઓ હાલ અમલમાં છે જ ! કોંગ્રેસ-આપ લોકોને છેતરે છેઃ કાનગડ

રાજકોટ તા. ૧ર : ભાજપના નેતા ઉદય કાનગડે કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના ઢંઢેરાની હવા કાઢી નાખી છે ઢંઢેરામાં આપેલા વચનો-યોજનાઓ હાલ અમલમાં જ છે.

ઉદયકાનગડે કોંગ્રેસના ઢંઢેરા અંગે યાદીમાં જણાવ્યું છે કે, મિલકત વેરામાં પ૦ ટકા ઘટાડાનું વચન છે, હાલ વેરામાંં રાહત છે જ. કોંગ્રેસ ગુજમાઇટ કાર્ડ આપશે. હાલ આયુષ્માન, વાત્સલ્યમાં અમૃતમ્ વગેરે કાર્ડની યોજના અમલમાં જ છે. કોંગ્રેસે ખાલી જગ્યામાં ભરતી કરવાનું વચન આપ્યું છે, હાલ મહાપાલિકામાં ભરતી પ્રક્રિયા ચાલુ જ છે. આ રીતે મફત શિક્ષણનું વચન આપ્યું. છે, રાજકોટ મહાપાલિકા મફત શિક્ષણ ઉપરાંત ગણવેશ અને સ્કુલ બેગ પણ આપે છે. કોંગ્રેસે ધો.૧ થી અંગ્રેજી માધ્યમની સ્કુલનું વચન આપ્યું છે, આ યોજના પાંચ વર્ષ પૂર્વથી ચાલે છે.

કોંગ્રેસે ફી પાર્કિંગ, ફી વાઇફાઇ ઝોનના વચનો આપ્યા છે રાજકોટમાં મોટાભાગના માર્ગો પર પાર્કિંગ ફ્રી છેઅને ૧૩ સ્થળે ફ્રી વાઇફાઇ ચાલુ છે. તથા કોંગ્રેસે સફાઇ કામદારો તથા વર્ગ ૩-૪ની ભરતીના વચનો આપ્યા છે. તે સામે શ્રી કાનગડ કહે છે કે, વારસદારોને રહેમરાહે નોકરી આપી છે અને ભરતી પ્રક્રિયા ચાલુ જ છે.

કોંગ્રેસે પાણી પ્રશ્ન ઉકેલવા ઢંઢેરામાં જણાવ્યું છે શ્રી કાનગડ કહે છે કે મૂખ્યમંત્રીએ રાજકોટના પાણી પ્રશ્ને ભુતકાળ બનાવી દીધો છે કોંગ્રેસે ર૦૩૦ સુધીનો વિકાસ નકશો બનાવવા વચન આપ્યુંછે જયારે ભાજપે ર૦૩૧ સુધીનો નકશો બનાવીને અમલમાં મૂકી દીધો છે. કોંગ્રેસે વધારે પાણી આપવાનું વચન આપ્યુંછે, આ સામે શ્રી કાનગડ કહે છે કે, ર૪ કલાક પાણી વિતરણનો પ્રોજેકટ તૈયાર છે.

આ રીતે ઉદય કાનગડે આપના ઢંઢેરાની હવા પણ કાઢી નાખી છે આપના ઢંઢેરામાં શાળાના નવીનીકરણનું વચન છે, આ પ્રક્રિયા પાંચ વર્ષથી ચાલી જ રહી છે.દરેક વોડમાં સ્કુલનૂં વચન આપ્યું, આ સામે રાજકોટમાં ૧૧ર થી વધારે સ્કુલો કાર્યરત છે. આપે મહોલ્લા કિલનીકનું વચન આપ્યું છે, વિનામુલ્યે લેબોરેટરીનૂં વચન આપ્યુંછે આ સામે કાનગડ કહે છે.  કે, વર્ષોથી મોબાઇલ કિલનીક ચાલુ છે આરોગ્ય કેન્દ્રમાં પણ સૂવિધાઓ છે જ.

આપે ઘરવેરો ઘટાડવા, પાણી વેરો નાબુદ કરવા વચન આપ્યું છે કાનગડ કહે છે કે, વેરા વગર સુવિધા કેમ મળશે ? પાણી વેરો પ્રતિદિન માત્ર રૂ. ર.૩૦ પૈસાજ છે આપે વ્યવસાય વેરો નાબૂદ કરવા વચન આપ્યું છે કાનગડ કહે છે કે, મહાપાલિકાને આવો અધિકાર હોતો નથી.

આપ કહે છે કે, મહાપાલીકા સંચાલિત હોસ્પિટલ બનાવીશું રાજકોટને વડાપ્રધાને  એઇમ્સની ભેટ આપી જ છે આપ કહે છે કે, તમામ વેરાની સમીક્ષા કરીશું ભાજપ શાસીત રાજકોટ મનપામાં પ્રતિવર્ષ સમક્ષા થાય જ છે અને વ્યાજ માફી પણ આપવામાં આવે છેે સીટી બસમાં ફ્રી મુસાફરીનું વચન આપે  આપ્યુંછે, હાલ સસ્તા દરની બસ સુવિધા ચાલુ જ છે.

આમ આદમી    પાર્ટીએ પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેનો જડબાતોડ જવાબ આપતા પૂર્વ સ્ટેન્ડીંગ  કમીટી ચેરમેન ઉદય કાનગડે એવો અણીયાળો સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસે શપથ પત્ર નામથી  ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે ત્યારે આ શપથ પત્રમાં કોની સહી છે. ભૂતકાળમાં કોંગ્રેસે કયાં  શપથનું પાલન કર્યું છે તો ચુંટણી ઢંઢેરામાં આપેલા શપથનું પાલન કરશે ? આ ઉપરાંત આમ  આદમી પાર્ટીએ ગેરેંટી કાર્ડ નામથી ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે પરંતુ આમ આદમી પાર્ટીના  ઉમેદવારોને કે પાર્ટીને રાજકોટની જનતા સ્વીકારશે કે નહિ તેની કોઈ ગેરંટી છે? રાજકોટ  શહેરને ૧૯૭૩માં મહાનગરનો દરજ્જો મળ્યાથી હાલ ૨૦૨૧ સુધીના ૪૮ વર્ષે ના  સમયગાળામાં ફકત એકજ વખત જનતાએ કોંગ્રેસને શાસન આપવાની ભૂલ કરી હતી ત્યારબાદ  કયારેય તે ભૂલને દોહરાવી નથી. રાજકોટની જનતા શાણી અને સમજુ છે તે કયારેય ભાજપ  સિવાય અન્ય કોઈને મત આપે નહિ ગમે તેવા વચનોની લહાણી થાય તો પણ રાજકોટ  વાસીઓ છેતરાઈ તેમ નથી. રાજકોટની જનતાએ કયારેય કોઈ ત્રીજા રાજકીય પક્ષ કે અપક્ષને  સ્વીકાર્યા નથી કારણકે શહેરી જનો સુપેરે જાણે છે કે સુશાસનતો ભાજપ જ આપી શકે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટને મોઢે માગ્યું આપ્યું  છે અને નથી માંગ્યું તે પણ સામેથી આપ્યું છે. પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યું  હતું કે કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં જે ૧૬ મુદ્દાઓનો સમાવેશ કરાયો છે તે તમામ સુવિધા તો  મહાપાલિકાના ભાજપના શાસકો વર્ષોથી આપે જ છે. વગર કહ્યો અને વગર માગ્યે જે સુવિધાઓ  ભાજપ આપે છે. મહાપાલિકા, રાજય સરકાર અને કેન્દ્ર સરકાર આપે જ છે તે સુવિધાઓ  આપવાની કાઙ્ખંગ્રેસ વાત કરે છે, તેમાં નવું છે શું? રાજકોટ વાસીઓ તો કોંગ્રેસને વિપક્ષ તરીકે  પણ નિષ્ફળ ગણે છે, તો શાસનની વાત જોજન દુર છે. કોંગ્રેસના ચુંટણી ઢંઢેરાની જાહેરાત  વેળાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ગઈકાલે એવું કહ્યું હતું કે અમે  ભાજપની જેમ ખોટા વાયદા કે વચન આપશું નહિ! પરંતુ હકીકત એ છે કે ભાજપ જે સુવિધા  વર્ષોથી આપે છે તે સુવિધા આપવાના વચન કોંગ્રેસ ચુંટણી ઢંઢેરા માં આપે છે તો ખરેખર ખોટું  કોણ ? તે શહેરીજનો સુપેરે સમજે છે. ખોટું બોલવું, વારંવાર બોલવું અને જોરશોરથી બોલવું તે  કોંગ્રેસની ગળથુંથીમાં છે. જયારે ગઈકાલે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ  ધાનાણી એવું બોલ્યા હતા કે ભાજપના શાસકો સમસ્યાનું સમાધાન કરવામાં નિષ્ફળ ગયા છે.  તેમને જવાબ આપતા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે ભાજપ જુઠું  બોલવામાં નિષ્ફળ જાય છે. રાજકોટ ની એક પણ એવી સમસ્યા નથી જે ભાજપના શાસકોએ  ઉકેલી ન હોઈ, પરંતુ કરેલા કામનો પ્રચાર કરવાના બદલે નવા વિકાસ કામોમાં વ્યસ્ત થઈ  જવું તે ભાજપના સંસ્કાર છે. જયારે આમ આદમી પાર્ટીને આડે હાથે લેતા ઉદય કાનગડે  જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજકોટ માં ટકશે તેની કોઈ ગેરંટી છે? આમ આદમી પાર્ટીનું  આયુષ્ય કેટલું છે તે ચુંટણીના પરિણામો સાથે જ ખબર પડી જશે.  

ઉદય કાનગડે અંતમાં જણાવ્યું હતું કે વિકાસનુ વિઝન ફકત ભાજપ પાસે છે. સારું    શાસન અને શિષ્ટાચાર યુકત વહીવટ ફકત ભાજપ આપી શકે. હવે જનતાજ નકકી કરે કે સાચુ કોણ, સારું કોણ, અને ખરેખર જનતાનું કોણ ?

(3:03 pm IST)