Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મ.ન.પા. દ્વારા દર અઠવાડિયે 'સ્વચ્છતા રવિવાર' : એપ્રીલ સુધી 'ઇવેન્ટ પે ઇવેન્ટ'

લોકોને સ્વચ્છતા ઝુંબેશમાં જોડીને 'હમ હૈ તૈયાર, મેં ભી હું સ્વચ્છતા સુપર સ્ટાર, યહ તો બડા ઇઝી હૈ' જેવા કાર્યક્રમો યોજાશેઃ અધિકારીઓને જવાબદારીઓ સુપ્રત

રાજકોટ તા. ૧૨ : શહેરને સ્વચ્છ બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે-ત્રણ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે. દર વર્ષે દેશના સ્વચ્છ શહેરોને ક્રમાંક આપવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦માં રાજકોટનો દેશમાં ૬ઠ્ઠો નંબર આવ્યો હતો. આવનાર દિવસોમાં કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ સમગ્ર દેશના શહેરોની સાથે રાજકોટમાં પુનઃ સ્વચ્છતાના નામે ઇવેન્ટ પે ઇવેન્ટ ઉજવાશે. ફેબ્રુઆરીથી એપ્રિલ-૨૦૨૧ સુધી લોકોને સ્વચ્છતા ઝુંબેશમાં જોડીને 'હમ હૈ તૈયાર, મેં ભી હું સ્વચ્છતા સુપર સ્ટાર, યહ તો બડા ઇઝી હૈ' જેવા કાર્યક્રમો દર રવિવારે યોજાશે. આ કાર્યક્રમો માટે મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ રવિવારે સ્વચ્છતા જાગૃતિનો એક નાનો કાર્યક્રમ પણ યોજાશે.

રાજકોટીઓને સ્વચ્છતા મળે કે ના મળે પણ તેને લગતી 'ઇવેન્ટ પે ઇવેન્ટ' જરૂર મળશે તેવો વિચિત્ર ઘાટ ઘડાયો છે.  કેન્દ્ર સરકારના કાગળ પર અમદાવાદ સાફસૂથરૃં છે, કેમકે કેન્દ્રના સ્વચ્છ સર્વેક્ષણ - ૨૦૨૦માં રાજકોટનો દેશમાં છઠ્ઠો નંબર આવ્યો હતો.

આવા સ્વચ્છ સર્વેક્ષણમાં મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગંદકી હટાવવાને મહત્વ આપવાના બદલે સ્વચ્છ વોર્ડ જેવી 'ઇવેન્ટ' પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

હવે કેન્દ્રના હાઉસીંગ અને અર્બન અફેર્સ મંત્રાલયના સ્વચ્છ ભારત મિશનના એડિશનલ મિશન ડિરેકટરના તાજેતરના પરિપત્ર મુજબ સમગ્ર દેશના શહેરોની સાથે રાજકોટમાં પુનઃ સ્વચ્છતાના નામે 'ઇવેન્ટ પે ઇવેન્ટ' ઉજવાશે. ફેબ્રુઆરીથી એપ્રિલ-૨૦૨૧ સુધી 'સ્વચ્છતા સંકલ્પ દેશ કા, હર રવિવાર વિશેષ સા'ના વિષય હેઠળ રાજકોટ સ્વચ્છ બનાવવાનું આયોજન હાથ ધરાશે.

આ તમામ મહિનાના પ્રત્યેક રવિવારે 'સ્વચ્છતાલક્ષી મેગા ઇવેન્ટ' ઉજવાશે. જુદા જુદા રવિવારે મૈં ભી સ્વચ્છતા સુપર સ્ટાર, હમ હૈ તૈયાર, યહ તો બડા ઇઝી હૈ જેવા વિવિધ વિષય પરની ઇવેન્ટ થશે.

(3:02 pm IST)