Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

હરદેવસિંહ જુથ સાથે સમાધાન નિષ્ફળઃ 'પાણ' તરફી વહેણમાં ઢાંકેચાનો દાવો તણાયો

સરધાર, ત્રંબા પંથકમાં ભાજપના બે જુથો વચ્ચે ખરાખરીનો ખેલ

રાજકોટ, તા., ૧૨: જીલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોના મામલે જીલ્લા ભાજપના બે જુથો સામસામે આવી ગયા છે. સૌથી વધુ વિવાદ રાજકોટ તાલુકા પંચાયતની સરધાર બેઠક માટે થયેલ. જયાં જીલ્લા ભાજપે નીતીન ઢાંકેચાની માંગણી અમાન્ય રાખી ફરી ચેતન પાણને ટીકીટ આપી છે. હરદેવસિંહ જાડેજા જુથ સાથે સમાધાન ન થઇ શકતા તાલુકામાં ભાજપના બન્ને જુથો કમળને જીતાડવાના સતાવાર રટણ સાથે સામસામે આવી ગયા છે. બન્ને જુથો વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલે છે. સરધાર બેઠકમાં બે ટર્મથી ચૂંટાતા ચેતન પાણ સામે નીતીન ઢાંકેચાએ વ્યુહરચનાના ભાગરૂપે ટીકીટ માંગેલ. ગઇકાલે મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. તાલુકાની અન્ય બેઠકો માટે બાંધછોડની બન્ને જુથની તૈયારી હતી. બેય જુથ પોતાની માંગણીમાં અડગ રહેલ. જીલ્લા ભાજપે ઢાંકેચા વિરોધી જુથની ઇચ્છા મુજબ ચેતન પાણને ટીકીટ ફાળવી છે. જીલ્લા પંચાયત બેઠક પર નિલેષ વિરાણી મેદાને છે. કોંગીના બદલે બન્ને જુથો અંદરોઅંદર લડતા રાજકીય માહોલ વધુ બગડી શકે છે.

(1:22 pm IST)