Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજકોટમાં ૮૦૦ થી ૧૦૦૦ બાંધકામની સાઈટો એકસાથે બંધ

સિમેન્ટ અને સ્ટીલના ભાવવધારા સામે બિલ્ડરોનો જબરો વિરોધ : સાઈટો ઉપર બંધના બેનરો પણ લાગ્યા : સિમેન્ટ અને સ્ટીલની કંપનીઓ શોર્ટ સપ્લાયના નામે કૃત્રિમ રીતે ઝીંકી દઈ બિલ્ડરોને બાનમાં લેવાની પદ્ધતિ ખોટી : નફાખોરી કામગીરી ઉપર નિયંત્રણ લાદવુ જરૂરી, રેગ્યુલેટરીની રચના કરવી આવશ્યક

રાજકોટ, તા. ૧૨ : સિમેન્ટ અને સ્ટીલના ભાવવધારાના વિરોધમાં રાજકોટ સહિત ગુજરાતભરમાં બિલ્ડરોએ આજે હડતાલ પાડી છે. રાજકોટમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલી સાઈટોનું કામકાજ બંધ છે.

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના પરેશ ગજેરા, ભરત પટેલ, દિલીપભાઈ લાઠાણી, અમિત રાજા, અમિતભાઈ ત્રાંબડીયા, રાજદીપસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ભારત વિકસિત દેશોની હરોળમાં આવતુ હોઇ ઇન્ફ્રાસ્ટ્રકચર અને આવાસ નિર્માણ કાર્યો માટે મહતમ સીમેન્ટ અને સ્ટીલની જરૂરીયાત પડી રહેલ છે. કેમ કે દેશમાં તેના કુલ ઉત્પાદન પૈકી આવાસ નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં આશરે ૮૦ ટકા સીમેન્ટ અને સ્ટીલનો વપરાશ થાય છે. ત્યારે સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા અવારનવાર આ રીતે કાર્ટેલ કે શોર્ટ સપ્લાયના નામે કૃત્રિમ રીતે ભાવવધારો કરી સમગ્ર ઇન્ડસ્ટ્રીને બાનમાં લેવાની જે પધ્ધતિ અખત્યાર કરેલ છે. તે તદન ખોટી છે અને આ બાબતે અગાઉ પણ સીમેન્ટ કંપનીઓને મોટી રકમનો દંડ થયેલ છે. જેથી કંપનીઓની આવી ખોટી નફાખોરીની કામગીરી ઉપર નિયંત્રણ લાવવાની તાતી જરૂરિયાત છે અન્યથા વિકાસને ગંભીર  અસરો થશે. અને આવાસ ખરીદનારને સરવાળે ૧૦ થી ૧૫ ટકા મકાનો મોંઘા પડશે. તેમાં કોઇ બે મત નથી આ પ્રકારે કંપનીઓ દ્વારા અખત્યાર કરવામાં આવતી કાર્ય શૈલી કોઇ પણ રીતે ઉચિત નથી. બાંધકામ ઉદ્યોગમાં વપરાતી સીમેન્ટમાં થયેલ ભાવ વધારાની અસર ફકત બાંધકામ વ્યવસાયકારો ઉપર નથી પડતી પરંતુ સરકારશ્રીના પ્રોજેકટો ઉપર પણ ગંભીર અસર થાય છે. તેથી સરકારશ્રીને પણ તેના પ્રમાણમાં આવા કૃત્રિમ ભાવ વધારાની અસર થાય છે.

આથી શેરબજાર માટે સેબી, ટેલીકોમ માટે ટ્રાય, વીમા કંપનીઓ માટે આઇઆરડીએઆઇ, રીયો એસ્ટેટ માટે રેરા ઓથોરીટીની રચના કરવામાં આવી છે. તેવી જ રીતે સીમેન્ટ ઉદ્યોગને નિયંત્રિત કરવા માટે સીમેન્ટ અને સ્ટીલ માટે રેગ્યુલેટરીની રચના કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

વધુમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા અકારણે જે કૃત્રિમ ભાવ વધારો કરવામાં આવેલ છે તે તાત્કાલીક અસરથી પાછો ખેંચે અને ઉભી કરેલ શોર્ટ સપ્લાય તાકીદે દુર કરવામાં આવે તે માટે  સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓની કાર્યશૈલીના વિરોધમાં આજે સજ્જડ હડતાલ પાડી કામગીરી બંધ કરી દેવાયાનું જણાવાયુ હતું.

(1:22 pm IST)