Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કેમીસ્ટ એસો. રાજકોટ દ્વારા કાલે ફાર્માસીસ્ટ રજીસ્ટ્રેશન - માર્ગદર્શન કેમ્પ

સમગ્ર સૌરાષ્ટ્રના ફાર્માસીસ્ટસ લાભ લઇ શકશે : અમદાવાદનો ધક્કો બચી જશે

રાજકોટ તા. ૧૨ : કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ફાર્માસીસ્ટ તથા ફાર્મસી રીન્યુઅલનું કામ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે. દવાના વેપારીઓ તથા ફાર્માસીસ્ટસને નવું રજીસ્ટ્રેશન, રીન્યુઅલ, રી-એન્ટ્રી, ગુડ સ્ટેન્ડીંગ સર્ટીફીકેટ, સરનામામાં ફેરફાર, નામમાં ફેરફાર, ડુપ્લીકેટ સર્ટીફીકેટ, ડુપ્લીકેટ રીન્યુઅલ રસીદ, ડીગ્રી એડીસન વિગેરેને લગતા કામો માટે સામાન્ય રીતે અમદાવાદ ખાતે આવેલ ફાર્મસી કાઉન્સિલની ઓફિસે જવું પડતું હોય છે.

પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા ફાર્મસી કાઉન્સિલના સહયોગથી દર વર્ષે ફાર્માસીસ્ટ રજીસ્ટ્રેશન અને માર્ગદર્શન કેમ્પ રાજકોટ ખાતે જ રાખવામાં આવે છે કે, જેમાં ઉપરોકત તમામ પ્રોસીજર્સને લગતા કાર્યો થાય છે. આવતીકાલ તા. ૧૩-૨-૨૦૨૧ શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી આલાપ 'એ' બિલ્ડીંગ, લીમડા ચોક રાજકોટ ખાતે આવેલ કેમીસ્ટ એસોસીએશન રાજકોટની ઓફિસે ફાર્માસીસ્ટ રજીસ્ટ્રેશન અને માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવેલ હોવાનું કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા, મંત્રી અનિમેષભાઇ દેસાઇ તથા કારોબારી સભ્ય અને ફાર્મસી કાઉન્સિલના સભ્ય મહેશભાઇ વેકરીયા (મો.નં. ૯૮૨૫૨ ૨૩૪૩૨) એ જણાવ્યું છે. લાભ લેવા આવનારે છેલ્લા રીન્યુઅલની ઝેરોક્ષ, રીફ્રેશર કોર્ષ કર્યાના સર્ટીફીકેટની ઝેરોક્ષ, આધાર કાર્ડની ઝેરોક્ષ, ફોટો તથા ફોર્મ જી (G) ભરીને લઇ આવવાનું યાદીમાં જણાવ્યું છે. વધુ માહિતી માટે મહેશભાઇ વેકરીયાનો સંપર્ક કરી શકાય છે.

(11:54 am IST)