Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પડધરીના રંગપરની સુમિત્રા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં પ્રસુતિ બાદ પુત્રને છોડી ભાગી ગઇ

૧ ફેબ્રુઆરીએ દિકરાને જન્મ આપ્યો હતોઃ તેના પતિ તરીકે નામ લખાવનાર ભુપતના બંને ફોન નંબર ખોટા-બંધઃ પડધરી પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૨: શહેરની સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં  તા. ૧/૨ના રોજ બાળક (પુત્ર)ને જન્મ આપ્યાના ૧૧ દિવસ બાદ આ બાળકની માતા અને તેના પિતા તરીકે નામ લખાવનાર એમ બંને બાળકને રેઢો મુકી ભાગી જતાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં એક સગર્ભા પ્રસુતિ માટે દાખલ થઇ હતી. ત્યારે પોતાનું નામ સુમિત્રા અને પતિનું નામ ભુપત પસાયા (ઉ.વ.૨૮) લખાવ્યું હતું. તેમજ પોતે પડધરીના રંગપરમાં હિતેષભાઇની વાડીમાં રહેતાં હોવાનું એડ્રેસ લખાવ્યું હતું. એ પછી સુમિત્રાએ તા. ૧/૨/૨૧ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.

અગિયાર દિવસ બાદ એટલે કે ગઇકાલે માતા સુમિત્રા પોતાના નવજાત પુત્રને રેઢો મુકી ઝનાના વોર્ડમાંથી ગાયબ થઇ ગઇ હતી. તેના પતિ તરીકે નામ લખાવનાર ભુપતે બે ફોન નંબર લખાવ્યા હતાં. આ ફોન નંબર પણ ખોટા હોય તેમ તેના પર સંપર્ક થતો નથી. આ અંગે ઝનાના વિભાગના તબિબે હોસ્પિટલ પોલીસ ચોકીને જાણ કરી રીટ્રોગેટ એમએલસી કેસ જાહેર કરાવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પડધરી પોલીસને જાણ કરી છે.

પડધરી પોલીસ રંગપર જઇ હિતેષભાઇ નામની વ્યકિત કોણ છે? તેની વાડી કયાં છે? ત્યાં સુમિત્રા કે ભૂપત નામના મજૂરો રહેતા હતાં કે કેમ? તે સહિતની તપાસ કરશે. હાલ બાળક રાજકોટ ઝનાના હોસ્પિટલમાં છે. આ બનાવથી બીજી પ્રસુતાઓ અને તેમના સગા તથા વોર્ડના સ્ટાફમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:51 am IST)