Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કાલે રાજકોટ રાષ્ટ્રવાદનો જોરદાર પરચો આપશે

સીએએનો અમલ એ કોઇની નાગરીકતા છીનવવાની નહિ પણ શરણાર્થીઓને નાગરીકતા આપવાની વાત છે : સીએએની મુળ કલ્પના તો મહાત્મા ગાંધીજીની હતી, કોઇપણ ધર્મ કે જ્ઞાતિની વિરૂધ્ધમાં નથીઃ સીએએએ ભારતના મુળભુત વિચાર, માનવતાનો વિચાર અને આપણા લોકોને ન્યાય આપવાના વિચાર સાથે સુસંગત છે

આવો, સીએએ સમર્થનની તિરંગા યાત્રામાં જોડાઇને રાષ્ટ્રીય એકતાનો પરિચય આપીએ શરુઆતથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું આ શહેર કાલે રાષ્ટ્રવાદનો જોરદાર પરચો આપવાનું છે. સિટિઝન એમેડમેન્ટ એકટ-સીએએના સમર્થનમાં આવતીકાલે વિશાળ રેલી અહીં યોજાવાની છે. રાજકોટના માર્ગો પર તિરંગો ધ્વજ અને એના માટેની ભારોભાર લાગણી છવાઇ જવાની છે. આ રાજકોટે હંમેશા જાતિવાદી,ધર્માંધ તત્વોને જાકારો આપ્યો છે. સીએએ પણ દેશના પુનનિર્માણનું એક નક્કર અને મક્કમ પગલું છે. દેશના  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહપ્રધાન અમિતભાઇએ શાહે વિશાળ જનહિતને ધ્યાને રાખી, પાડોશી દેશોમાં પરેશાન થતા લદ્યુમતિઓના ભલાં માટે જે કામ કર્યું છે તેને દેશ ભરમાંથી સમર્થન છે જ. મુઠ્ઠીભર સ્વાર્થી નેતાઓને બાદ કરતાં કોઇ એની વિરુધ્ધ નથી. ત્યારે આવતીકાલે રાજકોટ પણ આ જંગી રેલી દ્વારા દુનિયા અને દેશને બતાવી દેશે કે સીએએ ને સામાન્ય લોકોનું કેટલું અને કેવડું સમર્થન છે.

સીએએ મૂળ કલ્પના તો મહાત્મા ગાંધીજીની હતી. આઝાદી વખતે દેશના ભાગલા પડ્યા ત્યારે એમની ઇચ્છા હતી કે જે લોકો પાકિસ્તાનમાં છે એ લોકો અહીં આવીને વસવા ઇચ્છે તો વસી શકે. સરદાર વલ્લભભાઇ પટેલે પણ આ દિશામાં જ કામ કર્યું હતું. અને તાજેતરમાં નરેન્દ્રભાઇ મોદીએ લોકસભામાં ઐતિહાસિક તથ્યો સાથે રજૂઆત કરી હતી કે જવાહરલાલ નહેરુએ પણ આ અંગે પત્રવ્યવહાર અને કામ કર્યું હતું. સીએએ જરા પણ કોઇ ધર્મ કે જાતિની વિરુધ્ધમાં નથી. અહીં કોઇની નાગરિકતા છીનવવાની વાત નથી. ઉલટું નાગરિકતા આપવાની વાત છે. ભાજપની સરકારે આ કાયદો પસાર કર્યો એનાથી કેટલાક પક્ષોના પેટમાં તેલ રેડાયું છે.

જેનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે એવી કોંગ્રેસ સત્ત્।ા વગર હવાતિયાં મારે છે એટલે એ દેશહિત જોઇ નથી શકતી. એ ઉપરાંત જે લોકો માટે માત્ર મત અને સત્ત્।ા જ અગત્યના છે એવા લોકો આ સીએએ માટે લોકોમાં, લદ્યુમતિઓમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે. પરંતુ પ્રજા પણ બધું જાણે છે. આ ગેરસમજ ન ફેલાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એ માટે આ રેલી કાઢવામાં આવી રહી છે. આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી આ રેલીને ફ્લેગ ઓફ કરાવશે. રાજકોટના લોકોને એમાં મોટી સંખ્યામાં જોડાવા નિમંત્રણ અને અનુરોધ કરાયો છે.

જેના સમર્થનમાં આ રેલી નીકળી રહી છે એ સીએએ આખરે છે શું એ પણ સમજવું જોઇએ.

 હિન્દુ, શિખ, બુદ્ઘ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મ અનુસરતા લોકો કે જેઓ પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અથવા બાંગ્લાદેશના હોય, અને જેઓ ભારતમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે અથવા એથી પહેલા આવ્યા હોય, તેમને આ કાયદા મુજબ ગેરકાયદે વસવાટ કરનાર નહીં ગણાય. પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અથવા બાંગ્લાદેશના ધાર્મિક લદ્યુમતિ નાગરીકો પર તેમના દેશમાં અત્યાચાર થઈ રહ્યાં છે અને એ વાત કોઈનાથી છુપી નથી. પાકિસ્તાનમાં કઈ રીતે હિંદુ અને શિખ દીકરીઓને ઉઠાવી જઈ, બળજબરીથી લગ્નો કરાવી ધર્મ પરીવર્તન કરાવાય છે એ જગજાહેર છે. આઝાદીના સમયથી આજ સુધી હિંદુઓની સંખ્યા કેટલી દ્યટી એના આંકડા પણ ગૂગલ પર એક કિલકે મળી રહેશે. એટલે ધાર્મિક રીતે એ દેશના લદ્યુમતિ લોકોને ભારતમાં કાયમી વસવાટ કરવાની ઉપરોકત શરતોને આધીન પરવાનગી આ કાયદો આપે છે.

એક સવાલ એ થાય કે મુસ્લિમોને કેમ આ કાયદામાંથી બાકાત રખાયા છે? એમની સાથે પણ અત્યાચારો થાય છે.

 આ માટે ઇતિહાસ જોવો જરૂરી છે. ભારતનું વિભાજન ૧૯૪૭માં થયું ત્યારે ભારતના લોકોને તેમની પસંદગીનો ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી જયારે પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર બન્યું કારણ કે એને બનાવવા પાછળનું કારણ જ ઇસ્લામિક રાષ્ટ્ર બનવાનું હતું. શિયા અને અહમદીયા મુસ્લિમોએ પણ પાકિસ્તાનના નિર્માણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. તો પછી શિયા અને અહમદીયા લોકો કઈ રીતે ધાર્મિક રીતે પ્રતાડિત લદ્યુમતી થાય? અને મૂળભૂત રીતે જોઈએ તો મુસ્લિમ રાષ્ટ્રોમાં મુસ્લિમ લદ્યુમતી કઈ રીતે હોઈ શકે? એ સિવાયના ધર્મના લોકો જેમને સતત ધાર્મિક માન્યતાઓને લીધે છેલ્લા ૭૦થી વધુ વર્ષોથી હેરાન કરવામાં આવે છે એ લોકો ભારત પાસેથી મદદની અપેક્ષા રાખી શકે. જો ભાગલા સમયે શિયા અને અહમદીયા મુસ્લિમોએ પાકિસ્તાનના સમર્થનમાં મુસ્લિમ લીગને વોટ ન આપ્યા હોત તો કદાચ પાકિસ્તાનનું સર્જન જ ન થયું હોત. શ્રીલંકા અને ફિજીના તમિલ હિંદુઓ માટે પણ એ જ કહી શકાય, એમને પણ ધાર્મિક આધાર પર પ્રતાડિત હોવાને લીધે નાગરિકતા નહીં મળે કારણ કે શ્રીલંકા કે ફિજી ભારતનો ભાગ નહોતા. જો આ તમિલ હિંદુઓને સ્વીકારાયા હોત તો ચોક્કસ આ બિલ એકપક્ષીય અને સંવિધાનની મૂળ વિભાવનાના વિરોધમાં હોત. વળી પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અને બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતીવાળા દેશો છે કે જેમણે તાજેતરના દાયકાઓમાં ઇસ્લામને સત્ત્।ાવાર રાજય ધર્મ જાહેર કરવા તેમના બંધારણમાં ફેરફાર કર્યા છે. તેથી, ભારત સરકારના મતે આ ઇસ્લામી દેશોના મુસ્લિમો ''ધાર્મિક દમનનો સામનો કરે તેવી સંભાવના'' નથી, કારણ કે એ ઇસ્લામી દેશ છે, શિયા, સુન્ની કે અહમદીયા દેશો નથી. આ કારણે મુસ્લિમ બહુમતીવાળા આ દેશોમાં મુસ્લિમ લદ્યુમતીનો પ્રશ્ન ઉદભવતો નથી.

હવે આનો સાદો અર્થ એમ થાય કે આ સિટિઝનશિપ અમેન્ડમેન્ટ કાયદો બંધારણની ૧૪મી કલમનું ઉલ્લંદ્યન કરશે નહીં કારણ કે તે વિવિધ ભૌગોલિક પ્રદેશો વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. આવા કાયદાઓ માન્ય છે અને બંધારણીય રીતે યોગ્ય છે ત્યારે જયારે આવા તફાવત માટે ઐતિહાસિક કારણો હોય અને સાથે સાથે ભેદનું જે ઐતિહાસિક કારણ છે અને જે બાબતે ભેદ કરવામાં આવે છે તે બંને વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ હોય. તેથી ભૌગોલિક ધોરણ એ ન્યાયપૂર્ણ તફાવત છે અને આવા તફાવતનું ઐતિહાસિક ઉચિત કારણ છે.

 આ વ્યકિતઓનો વર્ગ છે હિંદુ, શિખ, બુદ્ઘ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મ અનુસરતા લોકો કે જેઓ પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અથવા બાંગ્લાદેશના હોય, ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલા ભારત આવ્યા હોય, ધર્મના નામે આ ત્રણ દેશોમાં પ્રતાડિત હોય, ધર્મવિશેષને રાજયધર્મ તરીકે સ્વીકારેલા દેશ હોય જેમની સરહદ ભારતને સ્પર્શતી હોય. એટલે આ વર્ગની ચોક્કસ વ્યાખ્યા છે અને મુદ્દો છે એમને નાગરિકતા આપવાનો..

 ભારતના ભાગલા અને આપણા દેશના દરવાજા ખુલ્લા રાખવાના વચનને લીધે એ દેશના લદ્યુમતી લોકો અન્યાયનો ભોગ બને છે. આમ CAA એ ભારતના મૂળભૂત વિચાર, માનવતાનો વિચાર અને આપણા લોકોને ન્યાય આપવાના વિચાર સાથે સુસંગત છે.

 તો ધારો કે પાકિસ્તાનના મુસ્લિમ વ્યકિતને ભારતની નાગરિકતા જોઈતી હોય તો નહીં મળે? આ ત્રણેય દેશના મુસ્લિમોને પણ ભારતની નાગરિકતા માટે આવેદન કરવાનો હક છે, સિટિઝનશિપ અમેન્ડમેન્ટ કાયદાનો અર્થ એવો જરાય નથી કે મુસ્લિમ વ્યકિતને નાગરિકતા નહીં અપાય. તેઓ ૧૯૫૫ના નાગરિકતા કાયદા અંતર્ગત ભારતની નાગરિકતા મેળવી જ શકે છે.

ભારતના નાગરિક મુસ્લિમોને આ કાયદાથી શું તકલીફ થશે? નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન સાથે સી.એ.એ.ને સાંકળીને મુસ્લિમોને હેરાન કરવા શકય છે?

આ મુદ્દો અગત્યનો છે.  ભ્રમણા કંઈક આમ ફેલાવાઈ રહી છે – ધારો કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન બને ત્યારે (ત્યારે, આજે નહીં) એક હિંદુ અને એક મુસ્લિમ એમ બે વ્યકિતઓ ભારતના નાગરિક નથી એમ સાબિત થાય તો ૨૦૧૪ પહેલેથી ભારતમાં હોવાને લીધે હિંદુને સી.એ.એ. નો ફાયદો થાય પણ મુસ્લિમોને ૨૦૧૪ પહેલેથી ભારતમાં હોવા છતાં કોઈ ફાયદો નહીં થાય.

 સ્પષ્ટતા – આજે જ સંસદમાં સરકારે સ્પષ્ટતા કરી કે રાષ્ટ્રીય સ્તર પર નેશનલ સિટિઝનશિપ રજિસ્ટર બનાવવા બાબતે સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. એટલે આસામમાં થયેલા એન.આર.સી સાથે આખા દેશના રજીસ્ટરને સરખાવવું બરાબર નથી કારણ કે ત્યાંના સંજોગો અને જરૂરતો તદ્દન અલગ હતાં. ઊલટું ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યું કે આસામ એન.આર.સીમાં જે ભૂલો હતી એ સુધારવી રાષ્ટ્રીય સ્તર પર આ પ્રકારની કસરત માટે સરકારને ઉપયોગી થશે – એ વિધાન જેનો ઉપયોગ અસ્થિર તત્વો આખા દેશમાં એન.આર.સી બનશે - ની કાગારોળ મચાવવા કરે છે.

 હવે પહેલો દાખલો ફરી ઉપાડીએ, એક હિન્દુ અને એક મુસ્લિમ એમ બે વ્યકિતઓ ભારતના નાગરિક નથી એમ સાબિત થાય તો ૨૦૧૪ પહેલેથી ભારતમાં હોવાને લીધે હિંદુને સી.એ.એ. નો ફાયદો થાય? ખરેખર? કારણ કે હિંદુને રેફ્યુજી તરીકે નાગરિકતા મેળવવામાં રસ હોય કે પોતે ઓલરેડી નાગરિક છે એ સાબિત કરવામાં? જો એ એન.આર.સી – જયારે આવે ત્યારે – ની પ્રક્રિયામાં ઓલરેડી ભારતીય નાગરિક છે એ સાબિત કરવામાં નિષ્ફળ જાય તો પછી બીજા વિકલ્પ તરીકે એ સી.એ.એ. નો ફાયદો ઉઠાવી શકે એ વાતમાં કેટલું વજૂદ લાગે છે? જરાય નહીં, કારણ કે એક વાર નાગરિકતા સાબિત કરવામાં નિષ્ફળ જાય એટલે બીજા વિકલ્પનો ઉપયોગ કરવાનો છેદ આપોઆપ ઊડી જાય.. નાગરિકતા કાયદાની કલમ ૧૫ મુજબ સરકાર એને શંકાના ધોરણે નાગરિકતા રદબાતલ કરવા સુધીની સજા કરી શકે છે. એ કિસ્સામાં એ કયાંયનો નહીં રહે.

 સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે સી.એ.એ હાલના ભારતીય નાગરિકોને – તેમની નાગરિકતાને કોઈપણ રીતે અસર કરશે નહીં. સી.એ.એ ભારતીય સંવિધાનના ૧૪, ૧૫ અને ૨૧મી કલમનું ઉલ્લંદ્યન કરતો હોવાના વિપક્ષના દાવાને પણ નિષ્ણાતો દ્વારા દુષ્પ્રચાર જ ગણવામાં આવ્યો છે. મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવશે તેવા દાવા સ્થાપિત હિતોના – રાજકીય પાર્ટિઓના અને દેશમાં અસ્થિરતા લાવવા માંગતા લોકોના દુષ્પ્રચાર પર આધારિત છે. અને હજુ એન.આર.સી કયાંય છે નહીં ત્યારે નાગરિકતા જતી રહેશે અને અમે એન.આર.સી માટે કાગળ નહીં બતાવીએ વાળી વાતો ગેરમાર્ગે દોરનારી જ છે. તમારી પાસે પાનકાર્ડ, પાસપોર્ટ, વોટર આઈ.ડી, આધારકાર્ડ, રેશનકાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, શાળા કોલેજના રિઝલ્ટ, તમારા નામનું સિમકાર્ડ કે બેંક ખાતું – કોઈ કાગળ નથી? તો તમે ભારતીય નાગરિક કઈ રીતે છો? મારા ૯૭ વર્ષે અવસાન પામેલા દાદીનું પણ વોટર આઈ.ડી અને આધારકાર્ડ હતું, તે રેલ્વેમાં કન્સેશન પણ મેળવતા. સી.એ.એ. વિશેનો બધો જ દુષ્પ્રચાર આ પહેલા આવેલા ટ્રિપલ તલાક, રામમંદિર – બાબરી મસ્જીદ નિર્ણય અને હવે આવનારા કોમન સિવિલ કોડને લીધે જેમની દુકાનો બંધ થઈ રહી છે તેવા સ્થાપિત હિતોની કાગારોળ માત્ર છે જેને પૂરતું આર્થિક અને રાજકીય પીઠબળ મળ્યું છે એટલે સતત ધગતું રહે છે.

સંકલન

રાજુભાઇ ધ્રુવ

મો.૯૪૨૬૯ ૧૯૫૫૫

(4:28 pm IST)