Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

મ્યુ. કોર્પોરેશનના બજેટમાં વોર્ડ નં. ૧૩માં વિકાસકામોની રેલમછેલ

વોર્ડમાં ભવ્ય શોપિંગ સેન્ટર અને અત્યાધુનિક કોમ્યુનિટી હોલની ભેટ આપવા બદલ પદાધિકારીઓનો આભાર વ્યકત કરતા કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગર તથા નીતિન રામાણી

રાજકોટ તા. ૧૨ : મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટને આવકારતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી એક સંયુકત યાદીમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂ.૨૧૨૦ કરોડનું કરબોજ વિહોણું ફૂલગુલાબી બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં મિલકત વેરા, પાણી વેરા, વાહન વેરા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ યથાવત રાખવામાં આવ્યા છે.

આ બજેટમાં રાજકોટ ફાટક મુકત બને તેવું આયોજન કરાયું છે. હાલ શહેરમાં ચાર બ્રીજનું કામ ચાલુ છે. નવા નવ બ્રીજ બનાવવાનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ શહેરમાં વિવિધ જગ્યાઓ પર ઓડીટોરીયમ, કોમ્યુનિટી હોલ, સેન્ટ્રલ ઝોન / વેસ્ટ ઝોનમાં આવાસો બનશે. વિવિધ વિસ્તારોમાં ડી. આઈ. પાણીની પાઈપ લાઈનો નાખશે. જેવી અનેકવિધ યોજનાઓ લોકોને ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. તેના જ ભાગરૂપે વોર્ડ નં.૧૩માં રૂ.૧૨.૫૦ કરોડોના ખર્ચે ચંદ્રેશનગર શોપિંગ સેન્ટર તેમજ કરોડોના ખર્ચે એક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.

વોર્ડ નં.૧૩માં શોપિંગ સેન્ટર તથા કોમ્યુનિટી હોલ બનવાથી લોકોની સુખાકારીમાં વધારો થશે. લોકોને નવા શોપિંગ સેન્ટર તથા અત્યાધુનિક કોમ્યુનિટી હોલની સુવિધા માળી રહેશે.

વોર્ડ નં.૧૩માં શોપિંગ સેન્ટર તથા કોમ્યુનિટી હોલની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કલીયરન્સ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, નીતિનભાઈ રામાણી, તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરે આભાર વ્યકત કર્યો હતો.

(4:02 pm IST)