Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કોર્પોરેશનનાં કોમ્યુનિટી હોલ સંચાલન માટે સંસ્થાઓની હોડઃ ર૧ ટ્રસ્ટની અરજી

કવિ અમૃત ઘાયલ હોલનાં સંચાલન માટે મહીને ૬પ હજારની લકઝરિયસ ગ્રાન્ટઃ સંચાલન સંભાળનાર સંસ્થાને મહીને ૬પ હજાર અપાશેઃ અન્ય ૭ કોમ્યુનીટી હોલનાં સંચાલન માટે મહીને ૧૦ હજાર અપાશે

રાજકોટ તા. ૧ર :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં બનાવેલા કોમ્યુનીટી હોલનું સંચાલન ખાનગી ટ્રસ્ટ - સંસ્થાઓને માસિક ગ્રાન્ટની પધ્ધતીથી આપવા માટે ટેન્ડરો પ્રસિધ્ધ થયા હતાં. જેના અનુસંધાને કુલ ૮ હોલ માટે ર૧ જેટલી સંસ્થાઓએ હોલનાં સંચાલન માટે તૈયારી બતાવી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા કુલ ૮ હોલનાં સંચાલન માટે અરજીઓ મંગાવાયેલ જેના માટે જે ર૧ સંસ્થાઓએ અરજીઓ કરી છે. તેની યાદી આ મુજબ છે.

કવિ શ્રી અમૃત ઘાયલ  નવ નિમિત કોમ્યુનીટી હોલ

એસ. એન. કે. સ્કુલ પાસે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, રાજકોટ માટે, સમાજ સેવા કેન્દ્ર -રાજકોટ, શ્રી હરિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, અર્પણ ફાઉન્ડેશન, અખિલ ભારતીય સૈના -રાજકોટ, સ્વ. ચાંદની પંડયા મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી જડેશ્વર ચેરીટેબલ એન્ડ માનવ કલ્યાણ ટ્રસ્ટ, શ્રી અતિત સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટ, વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કુલ ૮ સંસ્થાની અરજીઓ છે.

શ્રી નાનજીભાઇ ચૌહાણ કોમ્યુનિટી હોલ

ધરમનગર આવાસ યોજના પાસે, માટે સમાજ સેવા કેન્દ્ર-રાજકોટ, શ્રી હરિ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સ્વ. ચાંદની પંડયા મેમોરીયલ ટ્રસ્ટ વગેરેની અરજી છે.

શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનીટી હોલ

ધરમનગર આવાસ યોજના પાસે માટે સમાજ સેવા કેન્દ્ર-રાજકોટ, સ્વ. ચાંદની પંડયા મેમોરીયલ  ટ્રસ્ટ વગેરેની અરજી છે.

ડો. આંબેડકર કોમ્યુનીટી હોલ

જીલ્લ ગાર્ડન રાજકોટ, નમો બુધ્ધાય ફાઉન્ડેશનની એક માત્ર અરજી છે.

અવંતીબાઇ લોધી  કોમ્યુનિટી હોલ

ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ, શ્રી લોધા ક્ષત્રીય સમસ્ત જ્ઞાતિ, ભારતીય સમાજ સેવા ટ્રસ્ટ વગેરેની અરજી છે.

શ્રી મહારાણા પ્રતાપ  કોમ્યુનિટી હોલ

સંત કબીર રોડ, અર્પણ ફાઉન્ડેશન, મોમાઇ એજયુકેશન એન્ડ ચેરીટેબલ સોસાયટી, અખિલ ભારતીય સૈના વગેરેની અરજી છે.

શ્રી કાંતીભાઇ વૈદ્ય  કોમ્યુનિટી હોલ

કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે માટે પણ માત્ર અખિલ  ભારતીય સૈનાની અરજી છે.

નવનિર્મિત કોમ્યુનીટી હોલ

મોરબી રોડ, જકાતનાકા પાસે, માટે માત્ર શ્રી અતિત સાવર્જનિક એજયુકેશન ટ્રસ્ટની અરજી છે.

નોંધનીય છે કે ઉપરોકત ૮ પૈકી ૭ કોમ્યુનિટી હોલનાં સંચાલન માટે સંસ્થાઓને દર મહિને ૧૦ હજાર સુધીની ગ્રાન્ટ મ્યુ. કોર્પોરેશન દ્વારા અપાશે.

જયારે એકમાત્ર  લકઝરીયસ કવિ શ્રી અમૃત ઘાયલ હોલ માટે દર મહિને રૂ. ૬પ હજારની લકઝરિયસ ગ્રાન્ટ ચુકાવશે.

આ દરેક કોમ્યુનીટી હોલનાં બુકીંગ તથા ભાડુ અને ડીપોઝીટ વસુલવા સંબંધી કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. કોમ્યુનીટી હોલના વીજ વપરાશનું બીલ સંચાલક સંસ્થાએ ભરવાનું રહેશે. આ કામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ યુનિટનો નિયત કરવામાં આવ્યા મુજબનો વીજ વપરાશ ચાર્જ, ભાડે રાખનાર પાસેથી સંચાલક સંસ્થાએ વસુલવાનો રહેશે. તેમજ સંચાલક સંસ્થાએ દર મહિને વીજ બીલ ભરપાઇ કર્યાની પહોંચની નકલ રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં જમા કરાવવાની રહેશે. સંચાલક દ્વારા કોમ્યુ. હોલ ખાતે વીજ વપરાશ અને વસુલાત અંગેનું રજીસ્ટર રાજકોટ મહાનગરપાલિકા સુચવે તે મુજબ નિભાવવાનું રહેશે. અને વીજ વપરાશ ચાર્જ વસુલ્યા અંગે આર. એમ. સી. ની એપમાં દરરોજ ડેટા અપલોડ કરી આપવાનો રહેશે.

કોમ્યુનિટી હોલના સંચાલન સંબંધે જરૂરી વહીવટી સ્ટાફ અને દૈનિક સફાઇની વ્યવસ્થા સંચાલક સંસ્થાએ પોતાના ખર્ચે કરવાની રહેશે. આ કામે રાખેલ વ્યકિતઓ ભવિષ્યમાં નોકરી માટે કે કોઇપણ હકક હિસ્સા માટે કયારેય રાજકોટ મહાનગરપાલિકામાં દાવો કરી શકશે નહીં. કોમ્યુનીટી હોલના સંચાલન, સફાઇ, લીફટ ઓપરેશન, સિકયુરીટી વિગેરેને લગતું સંપૂર્ણ ખર્ચ સંચાલન સંભળનાર સંસ્થાઓ ભોગવવાનું રહેશે. સંચાલક સંસ્થા દ્વારા કોમ્યુનિટી હોલ ખાતે ર૪ કલાક સિકયુરીટીની વ્યવસ્થા કરવાની રહેશે. જો ચેકીંગ દરમ્યાન સિકયુરીટી ગાર્ડ નહી હોય તો જે તે દિવસની રૂ. ૧૦૦૦ ની  પેનલ્ટી વસુલવામાં આવશે. ચેકીંગ દરમ્યાન સફાઇમાં ઉણપ જણાશે. તો રૂ. ૧૦૦૦ ની પેનલ્ટી સંચાલક સંસ્થા પાસેથી વસુલવામાં આવશે.

 વગેરે શરતોને આધિન આ તમામ કોમ્યુનીટી હોલનું સંચાલન જે તે પસંદગી પામેલ સંસ્થાને સુપ્રત કરાશે.

(3:58 pm IST)