Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

શ્રી શિવશકિત શરાફી મંડળીના ઉપક્રમે યોજાયો ધ્વજવંદન તથા વડિલ વંદનાનો અનોખો કાર્યક્રમ

મંડળીના ચેરમેન હરગોપાલસિંહ જાડેજાએ મંડળીની પ્રગતિનો આપ્યો ચિતાર : ૮૦ વર્ષ પૂર્ણ કરેલ ૧૫ સભ્યોનું સન્માનઃ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં સભાસદોની હાજરી : સભ્ય બનીને ગૌરવ અનુભવતા સભાસદો

રાજકોટ તા. ૧૨ : શ્રી શિવશકિત શરાફી સહકારી મંડળી દ્વારા દર વર્ષે ૨૬મી જાન્યુ.ની ધ્વજવંદન કરી અનેરી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે રાજકોટના આંગણે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવતી હોય આ મંડળીએ પણ ધ્વજવંદન સાથે વડિલ વંદના કાર્યક્રમ યોજી સૌ કોઇની દાદ મેળવી હતી.

મંડળીના કાર્યાલય ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં ૧૯૦ સભ્યો હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન મંડળીના મેનેજર નિપેશભાઇ પંડયાએ આપેલ તેમજ ધનવર્ષા મંડળીના પ્રમુખ ગીરીરાજસિંહ જાડેજા તેમજ શિવજ્યોત મંડળીના પ્રમુખ રાહુલ ચોવટીયા તેમજ મંડળીના વડીલ સભાસદો જેઓની ૮૦ વર્ષની ઉંમર થયેલ તેઓનું વડીલ વંદના કાર્યક્રમમાં સ્વાગત કરેલ. મંડળીના પ્રમુખ એચ.એચ.જાડેજાએ જણાવેલ કે, આ મંડળી છેલ્લા ૧૯ વર્ષથી ફ.બ. ધારકોને ભેટ આપે છે. તેમજ ધો. ૧૦ તથા ધો. ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ તથા બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આ વર્ષ કંઇક નવુ આયોજન કરવાનું મનમાં આવેલ તે મુજબ ૮૦ વર્ષ પૂર્ણ થયેલ સભાસદોનું કુલ ૧૫ સભાસદોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરેલ સાથે અલ્પાહારનું આયોજન કરેલ.

શ્રી જુમાભાઇ એચ. જોબણ (મુસ્લિમ આગેવાન)ના હસ્તે ધ્વજવંદન કરેલ તેમજ વડીલ સભાસદોના સન્માનના પ્રત્યાઘાટ આપતા અલંગ હાઉસના માલીક સતારભાઇ બાનાણીએ જણાવેલ કે સર્વને સાથે રાખી સૌનો સહકાર અને સૌનો વિકાસમાં આ મંડળીમાં ૨૦ વર્ષથી સભાસદ છું. અમારી ધંધાના વિકાસમાં મંડળીના પ્રમુખશ્રીએ (બાપુએ) એક પરિવારની રૂએ સાથે રહેલ છે અને અમારા વિકાસમાં શિવશકિત મંડળીનો મોટો ફાળો છે.

અન્ય શ્રી રઘુવીરસિંહ રાણાએ જણાવેલ કે, સહકાર અને સંસ્કારનો સંયુકત પ્રયાસ માણસો માટે આ મંડળીની કામગીરી સોનામાં સુગંધ જેવી છે. શમુબેન રામભાઇ રાઠોડએ જણાવેલ કે, આ મંડળી અમોને માતૃસંસ્થા જેવી હુંફ અને સહયોગ આપેલ છે. આરડીસી બેંકના પૂર્વ મેનેજર મહેન્દ્રભાઇ ઓઝાએ જણાવેલ કે, નાના માણસો માટેની આ મંડળી ઉભરી આવેલ છે. સહકારનો સિધ્ધાંત-૭મો 'સમાજ પ્રત્યે  ઉતરદાયિત્વ'ની ભાવના સાબિત કરેલ છે. હું ૧૯૯૮થી સભાસદ પદ ધરાવું છું અને શરૂઆતથી હું તાજનો સાક્ષી છું. આ મંડળીએ શરૂઆતથી 'અ' વર્ગ જાળવી રાખેલ છે તેમજ એક પણ લવાદ કેશ નથી.

મંડળીના પ્રમુખ એચ.એચ.જાડેજા (બાપુએ) જણાવેલ કે, મારા પત્નીનું અવસાન તા. ૨૩-૧-૧૬ના રોજ થયેલ છતાં પણ ૨૬મી જાન્યુના રોજ ધ્વજ કાર્યક્રમ રાખી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સમજી દર વર્ષ આ કાર્યક્રમ યોજાય છે.

આ મંડળીના ડીરેકટરો, સ્ટાફ મિત્રો સર્વે સભાસદોએ ઉત્સાહભેર ભાગ લેવા બદલ મંડળીના મંત્રી હિતેષભાઇ પીઠડીયાએ આભારવિધિ કરી સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરેલ હતી.

(3:53 pm IST)