Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ભગવાન મહાવિર સ્વામીના નિર્વાણ બાદ નવમી સદીથી પ્રચલીત થયેલ

સ્થાનકવાસી જૈન ગુજરાતી સંપ્રદાયોની પરંપરાનો ઈતિહાસ

સુધર્માગચ્છીય પાટપરંપરાના ૬૫માં આચાર્ય પૂ.ધર્મદાસજી સ્વામી થયાઃ પૂ.પારસમુનિ મ.સા. જૈન ધર્મનું મૂળનામ કેવલી પ્રરૂપિત ધર્મ છેઃ ગુજરાતના સ્થાનકવાસી સંપ્રદાયો પૂ.મૂળચંદ સ્વામીની પરંપરાના છે

રાજકોટ,તા.૧૨: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. તા.૧૧ના લીંબડી મોટા સંઘમાં પધાર્યા. લીંબડી મોટા સંઘમાં આસન્ન ઉપકારી પૂ.સદ્દગુરૂદેવ શ્રી મૂળચંદજી સ્વામીની ગાદીના દર્શન કર્યા.

 

ભગવાન મહાવીર સ્વમીના નિર્વાણ નવમી સદીથી પ્રચલિત થયેલ ચૈત્યવાદ અને મૂર્તિપૂજા સામે ધર્મક્રાંતિ કરનાર ધર્મપ્રાણ લોકાશાહના ઉપદેશથી ૪૫ પુરૂષોએ સાથે વિ.સં.૧૫૩૧માં દીક્ષા ગ્રહણ કરી અને લોકાગચ્છનો પ્રારંભ થયો. લોકાગચ્છમાં નવપાટ સુધી શુધ્ધ ચારિત્ર પાલન રહ્યું. લોકાશાહના નામ પરથી લોકાગચ્છ થયો.

લોંકાશાહની પરંપરા લોંકાશાહ, ભાણજી, ભિદાજી, નુનાજી, ભીમાજી, જગમાલજી, સરવોજી, રૂપચંદજી, જીવાજી નવ પાટ સુધી શુધ્ધ ચારિત્ર પાલન રહ્યા પછી કાળક્રમે શિથિલતા આવી અને ફરી ક્રિયોધ્ધાર થયા. પૂ.જીવાજી મહારાજના ત્રણ શિષ્યો થયા. જગાજી મહારાજ, મોટા વરસિંહજી મહારાજ, કુંવરજી ઋષિ.

જગાજી મહારાજના શિષ્ય પૂ.જીવરાજજી મહારાજ થયા. તેમણે વિ.સં.૧૬૦૮માં ક્રિયોધ્ધાર કર્યો.

મોટાવરસિંહજી પછી તેના શિષ્યો નાનાવરસિંહ, યશવંતઋષિ, રૂપસિંહજી, દામોદરજી, કર્મસિંહજી, કેશવજી, તેજસિંહજી થયા.

પૂ.કેશવજી પક્ષના યતિઓમાંથી પૂ.વમ્રંગજીની પાટે પૂ.લવજીઋષિ આવ્યા વિ.સં.૧૬૯૪માં ક્રિયોધ્ધાર કર્યો.

પૂ.કેશવજીના શિષ્ય પૂ.તેજસિંહજીના સમયમાં એકલપાત્રિયા શ્રાવક કલ્યાણજીના શિષ્ય પૂ.ધર્મદાસજી સ્વામી થયા. પૂ.કેશવજી યતિ પરંપરામાં પૂ.હરજીઋષિ થયા તેમણે વિ.સં.૧૭૮૫માં ક્રિયોધ્ધાર કર્યો.

કુંવરજી યતિ મલ્લજી, રત્નસિંહજી, કેશવજી, શિવજી થયા. પૂ.શિવજીયતિના બે શિષ્યો થયા. સંઘરાજજી તેમની પાટે સુખમલજી, ભાગચંદજી, માણેકચંદજી, મૂલચંદજી, વાલચંદજી, જગતચંદજી, રત્નચંદજી, નૃપચંદજી આ યતિ પરંપરા ચાલી અને તેમની ગાદી બાલાપુરમાં છે. પૂ.શિવજીયતિના બીજા શિષ્ય પૂ.ધર્મસિંહજી સ્વામી થયા. તેમણે વિ.સં.૧૬૮૫માં શુધ્ધ ચારિત્ર ગ્રહણ કર્યુ, દરિયાપુરી સંપ્રદાય ચાલ્યો.

પૂ.ધર્મસિંહ સ્વામીની દીક્ષા વિ.સં.૧૬૮૫માં થઈ. પૂ.લવજીઋષિની દીક્ષા વિ.સ.૧૬૯૪ થઈ. પૂ.ધર્મદાસજી સ્વામી દીક્ષા વિ.સં.૧૭૧૬માં થઈ.

જન્મઃ પૂ.ધર્મદાસજી સ્વામીની અમદાવાદ પાસેના સરખેજ ગામના વતની હતા. માતા ડાહીબેન, પિતા જીવાભાઈ ભાવસાર પરિવાર. જન્મ ચૈત્ર સુદ અગિયારસ વિ.સં.૧૭૦૧.

દિક્ષાઃ તત્કાલિન વરિષ્ઠ આચાર્ય પૂ.લવજી ઋષિ, પૂ.ધર્મસિંહજી સ્વામી સાથે ચર્ચા કરીને સોળ વર્ષની વયે ૧૭ શિષ્યો સહિત સ્વયંદીક્ષા વિ.સં.૧૭૧૬ આસો સુદ અગિયારસના અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલી પાદશાહની વાડીમાં અંગીકાર કરી.

આચાર્ય પદઃ પાંચ વર્ષમાં અલ્પ દીક્ષા પર્યાય અને ૨૧ વર્ષની નાની વયમાં ઉજજૈનમાં સકલ ચતુર્વિધ સંઘ દ્વારા વિ.સં.૧૭૨૧ મહાસુદ પાંચમ (વસંત પંચમી)ના આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું.

સંત પરિવારઃ માત્ર ૪૦ વર્ષના સમયમાં ૯૯ શિષ્યો અને ૩૦૦ થી અધિક સાધ્વી રત્નાઓ શિષ્યા બન્યા.

સંથારાઃ શિષ્ય લુણકરણમુનિના ભાવો પતિત થતા શાસન ગૌરવ માટે સ્વસ્થ સ્થિતિમાં  ધારનગરીમાં સંથારો ગ્રહણ કર્યો. સંથારો આઠ દિવસ ચાલ્યો હતો. ૪૩ વર્ષનો સંયમ પર્યાય, ૫૯ વર્ષનું આયુષ્ય ભોગવી યુગપ્રધાન આચાર્ય સમ્રાટ આસન્ન ઉપકારી શ્રીમદ્ ધર્મદાસજી સ્વામી વિ.સં.૧૭૫૯ અષાઢ સુદ પાંચમના સમાધિભાવમાં આ દેહનો ત્યાગ કરી પરલોક પ્રયાણ કરી ગયા.

આચાર્યદેવના સ્વર્ગારોહણ બાદ તેમના ૨૨ (બાવીસ) પ્રમુખશિષ્યો સંપૂર્ણ ભારતવર્ષમાં સ્વતંત્ર વિચરણ કરવા લાગ્યા. તેમની તે પાટ આજે પણ ધાર (મધ્યપ્રદેશ)માં વિદ્યમાન છે.

બાવીસ પ્રમુખ શિષ્યોમાં પૂ.મૂળચંદજી સ્વામી પણ એક વિદ્વાન સંત હતા. અઢાર વર્ષની વયે પૂ.ધર્મદાસજી સ્વામી સમીપે દીક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય પૂ.ધર્મદાસજી સ્વામી વિ.સં.૧૭૫૯માં સ્વર્ગારોહણ થયા બાદ પૂ.મૂળચંદજી સ્વામી તેમના શિષ્યો સાથે ગુજરાતની પુણ્યધરા પર વિચરણ કરતા હતા. પૂ.મૂળચંદજી સ્વામીનો જન્મ અમદાવાદમાં વિ.સં.૧૭૨૨માં શ્રાવણ સુદ અગિયારસના થયો હતો. દીક્ષા વિ.સં.૧૭૪૫માં થઈ હતી. આચાર્ય પદ વિ.સં.૧૭૬૪ પોષ સુદ પૂનમ અમદાવાદમાં ચતુર્વિધ સંઘે મળીને આસ્ટોડિયાના ઉપાશ્રયમાં પ્રદાન કર્યુ હતું.

તે સમયે પૂ.મુળચંદજી સ્વામીના શિષ્યોને વિચાર આવ્યો કે પૂજયશ્રીને કોઈ સારી પાટ પર બેસાડી આચાર્ય પદવી અપાયતો વધુ શોભા વધે, એટલે તે સમયે અમદાવાદ શહેરના ધર્મપ્રિય શ્રીમંત વિસા ઓસવાલ જ્ઞાતિના સુશ્રાવક શ્રી ધનરાજ શાહે વિ.સં.૧૭૬૦ના ચૈત્ર સુદ પૂનમના દિવસે આંબાના એક જ પાટિયાની સળંગ પાટ પોતાના ઘર વપરાશ માટે બનાવેલ તે પાટ સાધુ મહારાજ સાહેબો પાઢિયારી લાવ્યા અને ઉપાશ્રયમાં મૂકી અને તે પાટ પર બેસાડીને વિ.સં. ૧૭૬૪ના પોષસુદ પૂનમના આચાર્યપદ પૂ.મૂળચંદજી સ્વામીને પ્રદાન કરવામાં આવ્યુ. પાછળથી સુશ્રાવક ધનરાજ શાહે તે પાટ ઉપાશ્રયમાં ભેટ આપી.

પૂ.મૂળચંદજી સ્વામી ૮૧ વર્ષની ઉંમરે વિ.સં.૧૮૦૩માં તેમના શિષ્ય પૂ.પંચાણજી સ્વામીને આચાર્ય પદે સ્થાપી અમદાવાદ મધ્યે સંથારા સહિત વિ.સં.૧૮૦૩માં કાળધર્મ પામ્યા. પૂ.મૂળચંદજી સ્વામીના સાતશિષ્યો હતા. પૂ.ગુલાબચંદજી, પૂ.પંચાણજી, પૂ.વનાજી, પૂ.ઈન્દ્રજી, પૂ.વણારસીજી, પૂ.વિઠ્ઠલજી, પૂ.ઈચ્છાજી.

પૂ.પંચાણજી સ્વામીએ સમુદાય સુધારણાર્થે ૩૨ બોલની પ્રરૂપણા કરી તે જ બોલે આગળ જતા પૂ.અજરામરજી સ્વામીએ કાયમ રાખ્યા.

અમદાવાદ સંઘમાં પ્રવેશેલા મતભેદ અને ઘટતી જન સંખ્યાને કારણે સમુદાયના સંચાલનમાં ખામી આવે તેવા એંધાણ દેખાતા હતા. એવા કારણોથી પૂ.મૂળચંદજી સ્વામીની ગાદી ફેરવવાની આવશ્યકતા ઉભી થઈ.

તે દરમ્યાન શેઠ નાનજી ડુંગરશી પોતાના કાર્ય પ્રસંગે અમદાવાદ આવેલ અને દર્શનાર્થે ગયા. ત્યારે ત્યાં ધોરાજીના દોશી પુરૂષોત્તમ વાસણજી ગાદીને અમદાવાદથી ધોરાજી લાવવાની પૂજયશ્રીને વિનંતી કરી રહ્યા હતા. શેઠે દર્શન- વંદન કરી સર્વ વાતથી વિદિત થઈને ગાદી લીંબડી લાવવા પૂજયશ્રીને આગ્રહભરી વિનંતી કરી ધોરાજી સંઘ નાનો હોય અને લીંબડીમાં બધી જ રીતે અનુ કૂળતા દેખાતા પૂજયશ્રી ઈચ્છાજી સ્વામીએ વિનંતી પર વિચાર્યુ અને પૂજયશ્રીએ શેઠ સમક્ષ છ શરતો મૂકી તે શેઠ નાનજી ડુંગરશીએ સ્વીકારી.

આ ઘટના આચાર્યદેવ પૂ.પંચાણજી સ્વામી વિ.સં.૧૮૧૪માં પૂ.ઈચ્છાજી સ્વામીને આચાર્ય પદે સ્થાપ્યા બાદ ઘટિત થઈ. આચાર્યદેવ પૂ. પંચાણજી સ્વામી વિ.સં.૧૮૧૪માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા.

દ્વિતિય આચાર્ય પૂ.પંચાણજી સ્વામીના સ્વાર્ગારોહણ બાદ વિ.સં. ૧૮૧૪માં જેઠ સુદ દશમના આચાર્ય પૂ.ઈચ્છાજી સ્વામીના આદેશથી સંતો ગાદીની પાટ સ્વયં ઉંચકીને અમદાવાદથી લીંબડી લાવેલ. આચાર્ય પૂ.મૂળચંદજી સ્વામીના શિષ્ય આચાર્ય પૂ.પંચાણજી સ્વામીના બે શિષ્ય પૂ.રતનશી સ્વામી અને પૂ.ઈચ્છાજી સ્વામી.

પૂ.રતનશી સ્વામીના શિષ્ય પૂ.ડુંગરશી સ્વામી ગોંડલ પધાર્યા, ગોંડલ મોટા સંપ્રદાયની સ્થાપના થઈ. આચાર્ય પૂ.પંચાણજી સ્વામીના શિષ્ય પૂ.ઈચ્છાજી  સ્વામી અમદાવાદથી ગાદી પાટ લીંબડી લાવ્યા અને લીંબડી સંપ્રદાયની સ્થાપના થઈ. તેના શિષ્ય પૂ.ગુલાબચંદજી સ્વામી તેના શિષ્ય પૂ.વાલજી સ્વામી તેના બે શિષ્ય પૂ.હીરાજી સ્વામી અને પૂ.નાગજી સ્વામી, પૂ.નાગજી સ્વામી સાયલા પધાર્યા સાયલા સંપ્રદાયની સ્થાપના થઈ. પૂ.હીરાજી સ્વામી જ્ઞાતિએ કડવા પાટીદાર હતા. તેની દીક્ષા વિ.સં.૧૮૦૪માં થઈ હતી.

આચાર્ય પૂ.ઈચ્છાજી સ્વામીએ વિ.સં.૧૮૩૩માં પૂ.હીરાજી સ્વામીને આચાર્ય પદે બેસાડયા અને તેઓ સમાધિભાવે કાળધર્મ પામ્યા. આચાર્ય પૂ.હીરાજી સ્વામીની વિ.સ.૧૮૪૧માં ૭૪ વર્ષની વયે સંથારા સહિત સમાધિભાવે કાળધર્મ પામ્યા.

પૂ.હીરાજી સ્વામીની પાટે વિ.સં.૧૮૪૧માં પૂ.કાનજી સ્વામી આચાર્ય પદે બિરાજયા તે વઢવાણના ભાવસાર જ્ઞાતિના હતા. વિ.સં.૧૮૧૨માં હળવદમાં દીક્ષા ગ્રહણ કરેલ. વિ.સં. ૧૮૪૧માં આચાર્ય પદે બિરાજયા વિ.સં.૧૮૫૪માં સાયલામાં સંથારા સહિત  ૫૪ વર્ષની વયે કાળધર્મ પામ્યા.

પૂ.કાનજી સ્વામીના શિષ્ય પૂ.અજરામરજી સ્વામી થયા. તેમનો જન્મ વિ.સં.૧૮૦૯માં પડાણા ગામમાં થયો હતો. જામનગર જિલ્લામાં રત્નકુક્ષિણી માતા કંકુબાઈ, પિતા માણેકચંદ ખીંયસી શાહ, દીક્ષા વિ.સં.૧૮૧૯માં મહાસુદ પાંચમ  (વસંત પંચમી)ના શુભદિને ગોંડલ- સૌરાષ્ટ્રમાં માતા કંકુબાઈ સાથે (માતા- પુત્ર સંગાથે) દીક્ષા લીધી તેમના ગુરૂ પૂ.હીરાજી સ્વામી, પૂ.કાનજી સ્વામી હતા.

આચાર્ય પૂ.કાનજી સ્વામી આચાર્ય પદે વિ.સં.૧૮૪૧માં બિરાજયા અને વિ.સં.૧૮૫૪માં કાળધર્મ પામ્યા. તેઓએ સહર્ષ આચાર્ય પદનો ત્યાગ કરી પોતાના શિષ્ય પૂ.અજરામરજી સ્વામીને આચાર્યપદે વિ.સં. ૧૮૪૫માં સ્થાપ્યા આચાર્યદેવ પૂ.અજરામરજી સ્વામી વિ.સં.૧૮૭૦માં શ્રાવણ વદ બીજના કાળધર્મ પામ્યા હોય તેવું જણાઈ રહ્યુ છે.

આચાર્ય પૂ.ઈચ્છાજી સ્વામી દ્વારા સ્થાપાયેલ લીંબડી સંપ્રદાય હાલમાં લીંબડી અજરામર સંપ્રદાય તરીકે ઓળખાય છે.

યુગ પ્રધાન આચાર્યદેવ પૂ.મૂળચંદજી સ્વામીની ગાદી પાટ વર્તમાન સમયે આચાર્ય સમ્રાટ પૂ.અજરામરજી સ્વામીની ગાદી પાટ તરીકે ઓળખાય છે. આ ગાદી પાટ પર છેલ્લા આચાર્ય પૂે.મેઘરાજજી સ્વામી બિરાજીત થયેલ હતા. પૂ.વનાજી સ્વામીના શિષ્ય પૂ.કાનજી સ્વામી બરવાળા પધાર્યા અને બરવાળા સંપ્રદાયની સ્થાપના થઈ.

પૂ.વણારસી સ્વામીના શિષ્ય પૂ.ઉદય સંઘજી, પૂ.જેસંધજી સ્વામી ચુડા પધાર્યા અને ચુડાસંપ્રદાયની સ્થાપના થઈ.

પૂ.વિઠ્ઠલજી સ્વામીના શિષ્ય પૂ.હરખચંદજી સ્વામીના શિષ્ય પૂ.ભૂખણજી સ્વામી મોરબી પધાર્યા, મોરબી સંપ્રદાયની સ્થાપના થઈ, તેના શિષ્ય પૂ.વશરામજી સ્વામી ધ્રાંગધ્રા પધાર્યા ધ્રાંગધ્રા સંપ્રદાયની સ્થાપના થઈ. તેમના શિષ્ય પૂ.જશરાજજી સ્વામી બોટાદ પધાર્યા, બોટાદ સંપ્રદાયની સ્થાપના થઈ.

પૂ.ઈન્દ્રજી સ્વામીના શિષ્ય પૂ.કૃષ્ણજી સ્વામી, પૂ.સોમચંદ્રજી સ્વામી કચ્છ પધાર્યા તેની પરંપરામાં પૂ.દેવજી સ્વામી થયા તેનાથી કચ્છ આઠ કોટિમોટી પક્ષ સંપ્રદાયની સ્થાપના થઈ. પૂ.દેવજીસ્વામીના ગુરૂભાઈ પૂ.જશરાજજી સ્વામીના શિષ્ય પૂ.વસ્તાજી સ્વામીના શિષ્ય પૂ.હંસરાજજી સ્વામીથી કચ્છ આઠ કોટિનાની પક્ષ સંપ્રદાયની સ્થાપના થઈ. પૂ.ઈચ્છાજી સ્વામીના શિષ્ય પૂ.રામજી સ્વામીથી છોટા ઉદેપુર સંપ્રદાય સ્થપાયો.

ગોંડલ સંપ્રદાયમાંથી પૂ.ગાંગજી સ્વામીથી ગોંડલ સંઘાણી સંપ્રદાય સ્થાપાયો. લીંબડી સંપ્રદાયમાંથી પૂ.ગોપાલજી સ્વામીથી ગોપાલ સંપ્રદાય સ્થપાયો. હાલમાં ચુડા સંપ્રદાય, સાયલા સંપ્રદાય, છોટા ઉદેપુર સંપ્રદાય, મોરબી સંપ્રદાય, ધ્રાંગધ્રા સંપ્રદાય વિદ્યમાન નથી.

આચાર્ય પૂ.ધર્મદાસજીના ૨૨ શિષ્યો (બાવીસટોળા)માંથી સત્તર શિષ્યોની પરંપરા વિદ્યમાન નથી. પાંચ શિષ્યોની પરંપરા વિદ્યમાન છે. તેમાંથી ગુજરાતમાં દરિયાપુરી અને ખંભાત સંપ્રદાય સિવાયના સર્વ સ્થાનકવાસી સંપ્રદાય પૂ.મૂળચંદજી સ્વામીની શિષ્ય પરંપરાના છે. આ સર્વ સંપ્રદાયોનું નિર્માણ વિ.સં.૧૮૪૫ આસપાસ થયેલ છે.

ગોંડલ સંપ્રદાય સંસ્થાપક આચાર્યદેવ પૂ.ડુંગરસિંહજી સ્વામીની દીક્ષા વિ.સં.૧૮૧૫માં થઈ હતી અને આચાર્યદેવ પૂ.અજરામરજી સ્વામીની દીક્ષા વિ.સં.૧૮૧૯માં થઈ હતી.

યુગપ્રધાન આચાર્યદેવ પૂ.ધર્મદાસજી સ્વામીની છઠ્ઠીપાટ પરંપરાથી વ્યવસ્થા અને વિચરણના વિશાળ ક્ષેત્ર, શ્રાવકોના સમકિત ની રક્ષા, સમાજમાં સુસંસ્કારોનું સિંચન, ધર્મનો પ્રચાર- પ્રસાર ધર્મપ્રભાવના આદિ હેતુના કારણે વ્યવસ્થા અર્થે અને આગળ જતાં કલશેનું વાતાવરણ નિર્માણ ન થાય, ધર્મ શ્રધ્ધા અને ગુરૂશ્રધ્ધામાં અભિવૃધ્ધિ થાય તેવા કારણોથી સમુદાય થયા. જે આગળ જતાં સંપ્રદાયના નામે ઓળખાય છે.

ભગવાન મહાવીર સ્વામીએ સ્થાપેલ ધર્મ જેનું મૂળનામ કેવલી પ્રરૂપિત ધર્મ છે. જે જૈન ધર્મના નામે પણ વર્તમાન સમયે ઓળખાય છે. તે શુધ્ધધર્મ આગળ જતાં ઢુંઢિયા પંથ રૂપે પ્રસિધ્ધ થયો. ઢુંઢન એટલે સત્યધર્મનું શોધન કરનાર. ત્યાર પછી ઢુંઢિયા પંથ જ બાવીસટોળાના નામે પ્રસિધ્ધ થયોે. તે ધર્મદાસજી સ્વામી પછીનો સમય અને ત્યારબાદ ધર્મસ્થાનકોમાં ઉતરવાના કારણે સ્થાનકવાસી કહેવાયા, (મંદિર) દેરાને માનતા હોવાથી દેરાવાસી કહેવાયા, તેર સાધુ સાથે હતા તેથી તેરાપંથ કહેવાયા. દિશાને વસ્ત્રમાની રહેતા વસ્ત્રનો ત્યાગ હોય તે દિગંબર કહેવાયા.

(3:48 pm IST)