Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

કુદરતની અમુલ્ય બક્ષિસ સમાન સજીવ ખેતી સ્વાસ્થ્યપ્રદ જીવન માટેની ચાવીઃ ૨૦૦ ખેડૂતોના પ્રેરણારૂપ ખેડૂતનું રાજ્યપાલના હસ્તે સન્માન

સજીવ ખેતી થકી વર્ષે પાંચ લાખની આવક મેળવતા સરપદડના ધરતીપુત્ર વશરામભાઇ લુણાગરિયા

રાજકોટઃ આજના સમયમાં વધતી જતી વસ્તીની ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા જગતના તાત આપણી 'કૃષિ-ઋષિ' ની પરંપરાથી અલિપ્ત થઇ રાસાયણીક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા ખાતરનો અને દવાનો બેફામ ઉપયોગ કરે છે, જે લાંબા ગાળે લોકોના અને જમીનના આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે. તેવા સમયે ગુજરાતમાં એવા પણ કેટલાક ધરતીપુત્રો છે કે, જેઓ સજીવ ખેતી દ્વારા આરોગ્યપ્રદ ખેત પેદાશોનું ઉત્પાદન કરી લોકોને તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રદાન કરી રહ્યા છે. આવા જ એક ધરતીપુત્ર એટલે રાજકોટ જિલ્લાના સરપદડના શ્રી વશરામભાઈ લુણાગરિયા. જેઓ વિસરાયેલી સજીવ ખેતીને પુનઃજાગૃત કરી ખેડૂતોમાં તેનો વ્યાપ વધે તે માટે સતત કાર્યશીલ રહ્યા છે. જેમના આ સરાહનીય કાર્ય બદલ તેમને રાજયપાલશ્રીના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા છે.ઙ્ગ

આજના યુગમાં પ્રાકૃતિક ખેતી દ્વારા પકાવેલ ધાનથી શરીર રોગમુકત અને જમીન જંતુમુકત રહે છે, આ વિચાર સાથે પડધરી તાલુકાના સરપદડ ગામના ખેડૂત વશરામભાઈ લુણાગરિયા પોતાની ૨૮ વીઘા જમીનમાં છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં તેઓ ખાતર તરીકે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. તેઓ સજીવ ખેતીના પ્રણેતા સુભાષ પાલેકરજીના વિચારોને જીવનમાં ઉતારી તેમની પ્રાકૃતિક ખેત પદ્ઘતિ દ્વારા તેમની જમીનમાં ચંદન ૧૦૦ થી વધુ વૃક્ષોના ઉછેરની સાથે શેરડી, ઘઉં, ધાણા અને ચણા જેવા પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે.ઙ્ગ

વશરામભાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્વારા થતા વિવિધ કૃષિ મહોત્સવ, કાર્યક્રમો અને સેમિનાર વગેરેમાં કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો, પર્યાવરણવિદો દ્વારા સજીવ ખેતી કરવા માટે મને માર્ગદર્શન મળ્યું છે. આ ઉપરાંત એક દાયકા પૂર્વે આયોજિત થયેલી વિશ્વ મંગલ ગૌ ગાન યાત્રા દ્વારા મને ગાયનું મહત્વ સમજાયું અને હું સજીવ ખેતી તરફ વળ્યો. શરૂઆતમાં મેં મારા ખેતરમાં એક ગાય રાખી અને હાલમાં હું બે બળદ એક વાછરડો અને એક ગાયરૂપી ગૌધન ધરાવું છું.

પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી વશરામભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 'મેં મારા ખેતરમાં સરકારી સહાયથી ડ્રીપ ઇરીગેશન પદ્ઘતિ પણ અપનાવી છે, જેમાં સરકારે મને ૫૦ ટકા સબસીડી આપી છે. મૂલ્યવર્ધનની વાત કરીએ તો રાસાયણીક ખેતી કરતા સજીવ ખેતીમાં મને ત્રણ ગણું મૂલ્ય પ્રાપ્ત થાય છે. આ જમીનમાંથી મને વર્ષે પાંચ લાખ જેટલી આવક મળે છે, પરંતુ સજીવ ખેતી અપનાવતા પહેલા મારી ખેત ઉત્પાદનની આવકની ૬૦ ટકા જેટલી રકમ રાસાયણીક ખાતર – દવા પાછળ જ ખર્ચાઇ જતી હતી. પરંતુ સજીવ ખેતી અપનાવ્યા બાદ મારી આ તમામ રકમની બચત થાય છે, અને મારે હવે એકપણ રૂપિયાનો ખર્ચે કરવો પડતો નથી.

સજીવ ખેતીમાં સફળતા મેળવી વશરામભાઈ આજે અનેક ખેડૂતોને નિૅંશુલ્ક સજીવ ખેતી અંગેની તાલીમ પણ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ચાર હજારથી વધુ ખેડૂતોને તાલીમ આપી છે, જે પૈકી ૨૦૦ થી વધુ ખેડૂતોએ તેમના સજીવ ખેતીના કાર્યથી પ્રેરાઈને રાસાયણીક ખેતી મૂકીને સજીવ ખેતી અપનાવી છે.

સજીવ ખેતીના ફાયદા વિશે વાત કરતાં વશરામભાઈ કહે છે કે, તદ્દન ઓછા ખર્ચે મબલખ પાક મેળવવા આ પદ્ઘતિ શ્રેષ્ઠ છે. રાસાયણિક ખાતરનાઙ્ગ મોંઘા દામઙ્ગ આપવાઙ્ગ છતાં પણઙ્ગ તેના થકી ઉત્પાદિત થતી પેદાશની સરખામણીમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત થતી પેદાશની ગુણવત્ત્।ા ઉત્ત્।મ હોય છે. પ્રકૃતિ આધારિત ખેતીને કારણે લોકોને ઝેરમુકત અનાજ મળે છે, જેથી લોકોની તંદુરસ્તી જળવાઈ રહે છે.

સુભાષ પાલેકરજીની પદ્ઘતિની હિમાયત કરતા વશરામભાઈ લુણાગરિયા જણાવે છે કે, આ પદ્ઘતિમાં મુખ્યત્વે ગાય આધારિત ખેતી કરવામાં આવે છે. ખેતરમાં ખાતર તરીકે ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. વેસ્ટ કચરાને મલ્ચીંગ કરી તેનો પણ પ્રમાણસર ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ઘતિમાં બિયારણમાં ૮૦ % નો ફાયદો થાય છે. તેથી ખૂબ જ ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન શકય બને છે અને ખેડૂતોને વધુ લાભ મળે છે.

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વશરામભાઈ લુણાગરિયાએ આપેલ યોગદાન બદલ તેમને તા. ૨૫મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે અને તા. ૮ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજના દોડધામભર્યા યુગમાં લોકોમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોમાં જોવા મળતા રોગનું મુખ્ય કારણ રાસાયણિક ખાતર દ્વારા ઉત્પાદિત અનાજ, ફળ અને શાકભાજીનું સેવન છે. તેવા સમયે સજીવ ખેતી આરોગ્યની જાળવણી માટેનો શ્રેષ્ડતમ વિકલ્પ છે. વશરામભાઈએ અપનાવેલી સુભાષ પાલેકરજી પ્રેરિત ખેત પદ્ઘતિ દ્વારા ખેતી કરી તમામ ખેડૂતપુત્રોને એક નવી જ દિશા પ્રદાન કરી છે. તેમની કાર્યપ્રણાલીથી પ્રેરાઈ આજે અનેક ખેડૂતો સજીવ ખેતી પ્રત્યે જાગૃત સજીવ ખેતી અપનાવી તંદુરસ્ત ભવિષ્યના નિર્માણમાં અનન્ય યોગદાન આપી રહ્યા છે.

આલેખન

પારૂલ આડેસરા

રાધિકા વ્યાસ

માહિતી મદદનીશ, રાજકોટ

માહિતી ખાતુ કચેરી

(3:47 pm IST)