Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ચુનારાવાડ પાસે વહેલી સવારે 'હિટ એન્ડ રન'નો બનાવઃ અજાણ્યા યુવાનનું મોત

જમણા હાથ પર 'આર' ત્રોફાવેલો છેઃ મૃતદેહ નજીકથી રીંગણા મળ્યાઃ કોઇ શાકભાજીના વાહનવાળાએ ઉલાળ્યાની શકયતાઃ મૃતક યુવાન વિશે કોઇ પાસે માહિતી હોય તો થોરાળા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૨: ચુનારાવાડ નજીક વહેલી સવારે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.

જાણવા મળ્યા મુજબ સવારે પાંચ વાગ્યા પછી કોઇપણ સમયે ચુનારવાડ નજીક એક અજાણ્યો આશરે ૨૦ થી ૨૫ વર્ષનો યુવાન કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ કોઇ નાગરિકે ૧૦૮ને કરી હતી. તેના ઇએમટીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં થોરાળા પોલીસ મથકના પીએસઆઇ કે. કે. પરમાર અને પૃથ્વીસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

મૃતક યુવાનની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. તેના પહેરવેશને આધારે તે રખડતું જીવન જીવતો હોવાનું જણાય છે. આ યુવાનના જમણા હાથ પર અંગ્રેજીમાં 'આર' ત્રોફાવેલો છે. મૃતદેહ નજીકથી તાજા રીંગણા મળી આવ્યા હતાં.  કોઇ શાકભાજીના વાહનવાળાએ ઉલાળ્યાની શકયતા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં દેખાય છે એ મૃતક વિશે કોઇ પાસે માહિતી હોય, કોઇ તેને ઓળખતું હોય તો થોરાળા પોલીસ મથકનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:46 pm IST)