Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

લૂંટારૂ ત્રિપૂટીને ક્રાઇમ બ્રાંચે દબોચીઃ ૧૬ ગુના ઉકેલાયા

રતનપરના પંચદેવી મંદિરમાં પૂજારી દંપતિ પર હુમલો-લૂંટ, કાગદડીમાં હત્યાની કોશિષ, રાજકોટ-ટંકારામાં મંદિરો, શો રૂમ, શાળા, છાત્રાલયમાં ત્રાટકી ગુના આચર્યા'તા : ટ્રાન્સપોર્ટનગર પાછળ ઝૂપડામાં રહેતો ભીખો દેવીપૂજક પોતાના પુત્ર અજીત અને સાળાના દિકરા ગોપાલ સાથે મળી ગુનાઓ આચરતો હતોઃ બે રિક્ષા, ગ્રાઇન્ડર મશીન, ગણેશીયો, તણી, કટર સહિતનો મુદ્દામાલ કબ્જેઃ રાત્રીના સમયે જુદા-જુદા મુખ્ય રોડ ટચ ખેતરો, કારખાનાઓ, વાહનોના શો રૂમ, મંદિરોમાં માથે ચાદર ઓઢી-મોઢે રૂમાલ બાંધીને ત્રાટકતાઃ કોઇ જાગી જાય તો હુમલો કરી દેવાની ટેવ : પીએસઆઇ પી.એમ.ધાખડાની ટીમના કોન્સ. કુલદીપસિંહ જાડેજા, હિરેનભાઇ આહિર સહિતની બાતમી પરથી એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં કામગીરી

તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય શખ્સ (બેઠેલા) તથા પીઆઇ એચ.એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમ તથા કબ્જે થેલી રિક્ષા, ચોરીઓના સાધનો અને નીચેની તસ્વીરોમાં એક શો રૂમમાં ત્રણેય ઘુસ્યા હતાં ત્યારના સીસીટીવી ફૂટેજ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: રાત્રીના સમયે જુદા-જુદા હાઇવે ટચ મંદિરો, મકાનો, વાહનોના શો રૂમ, શાળાઓ, છાત્રાલય, ખેતરોના મકાનોમાં માથે ચાદર ઓઢી, મોઢે રૂમાલ બાંધીને ચોરી-લૂંટના ગુનાને અંજામ આપતી અને જો કોઇ જાગી જાય તો હીચકારો હુમલો કરી દેવાની ટેવ ધરાવતી તસ્કર-લૂંટારૂ ત્રિપૂટીને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. નવાગામ સાત હનુમાન પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં દેવીપૂજક શખ્સ, તેના પુત્ર અને ભાણેજને ઝડપી લેવાયા છે. આ ત્રણેયે હત્યાની કોશિષ, લૂંટ, ચોરીઓના ૧૬ ગુનાની કબુલાત આપી છે. જેમાંથી મોટા ભાગના ગુના નોંધાયા પણ નહોતાં. થોડા દિવસો પહેલા કાગદડીમાં ફુલવાળાના ફાર્મમા આ ત્રણેય ત્રાટકયા ત્યારે ત્યાં રહેતાં પ્રોૈઢ જાગી જતાં તેને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમીને આધારે નવાગામ સાત હનુમાન મંદિર નજીક ટ્રાન્સપોર્ટ નગર પાછળ ઝૂપડામાં રહેતાં ભીખા નાનજીભાઇ જાખણીયા (દેવીપૂજક) (ઉ.વ.૪૦), તેના પુત્ર અજીત ભીખા જાખણીયા (ઉ.૨૦) અને ભીખાના સાળાના દિકરા ગોપાલ જેશાભાઇ સાડમીયા (ઉ.૨૨)ને પકડી લઇ બે અતુલ રિક્ષા, કટર (ગ્રાઇન્ડર મશીન), ગણેશીયો (કોશ), લોખંડની તણી, મોબાઇલ ફોન-૩ નંગ, બીજુ એક કટર મળી કુલ રૂ. ૧,૦૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાત્રીના સમયે માથે ચાદરો ઓઢી, મોઢે રૂમાલ બાંધી ચોરી-લૂંટ-હત્યાની કોશિષના ગુના આચરી અજાણ્યા શખ્સો ભાગી જતાં હોઇ આ ગુનાઓ ઉકેલી કાઢવા ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી તી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના કોન્સ. કુલદીપસિંહ જાડેજા, હિરેનભાઇ આહિર, નગીનભાઇ આહિર સહિતને બાતમી મળતાં ત્રણેયને દબોચી લઇ વિશીષ્ટ ઢબે પુછતાછ કરવામાં આવતાં ૧૭ ગુનાના ભેદ ઉકેલાયા હતાં.

આ ત્રિપૂટીએ જે ગુના કબુલ્યા છે જેમાં ૨૮/૧ના કાગદડીની સીમમાં પી.પી. ફુલવાલાની વાડીમાં ચોરી-લૂંટના ઇરાદે ઘુસી ત્યાં રહેતાં ધનાભાઇ પઢીયાર જાગી જતાં તેને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો ઉકેલાયો છે. આ ઉપરાંત એક વર્ષ પહેલા ટંકારા લતીપર રોડ પર જીનમાંથી રોકડની ચોરી, મિતાણા ડેમ પાસે બહુચર માતાના મંદિરની દાનપેટી કટરથી કાપી રોકડની ચોરી, પાંચ મહિના પહેલા કુવાડવા રોડ પર ગેલોપ્સ પ્રા.લિ. (મહિન્દ્રાના શો રૂમ)માં ચોરી, કાલાવડ રોડ પર ઇશ્વરીયામાં ઇનોવેટીવ સ્કૂલમાં ચોરી, ગોંડલ રોડ પર સુમન બજાજ ઓટોના શો રૂમમાં ચોરીનો પ્રયાસ, ગોંડલ રોડ પર સોમનાથ ઓટો યામાહાના શો રૂમમાં રોકડ ચોરી, ટીવીએસના શો રૂમમાં ચોરીનો પ્રયાસ, કુવાડવા રોડ માલિયાસણ પાસે મહિન્દ્રાના શો રૂમમાં ચોરી, ચાર મહિના પહેલા પરા પીપળીયામાં ગોૈશાળાની બાજુમાં આહિર કન્યા છાત્રાલયમાં ચોરીનો પ્રયાસ,પરા પીપળીયામાં વોરા સ્કૂલમાં રોકડની ચોરી, મોરબી રોડ રતનપરમાં પંચદેવી મંદિરમાં ત્રાટકી પુજારી દંપતિ પર હુમલો કરી સોનાની બુટી, સાંકળા, માળા, રોકડની લૂંટ, રતનપર રામધામ સોાયટી કલ્પવૃક્ષ બંગલોમાંથી બાઇકની ચોરી (જે બાઇક બંધ પડી જતાં ગામમાં જ મુકી દીધું હતું), છતર ગામે ઇન્વીટેકસ નામના કારખાનામાં ચોરીની કોશિષ, છતરમાં શ્રીરામ પોલીપેકસમાં ચોરી તેમજ પંદર દિવસ પહેલા મિંતાણા ગામ ડેમની બાજુમાં ચોરીનો સમાવેશ થાય છે.

આ ત્રણેય રાત્રીના સમયે રિક્ષા લઇને નીકળતાં અને હાઇવે ટચ ખેતરોના મકાનો, શો રૂમ, મંદિરો, વાહનોના શો રૂમમાં ઘુસી જઇ ચોરી-લૂંટ કરતાં હતાં. ગુના વખતે માથે ચાદર ઓઢી-મોઢે રૂમાલ બાંધી લેતા હતાં. કોઇ જાગી જાય તો હુમલો કરી દેતાં હતાં. જે ગુના કબુલ્યા તેમાંથી કુવાડવાના ચોરી-લૂંટ, હત્યાની કોશિષના ત્રણ ગુના અને ટંકારાનો ચોરીનો એક ગુનો નોંધાયો હતો. બાકીના ગુના નોંધાયા પણ નહોતાં.

ઝડપાયેલાઓમાં ભીખો અગાઉ આઠથી દસ વખત મિલ્કત સંબંધી ગુનાઓમાં પકડાઇ ચુકયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, યુવરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, કુલદીપસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, હિરેનભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

અજીત ચોરીઓ કરતો હોવાની કન્યાવાળાને ખબર પડતાં લગ્ન ફોક કર્યા

પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે ઝડપાયેલાઓમાં અજીત જાખણીયાના હાલમાં લગ્ન કરવાના હતાં. પરંતુ પોલીસ પાછળ હોવાની ગંધ આવી જતાં ઘર છોડીને ભાગતા ફરતાં હતાં. આ અંગેની જાણ દિકરીના માવતરને થતાં તેઓએ લગ્ન ફોક કરી નાંખ્યા હતાં.

કામગીરી કરનાર ટીમને રોકડ પુરષ્કાર

ડિટેકશનની કામગીરી કરનાર અધિકારીઓ-ટીમને રૂ. ૧૫ હજારના ઇનામની પોલીસ કમિશનરે જાહેરાત કરી હતી.

(3:33 pm IST)